કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
સંવત ૨૦૮૦ ભારતીય રોકાણકારો માટે શુકનવંતું નિવડ્યું છે, પરંતુ રોકાણકારો માટે આ દિવાળી એકંદરે ખૂબ ઝાંખી રહી છે. વાઘબારસ અને ધનતેરસના દિવસે ચમકારો બતાવીને કાળીચૌદસ અને દિવાળીના મુખ્ય દિવસે શેરબજારે રોકાણકારોની આશાના દીપક બુઝાવી દીધા હતા. ઑક્ટોબર મહિનામાં શેરબજારે કોરોનાકાળના ૨૦૨૦ના કડાકા પછીની સૌથી નિરાશાજનક કામગીરી નોંધાવી છે.
સોમવારના સત્રની જ વાત કરીએ તો એક તબક્કે સેન્સેક્સ ૧૫૦૦ પોઇન્ટનો કડાકો બોલાવી તળિયે પટકાયો હતો અને ત્યારે બજાર પર લિસ્ટેડ તમામ કંપનીઓના બજારમૂલ્યમાં અંદાજે રૂપિયા નવ લાખ કરોડનું ધોવાણ થયું ત્યારે રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા હતા.
Also read: કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?
હાલના કડાકા માટે અમેરિકાની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની કોમેન્ટ્રીની ચિંતા ભલે કારણભૂત હોય, મુખ્ય કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પલાયન જ છે. ઓકટોબરની વાત કરીએ તો એફઆઇઆઇની એકધારી વેચવાલી અને એક જ મહિનામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ બજારને પછાડનાર મુખ્ય પરિબળ રહ્યું હતું.
કદાચ આ જ કારણસર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. અલબત્ત આ આમંત્રણનું કામણ કેટલું પ્રભાવી ઠરશે એ અન્ય વૈશ્ર્વિક પરિબળો અને આવનાર સમય પર અવલંબે છે.
દિવાળી ટુ દિવાળી દરમિયાન પાછલા વર્ષમાં ૨૫ ટકા જેટલું વળતર આપનાર ભારતીય બજારની સંભાવનાઓ વિશે વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક સમિટને સંબોધતા ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને વૈશ્ર્વિક રોકાણકારોના વિશ્ર્વાસ પર ભાર મૂક્યો હતો.
વિખ્યાત વૈશ્ર્વિક રોકાણકાર માર્ક મોબિયસના નિવેદનને ટાંકતા તેમણે કહ્યું કે મોબિયસનો ભારત પ્રત્યેનો પ્રેમ અને તેની વિકાસની સંભાવનાઓ માટેનો ઉત્સાહ ભારતમાં વૈશ્ર્વિક રોકાણ માટે મહત્ત્વપૂર્ણ સૂચક છે. વડા પ્રધાને મોબિયસના સૂચન પર પ્રકાશ પાડ્યો હતો કે ભારતીય બજારની તકો અને અર્થતંત્રના વિકાસની સંભાવનામાં સ્થાનિક રોકાણકારોનો વિશ્ર્વાસ જોતાં ગ્લોબલ ફંડોએ ભારતીય શેરબજારમાં ઓછામાં ઓછું પચાસ ટકા રોકાણ કરવું જોઈએે.
Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?
ભારતીય બજાર શા માટે શ્રેષ્ઠ છે, એ વિશે વાત માંડતા તેમણે કહ્યું હતું કે, પાછલાં એક વર્ષમાં સેન્સેક્સે ૨૫ ટકા વળતર આપ્યું છે જ્યારે નિફ્ટીએ ૨૮% વળતર આપ્યું છે. અન્ય કોઈપણ દેશના શેરબજારની તુલનામાં આ શ્રેષ્ઠ વળતર છે. ભારતીય બજારમાં રોકાણની સૌથી મહત્ત્વની બાબત તેની વધતી અર્થવ્યવસ્થા સાથે સંબંધિત છે. એક તરફ જગત યુદ્ધની આગથી સળગી રહ્યું છે. બીજી તરફ ભારતનું અર્થતંત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે. ખાસ નોંધવું રહ્યું કે વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ પણ ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે.
પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ વિશે ચર્ચા કરવા સાથે સમિટમાં કહ્યું હતું કે, વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે ભારત રોકાણકારો માટે આશાના કિરણ સમાન છે. તેમણે કહ્યું કે જ્યારે વૈશ્ર્વિક અર્થતંત્ર તણાવ અને પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત તેના સકારાત્મક દૃષ્ટિકોણ અને વિકાસના માર્ગને કારણે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા ૧૨૫ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં છથી સાત ટકાનો વધારો થયો છે, જ્યારે વિદેશી હૂંડિયામણ ભંડાર ૭૦૦ અબજ ડૉલરને વટાવી ગયો છે.
હવે એફઆઇઆઇ પર આ વક્તવ્ય અને ઇજનની શું અસર જોવા મળે છે એ તો ખાસ કરીને ફેડરલ રિઝર્વની કોમેન્ટ્રી બાદ વધુ સ્પષ્ટ થશે, પરંતુ આપણે આગામી સમયના પડકારો જોઇએ તો સૌથી મોટો અવરોધ ચીન બની રહ્યું છે. ચીનના આર્થિક સ્ટીમ્યુલસ અને તેના નીચા વેલ્યુએશન્સને કારણે વિેદેશી ફંડો ભારતમાં વેચવાલી કરીને ચીનમાં લેવાલી કરી રહ્યા છે. સામાન્ય રીતે એફઆઇઆઇ સેન્ટિમેન્ટ અને ઓપર્ચ્યુનિટીના સરવાળા બાદબાકી કરીને પ્રેક્ટિકલ નિર્ણય લેતા હોય છે.
ચીન સરકાર એક વધુ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. રોકાણકારો આ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે. બ્લૂમબર્ગના સર્વે રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ માર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારો અને વિશ્ર્લેષકોને ચીન સરકાર તરફથી ૨૮૩ બિલિયન ડૉલરના રાહત પેકેજની અપેક્ષા છે. રોકાણકારો આ આશા પર નજર રાખી રહ્યા છે અને ભારતીય બજારમાંથી પૈસા કાઢીને ચીનમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે.
Also read: સાબદા રહેજો, મીઠા ઉજાગરા ક્યાંક કડવા ન બની જાય…
જોકે, યુએસ પ્રમુખપદની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની બેઠકના કારણે આ રાહત પેકેજમાં થોડો વિલંબ થઈ શકે છે. આ તમામ આશંકાઓ અંગે રોકાણકારો મૂંઝવણમાં છે. રોકાણકારો માટે ભારત અને ચીન વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની રહી છે. એફઆઇઆઇ બંને બજારોના હકારાત્મક અને નકારાત્મક પાસાઓનું સતત વિશ્ર્લેષણ કરી રહ્યાં છે.
ચીન બીજા રાહત પેકેજની તૈયારી કરી રહ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં ચીને ૧૨ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેનો ફાયદો ચીનને મળ્યો, જ્યારે ભારતને નુકસાન થયું. આ પેકેજ બાદ ચીનના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જના માર્કેટ કેપમાં લગભગ ૨૬૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો, હવે ચીન ત્રણગણું મોટું પેકેજ જાહેર કરવાની વેતરણમાં છે, આવી સ્થિતિમાં ભારતીય બજાર પર ખતરો પણ બમણો થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ જણાવ્યું હતું કે ચીનના રાહત પેકેજ જાહેર થયા બાદ તેની અર્થવ્યવસ્થા અને શેરબજારમાં મોટો નફો થયો છે. આશાવાદી વિશ્ર્લેષકો માને છે કે, ચીન રાહત પેકેજની જાહેરાત કરીને ભારતીય બજારને કામચલાઉ નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ રિપોર્ટ અનુસાર લાંબા ગાળામાં ભારતનો દબદબો છે.
આ તરફ અમેરિકાની નાણાકીય નીતિમાં સંભવિત ફેરફારો અને વૈશ્ર્વિક તણાવને કારણે શેરબજાર હચમચી ગયું છે. લોકો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનાને હંમેશાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ સાથે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડમાં રોકાણ વધારી રહ્યા છે.
Also read: આરોગ્ય વીમામાં રિઈમ્બર્સમેન્ટ ક્લેમ કઈ રીતે કરી શકાય?
ટૂંકમાં કહી શકાય કે, અલબત્ત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ના સતત ટેકા અને રિટેલ ઇન્વેસ્ટર્સની મજબૂત લેવાલીને કારણે સર્જાઇ રહેલી જોરદાર પ્રવાહિતા બજારને ટકાવી રહી છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલીને બ્રેક લાગવી અત્યંત આવશ્યક છે ત્યારે વડા પ્રધાનના ઇજનને આધારે વિદેશી ફંડો કેવો વળાંક લે છે, તેના પર બજારની નજર છે.