દુબઇઃ ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહની સાથે સાથે ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે બે ક્રમનો જમ્પ લગાવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની 295 રનની જીતમાં મહત્વનું યોગદાન આપનાર યશસ્વી જયસ્વાલે પણ રેન્કિંગમાં છલાંગ લગાવી છે. તે બેટ્સમેનોની રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં ઈંગ્લેન્ડનો જો રૂટ તેનાથી આગળ છે.
આ પણ વાંચો: ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1
યશસ્વીનો રેટિંગ પોઈન્ટ 825 છે જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. યશસ્વીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 161 રનની ઇનિંગ રમી હતી. યશસ્વીએ કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 201 રનની ભાગીદારી કરી હતી. તેણે 2024માં 12 ટેસ્ટ મેચમાં 58.18ની એવરેજથી 1280 રન કર્યા છે. જેમાં તેણે ત્રણ સદી અને સાત અડધી સદી ફટકારી છે.
આ સાથે જ પર્થ ટેસ્ટમાં અણનમ સદી ફટકારનાર સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને પણ નવ સ્થાનનો ફાયદો થયો છે અને તે 13માં સ્થાને આવી ગયો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ખરાબ ફોર્મના કારણે 14મા સ્થાને સરકી ગયો છે.
આ પણ વાંચો: અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે
ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા બુમરાહ બોલરોની રેન્કિંગમાં રબાડા અને જોશ હેઝલવુડ પછી ત્રીજા સ્થાને હતો. બુમરાહને પ્રથમ ટેસ્ટ મેચમાં તેના જોરદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો અને તે ફરી એકવાર ટોચ પર પહોંચી ગયો. શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરી રહેલો રબાડા બીજા સ્થાને સરકી ગયો છે. ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેવા છતાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને