મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને નાગપુરથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુમિત દિનકર વાઘ (26) તરીકે થઇ હતી, જે અકોલા જિલ્લાના આકોટમાં પણજનો રહેવાસી છે. સુમિતે અન્ય આરોપીઓને નાણાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
સુમિત વાઘ આ કેસના વોન્ટેડ આરોપી શુભમ લોણકરનો સારો મિત્ર છે અને એક જ તહેસીલના રહેવાસી છે. તેઓ આકોટમાં એક જ કોલેજમાં ભણતા હતા. સુમિત વાઘની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા 26 થઇ છે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકેસ: મુખ્ય શૂટર શિવકુમારની પોલીસ કસ્ટડી લંબાવાઇ
સિદ્દીકી હત્યાકેસમાં ધરપકડ કરાયેલા શૂટર ગુરમૈલ સિંહના ભાઇ નરેશકુમાર સહિત રૂપેશ મોહોળ અને હરિશકુમારને સુમિતે કર્ણાટક બેન્કની ગુજરાતના આણંદની પેટલાદ શાખાના એકાઉન્ટનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. શુભમ લોણકરની સૂચનાથી તેણે આ નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં.
આ વ્યવહાર તેણે ધરપકડ કરાયેલા આરોપી સલમાન વોરાને નામે રજિસ્ટર્ડ નવા સિમ કાર્ડનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ બેન્કિંગ મારફત કર્યો હતો. બેન્ક એકાઉન્ટ સલમાન વોરાના નામે ખોલાયું હતું, જેની તાજેતરમાં અકોલાના બાલાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને