સાંગલી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે સત્તાધારી પાર્ટી અને વિપક્ષ ખુલ્લેઆમ આમનેસામને પ્રહારો કરી રહી છે. આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અરાજકતાવાદી તત્ત્વોને ભેગા કરી રહ્યા છે જે રાજ્ય અને દેશ માટે જોખમી છે.
સાંગલી જિલ્લામાં જટ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર ગોપીચંદ પડાલકર માટેની ચૂંટણી રેલીને સંબોધતા ફડણવીસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ અભિયાનને ‘ભારત તોડો’ અભિયાન ગણાવ્યું હતું અને તેમાં અરાજકતાવાદી અને ત્રાસવાદી જૂથો જોડાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
‘રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. તેઓ અરાજકતાવાદીઓને જે રીતે ભેગા કરી રહ્યા છે તે દેશ અને રાજ્ય માટે જોખમી છે’, એમ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: આ વખતની ચૂંટણીમાં પણ ‘રાજકીય પરિવારવાદ’ની બોલબાલા
રાહુલ ગાંધીએ ‘ભારત જોડો’ યાત્રા શરૂ કરી હતી જે શરૂઆતમાં બહુ સારું અભિયાન હોવાનું અમને થયું હતું, પરંતુ તેમાં ૧૫૦થી ૨૦૦ જૂથ જોડાયા હતા તેમાંથી ૧૦૦ જૂથ દેશમાં અરાજકતા ફેલાવી રહ્યા છે. આ જૂથ અરાજકતાવાદી અને ત્રાસવાદીઓના છે. તેમના ટ્રેક રેકોર્ડ ચકાસસો તો ખબર પડશે કે તેઓ સમાજમાં અસ્વસ્થતા ફેલાવી રહ્યા છે. સમાજમાં બંધારણ અને ન્યાય પ્રત્યનો વિશ્ર્વાસ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવો દાવો પણ તેમણે કર્યો હતો.
રાહુલ ગાંધીનું અભિયાન ભારત જોડો નહીં, પણ ‘ભારત તોડો’ છે. હું ગાંધીને એ પૂછવા માગુ છું કે લાલ રંગમાં લપેટાયેલા ભારતના બંધારણને દેખાડીને તેઓ શું સંદેશ આપી રહ્યા છે?, એવો સવાલ ફડણવીસે કર્યો હતો.