મુંબઈ: અહીંની એક અદાલતે વરિષ્ઠ ગીતકાર જાવેદ અખ્તરને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપસર તેમની સામેના બદનક્ષી કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, કારણ કે ફરિયાદીએ આ કેસ પાછો ખેંચી લીધો છે.
મુલુંડના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) એસ. ડી. ચક્કરએ 8 નવેમ્બરે આ કેસને પાછો ખેંચી લેવામાં આવ્યો તરીકે ઘોષિત કર્યો હતો. આદેશની એક નકલ આજે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આરએસએસના સમર્થક હોવાનો દાવો કરનારા વકીલ સંતોષ દુબેએ ઓક્ટોબર 2021માં અખ્તર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 (માનહાનિ) અને 500 (માનહાનિ માટે સજા) હેઠળ ગુનાઓ માટે મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: ગીતકાર જાવેદ અખ્તરનું ટ્વીટર હેન્ડલ થયું હેક
જાવેદ અખ્તરે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કારણ વિના આરએસએસનું નામ લઈ સંસ્થાને ગણતરીપૂર્વક આયોજન કરી બદનામ કરી હોવાનો આરોપ દુબેએ કર્યો હતો. ફરિયાદ અનુસાર અખ્તરે ટીવી ઇન્ટરવ્યૂમાં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવા માટે કટ્ટરપંથી સંગઠનની પૃષ્ઠભૂમિમાં તાલિબાન અને હિન્દુ ઉગ્રવાદીઓ વચ્ચે કથિત રીતે સમાનતા દર્શાવી હતી.
જોકે, દુબેએ તાજેતરમાં અખ્તર સામેની ફરિયાદ પાછી ખેંચવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ વધુ એક અરજી કરી હતી. ફરિયાદીએ કોર્ટને જણાવ્યું હતું કે ‘મધ્યસ્થીમાં પક્ષકારો વચ્ચે મામલો થાળે પડ્યો હોવાથી આરોપી સામે કેસ નથી ચલાવવો.’ આથી, અદાલતે ગીતકારને નિર્દોષ જાહેર કર્યા હતા અને કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
(પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને