નવી દિલ્હીઃ ગયા વર્ષે ચૂંટણીના બોન્ડ્સ (ઇલેક્ટોરોલ બોન્ડ)ને રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જો લોકો એમ માનતા હોય કે રાજકીય પક્ષોને મળતું ડોનેશન્સ હવે બંધ થઇ ગયું છે તો એમ માનવામાં તમારી ભૂલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજકીય પક્ષોને મળતું દાન બંધ નથી થયું, પરંતુ હવે તેનો વિકલ્પ બદલવામાં આવ્યો છે. પહેલા સીધી રીતે કાન પકડવામાં આવતો હતો હવે ઊંધી રીતે કાન પકડવામાં આવે છે. રાજકીય પક્ષોએ ફંડ મેળવવા માટે ઈલેક્ટ્રોરલ બોન્ડ નહીં તો ટ્રસ્ટ મારફત ભંડોળ મેળવી રહ્યા છે.
‘ટ્રસ્ટ’ મારફત ડોનેશન મેળવી રહ્યા છે
મળતા રિપોર્ટ અનુસાર ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ બાદ હવે રાજકીય પક્ષો કઈ રીતે ડોનેશન મેળવે છે એ જાણીએ. રાજકીય પક્ષો હવે અલગ અલગ રીતે ડોનેશન મેળવી રહ્યા છે. ચૂંટણીના બોન્ડ પર પ્રતિબંધ લાગ્યા બાદ રાજકીય પક્ષોને ડોનેશન આપવાનું કામ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં શિફ્ટ થઇ ગયું છે, જેમાં સૌથી વધુ ડોનેશન પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને કોર્પોરેટ માધ્યમથી મળ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને કુલ દાનના લગભગ ત્રણ-ચતુર્થાંશ જેટલું બમ્પર ડોનેશન મળ્યું છે. આ ટ્રસ્ટને કુલ રૂ. 1,075 કરોડનું દાન મળ્યું છે, જેમાંથી 797.1 કરોડ રૂપિયા તો કોર્ટના ચૂંટણીના બોન્ડ પર પ્રતિબંધ પછી એટલે કે 16 ફેબ્રુઆરીથી 31 માર્ચ, 2024 દરમિયાન મળ્યા છે. 2022-23માં પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને માત્ર 363 કરોડ રૂપિયા ડોનેશનમાં મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ ભંડોળ મેળવ્યું
2023-24માં સૌથી વધુ ડોનેશન મેળવનારા ટ્રસ્ટની યાદીમાં આર્સેલર મિત્તલ નિપ્પોન 100 કરોડ રુપિયા સાથે મોખરે છે. એના પછી 99.5 કરોડ સાથે ડીએલએફ, 75 કરોડ રુપિયાની સાથે માથા પ્રોજેક્ટ્સ 60-60 કરોડ રુપિયા સાથે મારૂતિ સુઝુકીનો સમાવેશ થાય છે. ટ્રસ્ટ દ્વારા ભાજપને સૌથી વધુ રૂ. 723.8 કરોડ, કૉંગ્રેસને રૂ. 156.35 કરોડ, ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને રૂ. 85 કરોડ અને વાયએસઆર કૉંગ્રેસને રૂ. 72.5 કરોડ આપવામાં આવ્યા છે.
Also read: Electoral bonds મામલે ચૂંટણી પંચની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
ટ્રાયમ્ફ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટ મારફત ફંડની પ્રાપ્તિમાં વધારો
એવી જ રીતે ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલા દાનમાં પણ ઉછાળો આવ્યો છે. આ ટ્રસ્ટને મળેલા કુલ 132.5 કરોડ રૂપિયામાંથી 130 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ બાદ આવ્યા છે. ટ્રાયમ્ફ ટ્રસ્ટને દાન આપનારાઓમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ – (રૂ. 50 કરોડ), સીજી પાવર ઇન્ડસ્ટ્રિયલ- (રૂ. 30 કરોડ) અને કોરોમંડલ ઇન્ટરનેશનલ (રૂ. 25.5 કરોડ) છે. આ ટ્રસ્ટે આમાંથી 127.5 કરોડ રૂપિયા ભાજપને અને બાકીના પાંચ કરોડ રૂપિયા DMKને આપ્યા છે. આમ ઇલેક્ટોરલ બોન્ડ બંધ થયા બાદ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પક્ષોને મળતા ડોનેશનમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઈલેક્ટોરોલ બોન્ડ એટલે શું?
આપણે સમજીએ કે ચૂંટણી બોન્ડ શું છે. તો ચૂંટણી બોન્ડ એક પ્રોમિસરી નોટ જેવા છે, જેને કોઇ પણ ભારતીય નાગરિક અથવા કંપની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ની અમુક (સિલેક્ટેડ) શાખામાંથી ખરીદી શકે છે અને પસંદગીના રાજકીય પક્ષને દાન કરી શકે છે. ચૂંટણી બોન્ડ બેંક નોટ્સ જેવા જ છે, જે માગણી કરવા પર ધારકને ચૂકવવામાં આવે છે. દા. ત. તમે એસબીઆઇની શાખામાંથી એક લાખ રૂપિયાના ચૂંટણી બોન્ડ લીધા અને કોઇ પણ રાજકીય પાર્ટી માને ભાજપ (ભાજપ)ને અનામી રીતે દાનમાં આપ્યા, તો તેઓ પંદરેક દિવસમાં તેને બેંકમાં જઇને વટાવીને રોકડ મેળવી શકે છે. ચૂંટણી બોન્ડ બેંકમાંથી કોણે ખરીદ્યા તેનું નામ હોતું નથી. 2018માં મોદી સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે ચૂંટણી બોન્ડ રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ ગયા વર્ષે ચૂંટણી બોન્ડ રદ કરી દીધા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને