મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીના પરિણામો લઈને લોકોમાં ઉત્સુકતા છે ત્યારે રાજ્યમાં વિદર્ભ પર સૌની નજર છે. મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, જ્યાં વિધાનસભાની ૨૮૮માં ૬૨ બેઠક છે, તે રાજ્યના રાજકારણના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે અને આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કૉંગ્રેસ વિદર્ભની વધુમાં વધુ બેઠક પર જીત મેળવવાનો પ્રયાસ કરશે.
નાગપુર સહિતના પૂર્વ મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ એક સમયમાં કૉંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના કાર્યકાળમાં આ પ્રદેશમાં ભગવી સત્તા આવી હતી.
આ પણ વાંચો: Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
રાજ્યના હાલના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે વિદર્ભની અન્ય બેઠકો પર પણ વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે જેમાં કૉંગ્રેસના પ્રમુખ નાના પટોળે (ભંડારાની સાકોલી બેઠક), મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે (નાગપુર જિલ્લાની કામઠી બેઠક), વિધાનસભામાં કૉંગ્રેસના વિપક્ષ નેતા વિજય વડ્ડેટીવાર (ચંદ્રપુર જિલ્લાની બ્રહ્માપુરી બેઠક) અને ભાજપના વન વિભાગના પ્રધાન સુધીર મુનગંટીવાર (ચંદ્રપુર જિલ્લાની બલ્લારપુર બેઠક)નો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી બાદ મંત્રાલય પર કોણો અધિકાર હશે એનો ફેંસલો વિદર્ભ નક્કી કરશે.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર રાજકારણના ઇતિહાસ પ્રમાણે જે પક્ષ વિદર્ભમાં સૌથી વધુ બેઠકો જીતે છે તે રાજ્યમાં સત્તા પર આવે છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ વિદર્ભમાં સૌથી વધુ બેઠકો પર જીત મેળવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Assembly Election: ‘મહાયુતિ’ કે MVA: આવતીકાલે મતદારો કરશે ફેંસલો
ભાજપ વિદર્ભમાં ૪૭ બેઠક પર લડી રહી છે જ્યારે કૉંગ્રેસ ૩૯ બેઠક પર લડશે. આ પ્રદેશ એટલે પણ મહત્ત્વનો છે કે અહીંથી જ કદાચ રાજ્યના મુખ્ય પ્રધાન મળી શકે છે જેમાં ફડણવીસ અને કૉંગ્રેસના નેતા પટોળેનો સમાવેશ થાય છે.
૨૦૧૪માં વિદર્ભમાં ભાજપે ૬૨માંથી ૪૪ બેઠક પર વિજય મેળવ્યો હતો અને ત્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ભગવા પક્ષના મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ૨૦૧૯માં ભાજપને ફક્ત ૨૯ બેઠક મેળવવામાં સફળતા મળી હતી.
લોકસભાની ચૂંટણીમાં વિદર્ભમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને સાત બેઠક પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપને ફક્ત બે બેઠક નાગપુર અને અકોલા જ મળી હતી. મહાયુતિ સરકારની લાડકી બહેન જેવી યોજનાઓને કારણે વિદર્ભમાં ભાજપને ફાયદો થઇ શકે છે જ્યારે બળવાખોર ઉમેદવારોને કારણે કૉંગ્રેસને ફટકો પડવાની શક્યતા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને