પર્થઃ ભારતીય ટીમના બેટિંગ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ અગાઉ વાકા સ્ટેડિયમની મુખ્ય પીચ પર ‘મેચ જેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેનાથી (પ્રેક્ટિસ) જે ઇચ્છતા હતા તે પ્રાપ્ત કરવામાં તેઓ સફળ રહ્યા છે.
આ પણ વાંચો : IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આવી હોઈ શકે છે પ્લેઈંગ 11
ભારતે અહીંની પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવા માટે તેની ‘એ’ ટીમ સાથેની ‘ઇન્ટ્રા સ્ક્વોડ’ મેચ સ્થગિત કરી પ્રેક્ટિસ માટે ‘મેચ સિમ્યુલેશન’નો ઉપયોગ કર્યો હતો. બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ બોર્ડ) દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોમાં નાયરે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આવતા પહેલા અમે ગૌતીભાઈ (ગૌતમ ગંભીર), રોહિત (શર્મા) સાથે ચર્ચા કરી હતી કે આ ત્રણ દિવસમાં અમે શું ઇચ્છી રહ્યા છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે યુવા અને અનુભવી ખેલાડીઓને અહીંની પરિસ્થિતિઓને સમજવા અને અનુકૂલન કરવા માટે પૂરતો સમય મળે.
તેણે કહ્યું હતું કે અમે ચાર વર્ષ પછી અહીં ટેસ્ટ મેચ રમી રહ્યા છીએ. અમે શરૂઆતમાં ઇચ્છતા હતા કે અમારા ખેલાડીઓ મેચ જેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરે જ્યાં તેઓએ આઉટ થયા પછી ક્રિઝ છોડી દેવી પડે.
ભારતીય બેટિંગ કોચે કહ્યું હતું કે અમે તેમને બીજી તક પણ આપી હતી. અમને લાગ્યું કે બેટ્સમેનોએ બીજા પ્રસંગે સારું પ્રદર્શન કર્યું. તેઓ પરિસ્થિતિઓને વધુ સારી રીતે અનુકૂળ થયા અને વધુ આરામદાયક લાગતા હતા. અમે જે ઇચ્છતા હતા તે પ્રાપ્ત કરવામાં અમે સફળ રહ્યા.” બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી અહીંના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે.
નાયરે કહ્યું હતું કે પ્રેક્ટિસના બીજા દિવસે અમે મુખ્ય પીચ સિવાય અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો હતો. અમે પીચ પર મેચ સિમ્યુલેશનની સાથે નેટ સેશનમાં પણ સમય પસાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દિવસે અમારું ધ્યાન બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર હતું. તેમણે બોલિંગ સ્પેલ્સ દ્વારા તેના વર્કલોડને મેનેજ કર્યું હતું. બોલરોએ દિવસમાં લગભગ 15-15 ઓવર ફેંકી હતી. દરમિયાન જસપ્રીત બુમરાહે 18 ઓવર ફેંકી હતી. મોર્કેલ આ સમયગાળા દરમિયાન બોલરોના પ્રદર્શનથી ખુશ જણાતો હતો.
આ પણ વાંચો : મહિલા હૉકીમાં ભારતે જાપાનને હરાવ્યું અને એની જ સામે હવે સેમિ ફાઇનલ!
તેણે કહ્યું બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી હું ઘણો ખુશ છું. તે પરિસ્થિતિને સારી રીતે સમજતા હતા. મને લાગે છે કે અમે 22મી તારીખ માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે હજુ ત્રણ વધુ પ્રેક્ટિસ સેશન છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને