એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના સાથી એનસીપીના અજિત પવારે ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિકને છેલ્લી ઘડીએ ઉમેદવાર બનાવીને બખેડો ખડો કરી દીધો છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના પક્ષોમાં થયેલી બેઠકોની વહેંચણીમાં માનખુર્દ-શિવાજીનગર બેઠક શિવસેના શિંદે જૂથને આપવામાં આવી હતી. શિંદે જૂથે સુરેશ પાટીલને ઉમેદવાર જાહેર કરી દીધા હતા ને ભાજપે પાટીલને સમર્થન આપીને તેમનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો ત્યાં છેલ્લી ઘડીએ માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી એનસીપીના અજીત જૂથે નવાબ મલિકને મેદાનમાં ઉતારી દીધા.
ભાજપે જાહેરમાં નવાબ મલિકને અજિત પવારે ઉમેદવાર બનાવ્યા સામે વાંધો લીધો છે અને નવાબ મલિકની ઉમેદવારી માન્ય નહીં હોવાનું એલાન કર્યું છે. નવાબ મલિકના આંતરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધ હોવાના મુદ્દે ભાજપ લાંબા સમયથી નવાબ મલિકની વિરુદ્ધ છે અને મલિકને ટિકિટ આપવા સામે વાંધો લીધો હતો. અજિત પવારની એનસીપીએ નવાબ મલિકને કારણે ડખો ના થાય એટલે અણૂશક્તિનગર બેઠક પરથી નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી દીધી ને ભાજપે સના મલિકને એનડીએનાં ઉમેદવાર બનાવવા સામે કોઈ વાંધો નહોતો લીધો.
આ ઘટનાક્રમના કારણે એવું લાગતું હતું કે, નવાબ મલિકને મામલે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે. અજિત પવારે મલિકને દૂર રાખીને ભાજપ સાથેના સંબંધો સાચવી લીધા છે. મલિક પણ દીકરીને ટિકિટ મળતાં ચૂપ થઈને બેસી ગયા છે એવું લાગતું હતું ત્યાં નવાબ મલિકે નોમિનેશનના છેલ્લા દિવસે ૨૯ ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવી દીધી. મલિકે એનસીપી ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું ને અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી નોંધાવી હતી. આમ મલિકે બે ફોર્મ ભર્યાં હતા. મલિકનું કહેવું છે કે, એનસીપી પોતાને સત્તાવાર રીતે ઉમેદવાર ના બનાવે તો પણ પોતે લડવાના જ હતા તેથી અપક્ષ પણ ફોર્મ ભરી રાખેલું પણ એનસીપીએ પોતાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરતું એબી ફોર્મ મોકલ્યું તેથી અમે બપોરે ૨.૫૫ વાગ્યે એબી ફોર્મ જમા કરાવી દીધું અને મલિક એનસીપીના સત્તાવાર ઉમેદવાર બની ગયા.
ભાજપે મલિકની ઉમેદવારી સામે વાંધો લીધો છે. મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારે જાહેર કર્યું છે કે, ભાજપનું વલણ સ્પષ્ટ છે. અગાઉ પણ અમે નવાબ મલિકની ઉમેદવારીની વિરુદ્ધ હતા અને હજુ પણ તેમને સમર્થન નથી આપવાના કારણ કે નવાબ મલિકના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધો છે. શેલારે એ ચોખવટ પણ કરી છે કે, એનસીપીએ અણુશક્તિનગર બેઠક પરથી નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી છે અને સના મલિક ભાજપનાં નેતૃત્વ હેઠળની મહાયુતિના સત્તાવાર ઉમેદવાર છે. ભાજપને સનાની ઉમેદવારી સામે કોઈ વાંધો નથી અને ભાજપ તેમને ચોક્કસપણે સમર્થન આપશે પણ મલિક માટે પ્રચાર નહીં કરે.
શેલારે ડહાપણ ડહોળ્યું છે કે, દાઉદ સાથે જોડાયેલા લોકો પર ભાજપનું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલાં પણ કહી ચૂક્યા છે અને હવે હું પણ એ જ વાત કહી રહ્યો છું. અમે માનીએ છીએ કે મહાયુતિના તમામ સાથી પક્ષોને તેમના ઉમેદવારો જાહેર કરવાનો અધિકાર છે પણ નવાબ મલિક અંગે ભાજપનું વલણ સ્પષ્ટ છે. નવાબ મલિક માટે પ્રચાર કરવાનો સવાલ જ પેદા થતો નથી.
ભાજપના બીજા ઘણા નેતાઓએ પણ આ જ રેકર્ડ વગાડી છે. આ રેકર્ડ ભાજપ કેટલો દંભી પક્ષ છે અને સત્તા માટે કઈ હદે નીચે ઊતરી શકે છે તેનો પુરાવો છે. ભાજપ નવાબ મલિક સાથેના દાઉદ ઈબ્રાહિમના સંબંધોની દુહાઈ આપીને તેમને સ્વીકારવા તૈયાર નથી ત્યારે સવાલ એ થાય કે, આ મુદ્દે ભાજપ અજિત પવાર સાથેના સંબંધો તોડી કેમ નથી નાંખતો ? દાઉદ ઈબ્રાહિમ આ દેશનો દુશ્મન છે. મુંબઈ પરના આતંકવાદી હુમલાનો સૂત્રધાર છે અને દેશદ્રોહી છે. નવાબ મલિક આવા દેશદ્રોહીના સાથી છે એ જોતાં મલિક પણ દેશદ્રોહી જ કહેવાય. આવા દેશદ્રોહીને અજિત પવાર ભાજપ ને શિવસેનાની ઐસીતૈસી કરીને ટિકિટ આપે ને ભાજપ મલિક માટે પ્રચાર નહીં કરીએ ને સમર્થન નહીં આપીએ એવી સાવ પાવલીછાપ વાતો કરે છે એ સાંભળીને હસવું આવે છે. દાઉદના સાથીને ટિકિટ આપનાર સાથે ભાજપ કઈ રીતે બેસી શકે ?
આ સવાલનો જવાબ છે.
વાસ્તવમાં નવાબ મલિક ભાજપનું જ પ્યાદું છે ને અજિત પવારે મલિકને ભાજપના ઈશારે જ મેદાનમાં ઊતાર્યા છે. માનખુર્દ-શિવાજીનગર બેઠક પર મલિકની ટક્કર કોની સાથે છે એ સાંભળશો તો આ વાત સમજાશે. ૨૦૦૯માં અસ્તિત્વમાં આવેલી માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી ચૂંટાય છે. અબુ આઝમીને હરાવવા ભાજપે બહુ ઉધામા કરી જોયા પણ ફાવ્યો નથી એટલે હવે દાઉદના સાથી નવાબ મલિકના શરણે ગયો છે.
માનખુર્દ-શિવાજીનગર બેઠક પર મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે ને તેના જોરે અબુ આઝમી જીતે છે. ભાજપની ગણતરી બહુ સરળ છે કે, નવાબ મલિક જેવો ધરખમ મુસ્લિમ નેતા ઊભો રહે તો મુસ્લિમોના મત કપાય ને આઝમી હારી શકે. બે ધરખમ મુસ્લિમોની ટક્કરમાં ૨૦૧૪માં ૯ હજાર મતે હારેલા શિંદેની શિવસેનાના સુરેશ પાટીલની જીતના ચાન્સ વધી જાય તેથી ભાજપે મલિકને ઉતારી દેવડાવ્યા છે. બાકી લોકસભાની ચૂંટણીમાં ગણીને એક બેઠક જીતનારા અજિત પવારની પોતાની રીતે મલિકને ઉભા રાખવાની હિંમત નથી. મલિક પણ લાંબો સમય જેલમાં તળિયાં તપાવ્યા પછી માંડ માંડ છૂટ્યા છે. ભાજપ સામે બાખડી બાધીને ફરી જેલભેગા થવાની મૂર્ખામી મલિક જેવો ખેલંદો માણસ કરે એ વાતમાં માલ નથી.
ભાજપ નવાબ મલિકની દીકરી સના મલિકને મુદ્દે જે વાતો કરી રહ્યો છે એ પણ ગધેડાને તાવ આવી જાય એવી છે. ભાજપ મલિકને દાઉદના સાથી માનીને વિરોધ કરે છે ને સના મલિકનો પ્રચાર કરવાની વાતો કરે છે એ કેવું ? સના મલિક નવાબ મલિકની દીકરી છે એ સિવાય તેની કોઈ ઓળખ નથી ને એ સિવાય તેની પાસે બીજી કોઈ રાજકીય મૂડી નથી. બાપનાં નામે સનાએ ચરી ખાવાનું છે ત્યારે સના અને નવાબને ભાજપ અલગ અલગ ગણાવે છે એ જોઈને હસવું આવે છે. ભાજપ માટે આ નવી વાત નથી. ભાજપ વરસોથી ચાવવાના જુદા ને બતાવવાના જુદા એવો ખેલ કરે છે. મલિકની ઉમેદવારી સામે વાંધો એ ખેલનો જ ભાગ છે.