અમદાવાદ : ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચા પરિવારના ચાર સભ્યો ગેરકાયદે કેનેડા-યુએસ(US-Canada Border) સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે મોત ને ભેટ્યા હતા. ત્યારે યુએસ એટર્ની જનરલે જણાવ્યું કે અમેરિકાની કોર્ટે આ માનવ તસ્કરી કેસમાં બે વ્યક્તિને દોષી ઠેરવ્યા છે. જેમાં હર્ષકુમાર રમણલાલ પટેલ, 29 વર્ષીય ભારતીય નાગરિક કે જે ‘ડર્ટી હેરી’ તરીકે ઓળખાય છે અને અને ફ્લોરિડાના 50 વર્ષીય સ્ટીવ શેન્ડ એક સુનિયોજિત ગેરકાયદે માનવ તસ્કરીનો ભાગ હતા.
હર્ષ રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને સ્ટીવ સેન્ડ દોષિત
આ કેસ અંગે મિનેસોટાના યુએસ એટર્ની એન્ડી લુગરે જણાવ્યું હતું કે ટ્રાયલ માનવ તસ્કરી અને તે ગુનાહિત સંગઠનોની ક્રૂરતાનો પર્દાફાશ કરે છે. જે માનવતા કરતાં નફાને વધુ મહત્વ આપે છે. જેમાં ડોલર કમાવવા માટે આ તસ્કરો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના જીવને જોખમમાં મૂકે છે. આ લાલચના લીધે ચાર લોકો ઝીરો-ડીગ્રીમાં થીજીને મોતને ભેટ્યા
હતા.
પિતાનો હાથ ત્રણ વર્ષના પુત્ર પાસે થીજી ગયો હતો
જયારે ફરિયાદ પક્ષે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે જગદીશ, વિહાંગી અને ધાર્મિકના મૃતદેહ એકસાથે મળી આવ્યા હતા. જેમાં પિતાનો હાથ ત્રણ વર્ષના પુત્રની પાસે થીજી ગયેલો હતો. જ્યારે વૈશાલીનો મૃતદેહ પણ બોર્ડરથી એક માઈલ દૂર મળી આવ્યો હતો. જે બોર્ડર પરથી યુએસમાં પ્રવેશ કરવાનો હતો. કોર્ટમાં જુબાની આપનારા ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પરિવારે બરફ તોફાનનો સામનો કરવા માટે પોશાક પહેર્યો ન હતો.
યુ.એસ.માં 725,000 થી વધુ ભારતીયો ગેરકાયદે વસવાટ
આ ઉપરાંત યુએસ-કેનેડા સરહદે ભારતમાંથી ગેરકાયદે ઇમિગ્રેશનમાં વધારો થયો છે. પાછલા વર્ષમાં 14,000 થી વધુ ભારતીયોની સરહદ પર ધરપકડ કરવામાં આવી છે. પ્યુ રિસર્ચ સેન્ટરનો અંદાજ મુજબ યુ.એસ.માં 725,000 થી વધુ ભારતીયો ગેરકાયદે વસવાટ કરે છે.
આ પણ વાંચો ચૂંટણી પરિણામો બાદ જો બેનરબાજી કરી તો…
કેનેડા પોલીસની ટીમે ગુજરાતમાં તપાસ કરી હતી
ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાતમાં તપાસ કરી હતી. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક, 19 જાન્યુઆરી 2022ના રોજ બરફવર્ષા દરમિયાન યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને