મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (એમવીએ), બંને ગઠબંધનમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ થાય છે. અસલી નકલી શિવસેના અને એનસીપીની લડાઈના દ્રષ્ટિકોણથી આ ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી 558 કરોડ રૂપિયા જપ્ત કર્યા
બંને ગઠબંધન વચ્ચેની લડાઈમાં બે શિવસેના અને બે એનસીપી બંનેના પ્રદર્શન પર નજર ટકેલી છે. બંને પક્ષો વચ્ચે વિભાજન બાદ યોજાનારી આ પહેલી વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને એકનાથ શિંદે અજિત પવાર માટે પણ મહત્વની માનવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં 87 વિધાનસભાની એવી સીટ છે, જ્યાં બે શિવસેના અને બે એનસીપી વચ્ચે સીધી ફાઈટ છે.
અસલી અને નકલી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ
જ્યારે ઉદ્ધવ ઠાકરે તેમની શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ને અસલી શિવસેના કહે છે. ત્યારે એકનાથ શિંદે તેમની શિવસેનાને અસલી ગણાવે છે. એનસીપીની વાત પણ આવી જ છે. એનસીપીના નામ અને બ્રાન્ડની લડાઈમાં શરદ પવારને હરાવ્યા પછી અજિત પવાર પોતાની પાર્ટીને અસલી એનસીપી કહે છે. એક રીતે આ ચૂંટણીમાં જનતા કયા પક્ષને અસલી માને છે અને મત કોને આપે છે એ જોવાનું રહેશે.
શું જનતા શિંદેની પાર્ટીને અસલી શિવસેના માને છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને, અજિત પવારની પાર્ટી કે શરદ પવારની પાર્ટીને વાસ્તવિક માને છે? આ અસલી-નકલી લડાઈમાં દરેકની નજર તે બેઠકો પર પણ કેન્દ્રિત છે, જ્યાં બંને પક્ષોના બે જૂથો વચ્ચે સીધો મુકાબલો છે. શિવસેનાના બંને જૂથો ૪૯ બેઠક પર આમને-સામને છે, જ્યારે ૩૮ બેઠકો પર બંને એનસીપી વચ્ચે ટક્કર છે.
આ પણ વાંચો: Assembly Election: સાંગલીમાં દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી માટે શું કહ્યું?
શિવસેના દ્વારા લડવામાં આવી રહેલી ૪૯ સીટમાંથી ૧૨ સીટ મુંબઈ મેટ્રોપોલિટન સિટીની છે. મુંબઈની સીટ પર શિવસેનાનો દબદબો માનવામાં આવે છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ની વાત કરીએ તો શરદ પવાર અને અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીઓ જ્યાં સામસામે છે તેમાંથી મોટા ભાગની બેઠકો પશ્ચિમ મહારાષ્ટ્રની છે. પશ્ચિમ મહારાષ્ટ્રને એનસીપીનો ગઢ માનવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીમાં કેવા હતા પરિણામ?
બે પક્ષોમાંથી ચાર પક્ષ બનેલા આ પક્ષો માટે લોકસભા ચૂંટણી પહેલી પરીક્ષા હતી. અજિત પવારની પાર્ટીએ ચાર સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર એક સીટ જીતી શકી હતી. તે જ સમયે, શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીએ આઠ બેઠકો જીતી હતી. શરદ પવારની પાર્ટીએ ૧૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
શિવસેનાની વાત કરીએ તો ૧૩ બેઠક પર બંને પક્ષોના ઉમેદવારો સામસામે હતા. આ ૧૩ બેઠકો પર બંને પક્ષો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)એ છ બેઠકો જીતી હતી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ સાત બેઠકો જીતી હતી.