અમદાવાદઃ અમદાવાદના બોપલ-આંબલીમાં સોમવારે સવારે એક લક્ઝુરિયસ કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માતની વણઝાર સર્જી હતી. પાંચ વાહનોને અડફેટે લીધા બાદ કાર રેલિંગ સાથે અથડાતાં રોકાઈ ગઈ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કારચાલકને ફટકારીને અધમૂઓ કરી નાંખ્યો હતો. અકસ્માતની જાણ થયા બાદ પોલીસ પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….
પોલીસ તપાસમાં આરોપીનું નામ રીપલ પંચાલ હોવાનું અને તેની કાર શેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. આરોપીની પત્ની કાનન પંચાલે જણાવ્યું છે કે તે મહૂડી દર્શન કરવા ગઈ હતી. હાલ તેના પતિ રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે, વળી રીપલની માનસિક સારવાર પણ ચાલી રહી હોવાનું તેની પત્નીએ જણાવ્યું છે. આથી માનસિક તણાવ માટે આપવામાં આવતી દવાના ડોઝના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેની પત્નીએ કહ્યું હતું.
જોકે આરોપીના સોશિયલ મીડિયા પર નજર કરવામાં આવે તો તેની લેવીશ લાઇફ સ્ટાઇલ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 14 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે ઈન્સ્ટાબાયોમાં મેન્સ ફેશન, ટ્રાવેલિંગ, ફોટોગ્રાફી, સ્ટાયલિંગ, ઈન્ફ્લૂએંસર, એન્ટરટેનમેંટ, ફિટનેસનો ઉલ્લેખ કર્યો છે.
પોલીસ તપાસમાં આરોપી રિપલ પંચાલનો ગુનાહિત ભૂતકાળ હોવાનું પણ ખૂલ્યું છે. આરોપીએ ભૂતકાળમાં અનેક વખત કાયદાનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રીપલ પંચાલ પહેલાંથી જ નશાનો આદી રહ્યો છે. 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે પણ કાર સર્પાકાર રીતે હંકારતાં જોઇ પોલીસે તેને ઉભી રાખી રાખી પૂછપરછ કરતાં તેના મોંઢામાંથી કેફી પીણાની તિવ્ર વાસ આવતી હતી. તે સ્થિર ઉભો પણ રહી શકતો ન હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ રીપલ મહેશભાઇ પંચાલ (ઉ.વ.42 ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી તો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહિબિશન અંતર્ગત કાર્યવાહી કરી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને