મુંબઈઃ બુધવારે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીનું મતદાન પૂરું થયું. મહારષ્ટ્રમાં સરેરાશ 65 ટકા આસપાસ મતદાન થયું જે સંતોષજનક કહ શકાય. હવે તમામ પક્ષ, ઉમેદવારો, તેમના સમર્થકો શનિવારે પરિણામની રાહ જોઈને બેઠા છે અને આ સાથે મતદારો પણ રાહ જોઈ રહ્યા છે. જોકે મતદારોના મત જેને જીતાડશે તે જ સત્તા પર બેસશે, તેવું નથી, તે રાજ્યની જનતા અનુભવી ચૂકી છે.
મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણી અને ત્યારબાદની રાજકીય ઉથલપાથલ જોતા શનિવારના પરિણામો બાદ પણ એક જંગ છેડાશે, તેમ કહેવું ખોટું નહીં કહેવાય.
પરિણામો બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં મોટેભાગે ભાજપ અને સાથી પક્ષોની મહાયુતીને સત્તા સ્થાપવા જેટલી 145 બેઠક પર નિશ્ચિત વિજય મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ભાજપ અને શિવસેના તેમ જ એનસીપીના એક જૂથની મહાયુતી ફરી સત્તા પર આવશે, તેવું મોટાભાગના એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે. તો બીજી બાજુ મહાવિકાસ આઘાડીને પણ બે એક્ઝિટ પોલ્સ દ્વારા લીડ આપવામાં આવી છે, જેમાં કૉંગ્રેસ સાથે શિવસેના અને એનસીપીના બે જૂથ છે.
2019માં એક્ઝિટ પૉલ શું કહેતા હતા
ગયા વર્ષે 21 સપ્ટેમ્બર 2019 ના રોજ ચૂંટણી પંચે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ વર્ષ કરતા માત્ર એક જ દિવસ મોડી હતી. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બે મુખ્ય ગઠબંધન વચ્ચે હતો. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું, આ સમયે આ બંને પક્ષો સત્તામાં હતા. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વિરોધ પક્ષમાં હતા. 21 ઓક્ટોબર 2019ના રોજ મતદાન થયું હતું. 24 ઓક્ટોબર 2019ના રોજ મતગણતરી કરવામાં આવી હતી. 21મી નવેમ્બરની સાંજે જ પાંચ મુખ્ય એક્ઝિટ પોલમાં, સત્તાધારી ભાજપ અને શિવસેનાને 193 થી 223 બેઠકો જીતવાની જાહેરાતો થઈ હતી. જ્યારે વિપક્ષી ગઠબંધન વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ અને એનસીપીને 50 થી 90 બેઠકો આપી હતી. વર્ષ 2014થી 2019 દરમિયાન શિવસેના અને ભાજપે સાથે સત્તા ભોગવી હતી અને ઘણી ખેંચતાણ બાદ બન્નેએ ફરી ચૂંટણી પણ સાથે લડી.
એક્ઝિટ પોલ્સ સાચા પડ્યા કે ખોટા
2019માં એક્ઝિટ પોલ્સ સો ટકા સાચા ન હતા, પરંતુ ભાજપ-સેનાને સત્તા સ્થાપવા જેટલી બેઠકો મળી હતી. ભાજપને વિધાનસભામાં સૌથી વધુ 105 બેઠકો મળી હતી. જ્યારે ભાજપના સહયોગી શિવસેનાને 56 બેઠકો મળી હતી. આમ કુલ 161 બેઠકો જીતી હોવાથી સત્તા સ્થાપવામાં કોઈ અડચણ ન હતી.
બીજી બાજુ કૉંગ્રેસને 54 અને એનસીપીને 44 બેઠક મળી હતી. આથી બન્ને પક્ષો 70 કે 80 બેઠકોમાં સમેટાઈ જશે તે ગણિત ખોટું પડ્યું હતું. જોકે તેમ છતાં કૉંગ્રેસ-એનસીપી સત્તાથી ઘણા દૂર હતા.
પરિણામો આવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ મામલે વિવાદ થયો અને આ વિવાદ ખૂબ જ વકર્યો. બન્નેમાંથી કોઈ હથિયાર હેઠા મૂકવા તૈયાર ન થયા અને અચાનક એક દિવસે સવારે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે યુતી કરી શપથ લઈ લીધા. આ નવી સરકાર 80 કલાક ચાલી અને ત્યારબાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપી સાથે સત્તા સ્થાપી. આ ત્રણેય અપ્રાકૃતિક લાગતા પક્ષો સાથે આવ્યા ને સત્તાનું સૂકાન સંભાળ્યું. કોરોનાકાળ દરમિયાન રાજ્યની કમાન સંભાળી, પરંતુ 2021માં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કરી ભાજપ સાથે સત્તા સ્થાપી અને 2022માં અજિત પવારે એનસીપીમાંથી બહાર નીકળી ભાજપ-સેના સાથે હાથ મિલાવ્યા.
હવે આ નવા સમીકરણોએ પહેલીવાર લોકસભા અને બીજીવાર વિધાનસભામાં સાથે રહી ચૂંટણી લડી છે. લોકસભાના પરિણામોમાં મહાવિકાસ આઘાડીએ બાજી મારી છે. ત્યારે શનિવારે જનતાએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તે તો જાહેર થઈ જશે, પરંતુ ત્યાર બાદ રાજકીય પક્ષોની રમત કોને ગાદી પર બેસાડશે, તે જોવાનું રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને