ગાંધીનગર: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયેલી વાવ વિધાનસભા બેઠકના પરિણામોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વાવની પેટાચૂંટણીમાં ભારે રસાકસી ભરેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. વાવ બેઠક પર જામેલા ત્રિપાંખિયા જંગ વચ્ચે સ્વરૂપજી ઠાકોરે જીતના પતાસાનો સ્વાદ ચાખ્યો છે. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં લાંબા ઉતાર-ચઢાવના અંતે પરિણામોએ તમામ નેતાઓ અને વિશ્લેષકોને ખોટા પાડ્યા છે, જ્યારે મતદારોના માનસની પણ જાણ થઈ છે. વાસ્તવમાં ભાજપની જીત અને કોંગ્રેસની હારમાં કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી એની વાત કરીએ.
ઉમેદવારોની પસંદગીમાં ખેંચતાણ
વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ માટે આ ચૂંટણી ઘણી પડકારજનક બની હતી. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાંથી ઉમેદવારી નોંધાવવા માટે લાંબી કતારો લાગી હતી અને આથી જ ટિકિટ કોને આપવી તે માટે બંને પક્ષો માટે યક્ષપ્રશ્ન બની ગયો હતો. આથી જ ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી બંને પક્ષો પોતાના ઉમેદવારનાં નામની પસંદગી બાબતે અસમંજસમાં હતા. આખરે છેલ્લી ઘડીએ ભાજપે સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
આ પણ વાંચો :By Poll: વાવના ત્રિપાંખિયા જંગમાં હાર્યા પછી ગુલાબસિંહ અને ગેનીબેને આપ્યા નિવેદન, કહ્યું જાતિવાદી સમીકરણો…
માવજી પટેલ કોને નડ્યા?
ભાજપ તરફથી ટિકિટના દાવેદાર માવજી પટેલને ટિકિટ આપવામાં આવી નહોતી, પરિણામે પક્ષમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે રીતસરનો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સામે બળવો જ કર્યો હતો. પરંતુ માવજી પટેલની ઉમેદવારીએ આ ચૂંટણીના ચિત્રને બદલવામાં મોટો ભાગ ભજવ્યો છે તે ચોક્કસ માનવું જ રહ્યું. માવજી પટેલને આ ચૂંટણીમાં 27,195 મતો મળ્યા છે, જે આ બેઠક પર જીતેલા ઉમેદવારને મળેલ મતોની સરસાઈ કરતાં 11 ગણાથી પણ વધારે છે. માવજી પટેલને મળેલા મતોથી કોંગ્રેસને નુકસાન થયું છે તેનો ખૂદ ગેનીબેન ઠાકોરે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે.
NOTAએ બદલી બાજી?
પોતાનું ખાસ્સું વર્ચસ્વ ધરાવતા માવજી પટેલ જેવા નેતાને મળેલા મતો ઉપરાંત આ બેઠક પર NOTA (None of the above)માં પણ ઘણી મોટી સંખ્યામાં મત પડ્યા છે. અહીંની બેઠક પર કુલ 2,19,364 મતો પૈકી 3,360 જેટલા મત NOTAમાં પડ્યા છે. ચૂંટણીમાં જીતનારા ઉમેદવારને મળેલી મતોની સરસાઇ જોતાં NOTAના મતો ચૂંટણી પરિણામોને બદલી નાખનારા સાબિત થાય તેમ હતા. NOTAમાં પડેલા મતો અને માવજી પટેલને મળેલા મતોનાં કારણે આ બેઠક કોંગ્રેસના હાથમાંથી ગઈ હોવાનું ચર્ચાય રહ્યું છે.
જાતિવાદી ફેક્ટર મહત્વપૂર્ણ
આ સિવાય આ બેઠક પર કોંગ્રેસની ધારણા કરતાં વધુ જાતિવાદી ફેક્ટર કામ કરી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેનો ખુદ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સ્વીકાર કર્યો છે. આ બેઠક પર માત્ર સ્વરૂપજી કે ગુલાબસિંહની સામે નહિ પરંતુ તેની સાથોસાથ શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરની પણ હતી. આ જાતિવાદી ફેકટરની અસરે જ અંતિમ રાઉન્ડમાં ચૂંટણી પરિણામને ધાર્યા કરતાં ઘણું અલગ જ સ્વરૂપ આપી દીધું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને