Gir Somnath: ગીરગઢડાનાં આકોલાલી સીમ વિસ્તારમાં બે દિવસ પહેલાં બપોરનાં બારેક વાગ્યાનાં સમયે પતિ-પુત્રને ભાથું આપવા જતી ૪૫ વર્ષીય મહિલાની ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે લુંટારાએ આંતરીને ગળાનાં ભાગે હથીયાર વડે ગળા પર વાર કરીને કરપીણ હત્યા કરી હતી. ત્યાર બાદ ગળા,કાન,નાક,પગમાં પહેરેલાં સોના ચાંદીનાં દાગીનાની લુંટ ચલાવી ભાગી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ બાબતે પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ટેક્નોલોજીની મદદથી ઉકેલાયો ભેદ
જીલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજાએ તાત્કાલિક પાંચ જેટલી ટીમો બનાવીને સ્થાનિકોના સહયોગથી બહાર ગયેલાં લોકોનો સર્વે કરી ચાર પાંચ ગામોનાં પસાર થતાં રસ્તાનાં લોકેશન ચેક કર્યા હતા. તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ લુંટ તથા મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી હરેશ વાજા, અને મિલન વાજા નામનાં બે ગુન્હાહિત પ્રવૃત્તિ કરતાં શખ્શોને પકડીને સોના ચાંદીનાં દાગીના કબજે કરવામાં આવ્યા હતા.
આરોપીના પિતા પણ કાપી રહ્યા છે સજા
કાગળીયા તળાવ નજીક આવેલી સીમમાં 10 વિઘા જમીન ધરાવતાં શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયતભાઈ વાજાની પત્ની રૈયાબેન વાજા (ઉ.વ ૪૫)ની હત્યા આરોપીએ પૈસાની જરૂરિયાત ઊભી થતાં કરી હતી. મળતી માહિતી પ્રમાણે આરોપીના પિતા પણ હત્યાનાં ગુનામાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે.