ઉદયપુરઃ જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ વચ્ચે અજમેરની વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવતી અરજીનો નીચલી કોર્ટે સ્વીકાર કરી લીધો છે. કોર્ટ હિન્દુ સેનાની અરજી સ્વીકારી છે. મામલાની સુનાવણી 20 ડિસેમ્બરે થશે. આ મામલો અજમેર ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવા સાથે જોડાયેલો છે.
અજમેરના ખ્વાજા ગરીબ નવાજ હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાના દાવા સાથે જોડાયેલી અરજી પર બુધવારે અજમેર પશ્ચિમ સિવિલ જજ સીનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટમાં સુનાવણી કરતાં વિષ્ણુ ગુપ્તાની અરજી પર આ ફેંસલો સંભળાવ્યો હતો. ન્યાયાધીશ મનમોહન ચંદેલે દરગાહ કમિટી, લઘુમતિ બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-નવી દિલ્હીને સમન્સ પાઠવ્યું છે.
આ પણ વાંચો: અજમેર દરગાહને મંદિર જાહેર કરવાની અરજી પર કોર્ટનો મોટો આદેશ
અજમેરની સિવિલ કોર્ટમાં આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી હતી. અરજીમાં ભગવાન મહાદેવનું મંદિર હોવાનો દાવો કર્યો હતો. અજમેર શરીફ દરગાહને ભગવાન શ્રીસંકટમોચક મહાદેવ બિરાજમાન જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત દરગાહ સમિતિના ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવે.
અરજદારને જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો
આ અરજી દાખલ કર્યા બાદ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન પણ આવ્યો હતો. ફોન કરનારે ગુપ્તાને કોર્ટમાં દાખલ કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી અને કહ્યું- કેસ પાછો ખેંચો નહીંતર અમે તને મારી નાખીશું. દિલ્હીના રહેવાસી વિષ્ણુ ગુપ્તા 3 નવેમ્બરે અજમેર આવ્યા હતા. તેમની અરજી પર 5 નવેમ્બરે સુનાવણી થવાની હતી. 5 નવેમ્બરના રોજ ગુપ્તાને તેમના મોબાઈલ પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં તેમને અરજી પાછી ખેંચી લેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી વિષ્ણુ ગુપ્તાએ અજમેરના ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વિષ્ણુ ગુપ્તાના વકીલે કોર્ટમાં કરેલી તેમની અરજીના સંદર્ભમાં હરવિલાસ શારદાના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા સૂફીઝમ જેવા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો. હરવિલાસ શારદા ન્યાયાધીશ હતા અને તેમણે 1911માં અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને ટાંકીને વિષ્ણુ ગુપ્તાના વકીલે કોર્ટને જણાવ્યું કે દરગાહના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અજમેરમાં ટ્રેનના પાટા પરથી મસમોટો સિમેન્ટ બ્લોક મળ્યો, કોણ છે આ ષડ્યંત્ર પાછળ
ગર્ભગૃહ અને પરિસરમાં જૈન મંદિર હોવાનું કહેવાય છે
આ ઉપરાંત ગર્ભગૃહ અને પરિસરમાં જૈન મંદિર હોવાની હકીકત પણ કોર્ટમાં મૂકવામાં આવી હતી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ન્યાયાધીશ ચંદેલે આ અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી અને આગામી તારીખ 20 ડિસેમ્બર નક્કી કરી હતી. આ સિવાય ભારત સરકારના લઘુમતી મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને દરગાહ સમિતિને પણ આ મામલે કોર્ટમાં નોટિસ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે. અરજીમાં એએસઆઈ દ્વારા દરગાહ સંકુલનો સર્વે કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર વિસ્તારની ભોજશાળા, બનારસ અને મધ્યપ્રદેશના અન્ય સ્થળોના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે.
અરજદારનો શું છે દાવો?
આ કેસમાં અરજી દાખલ કરનાર વિષ્ણુ ગુપ્તાએ તેમના વકીલ દ્વારા દાવો કર્યો હતો કે આ દરગાહ મંદિરના ખંડેર પર બનાવવામાં આવી છે અને તેથી તેને ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર તરીકે જાહેર કરવામાં આવે. દરગાહ જે કાયદા હેઠળ ચાલે છે તે અધિનિયમને અમાન્ય જાહેર કરવામાં આવે, હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આ સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિષ્ણુ ગુપ્તાના વકીલ શશિરંજન અનુસાર, વાદીએ બે વર્ષ સુધી આ અંગે સંશોધન કર્યું અને તારણ કાઢ્યું કે ત્યાં એક શિવ મંદિર હતું જેને મુસ્લિમ આક્રમણકારો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને પછી દરગાહ બનાવવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને