Maxwell Predicts Bright Future for Jaiswal

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યા બાદ આઈસીસી રેન્કિંગમાં પણ ઝળક્યો છે ત્યારે તેના અંગે કાંગારુ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્લેન મેક્સવેલે જયસ્વાલ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું માનવું છે કે ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલની અલગ-અલગ પરિસ્થિતિઓમાં સમાયોજન સાધવાની ક્ષમતા અને કોઈ ખાસ નબળાઈ ન હોવાને કારણે આ ઓપનિંગ બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં 40થી વધુ સદી ફટકારી શકે છે અને તેના નામે અનેક રેકોર્ડ નોંધાશે.

આ પણ વાંચો: ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1

ભારતીય ક્રિકેટના સૌથી તેજસ્વી યુવા પ્રતિભાઓમાંના એક 22 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલે તેની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત કરી છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

મેક્સવેલે ‘ધ ગ્રેડ ક્રિકેટર’ પોડકાસ્ટ પર કહ્યું હતું કે તે (જયસ્વાલ) એક એવો ખેલાડી છે જે કદાચ 40થી વધુ ટેસ્ટ સદી ફટકારશે અને કેટલાક અલગ રેકોર્ડ બનાવશે. તેની પાસે વિવિધ પરિસ્થિતિઓમાં સમાયોજન સાધવાની અદભૂત ક્ષમતા છે.
જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 161 રન ફટકાર્યા હતા. જેના કારણે ભારતે આ મેચ 295 રનથી જીતી લીધી હતી અને પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. જયસ્વાલે અત્યાર સુધી 15 ટેસ્ટ મેચોમાં 58.07ની શાનદાર એવરેજથી 1568 રન કર્યા છે, જેમાં ચાર સદી સામેલ છે.

આ પણ વાંચો: IPL Auctionમાં ભાગ નહીં થવા અંગે ઇંગ્લેન્ડના કેપ્ટને આપ્યું મોટું નિવેદન, હું લાંબા સમયથી…

મેક્સવેલે કહ્યું હતું કે, “તેણે ઘણા પ્રકારના શોટ રમ્યા હતા. તેનું ફૂટવર્ક ઘણું સારું છે. તેનામાં કોઈ ખાસ નબળાઈ હોય તેવું લાગતું નથી. તે શોર્ટ-પિચ બોલ સારી રીતે રમે છે, સારી રીતે ડ્રાઇવ કરે છે, સારી રીતે સ્પિન રમે છે અને દબાણને સંભાળી શકે છે.” તેણે કહ્યું હતું કે જો ઑસ્ટ્રેલિયા તેને રોકવા માટે કોઈ રસ્તો શોધી શકશે નહીં તો પરિસ્થિતિ ગંભીર હશે. તેણે કહ્યું, “ભારત પાસે બુમરાહ અને જયસ્વાલમાં બે અદભૂત પ્રતિભા છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે બુમરાહ સંભવિત રીતે સર્વકાલિન સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર તરીકે ઓળખાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને