ભુજ: અંજારમાં રહેતા નિઃસંતાન દંપતીના ઘરમાં અવરજવર કરતી રહેતી પરિચિત મહિલાએ જ કબાટમાં રાખેલાં ૯.૩૦ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
અંજાર પોલીસ મથકમાં શહેરની દબડા ચોકડી નજીક મફતનગરમાં રહેતા 46 વર્ષિય ડોસાભાઈ દેવરાજ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ મહિના અગાઉ સોના-ચાંદીના ઘરેણાંઓને તેમના પત્નીએ ઘરના કબાટમાં મૂકી તાળું મારી દીધું હતું. દિવાળીના તહેવારોમાં ઘરેણાં પહેરવા માટે ગત 31 ઓક્ટોબરે કબાટનું લૉક ખોલ્યા બાદ તેમના તમામ ઘરેણાં ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
ચાવી વડે લૉક ખોલીને ઘરેણાં કોણ ચોરી ગયું તે અંગે વિચારતાં તેમના ઘરે આવતી રહેતી ઉષા પારીયા નામની આધેડ મહિલા પર શંકા ગઈ હતી. મતિયાનગરમાં રહેતી આ મહિલા તેમની પરિચિત હતી, ફરિયાદીની પત્નીને પોતાની દીકરી ગણાવીને ઘરકામમાં પણ મદદ કરતી હતી. ફરિયાદીએ ઉષાબેનને ચોરી અંગે પૂછપરછ કરી ત્યારે મહિલાના જવાબો સાંભળીને તેમનો શક ઘેરો બન્યો હતો.
આ પણ વાંચો :ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી મહિલાએ તેના ઘરમાં માંદગી આવતાં તેણે દંપતીના ઘરમાંથી દાગીના ચોર્યાં હતા અને વિવિધ ફાઈનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકીને પૈસા મેળવ્યાં હોવાની કેફિયત આપી હતી.