મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટેની આચારસંહિતાના ભંગ અંગેની ચૂંટણી પંચ સમક્ષ અત્યાર સુધી ૬,૩૮૨ ફરિયાદ આવી હતી, જેમાંથી એક સિવાય તમામ ફરિયાદોનો નિકાલ લાવવામાં આવ્યો હતો. આ સિવાય ૫૩૬ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
સિવિજેલ પર મળી ફરિયાદો
૧૫મી ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા લાગુ થઇ હતી. ત્યારથી ૧૪મી નવેમ્બર સુધી ‘સીવિજિલ’ ઍપ પર આ ફરિયાદો મળી હતી, એમ રાજ્યના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર (સીઇઓ)એ એક નિવેદનમાં ગુરુવારે જણાવ્યું હતું.
એક ફરિયાદની તપાસ ચાલુ
ચૂંટણીઓ દરમિયાન આચારસંહિતાનો ભંગ થઇ રહ્યો હોવાની ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ‘સીવિજિલ’ એપ તૈયાર કરી છે. આ ઍપ પર અત્યાર સુધી મળેલી ફરિયાદમાંથી ૬,૩૮૧ ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો. એક ફરિયાદની હજી તપાસ થઇ રહી છે અને ત્યાર બાદ યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે, એમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પછી પણ જંગ ખેલાવાના અણસાર, જાણો નેતાઓ શું કહે છે
536 કરોડની સામગ્રી જપ્ત કરી
ચૂંટણી દરમિયાન નાણાની હેરફેર સહિતની ગેરકાયદે ગતિવિધિઓ પર નજર રાખતી રાજ્યની અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા ૫૩૬.૪૫ કરોડ રૂપિયાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી જેમાં ગેરકાયદે નાણાં, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે, એમ તેમાં વધુમાં જણાવાયું હતું. મતદારોને લલચાવવા માટે આ સામગ્રીનો ઉપયોગ થઇ શકે છે એ માટે તેની જપ્તી કરાઇ હતી, એમ નિવેદનમાં જણાવાયું હતું.
(એજન્સી)