banking graph showing decreasing margins વધતા વ્યાજ દરની અસર: બેંકોના માર્જિન પર દબાણ.

મુંબઈ: અઢી વર્ષના ગાળા બાદ ૧૮મી ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ પહેલી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. પહેલી નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૧.૯૦ ટકા રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૧.૮૩ ટકા રહ્યો હતો, એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.


Also read:ઇક્વિટીમાં સોના, એફડી અને પ્રોપર્ટી કરતાં વધુ વળતર: જાણો કોણે કહ્યું


જોકે, થાપણ વૃદ્ધિ ફરી મંદ પડયાના સંકેત મળી રહ્યા છે. ઊંચા થાપણ દરને કારણે બેન્કો માટે થાપણ વૃદ્ધિ જાળવવાનું મુશ્કેલ બની શકે છે. પહેલી નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલા ધિરાણનો આંક રૂ. ૧૭૪.૩૯ ટ્રિલિયન રહ્યો હતો, જ્યારે થાપણનો આંક રૂ. ૨૨૦.૪૩ ટ્રિલિયન હતો. ૧૮મી ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ વૃદ્ધિ ૧૧.૭૪ ટકા રહી હતી અને ધિરાણ વૃદ્ધિ ૧૧.૫૨ ટકા રહી હતી. એક સમયે થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સાત ટકા જેટલી ઊંચી જોવા મળી હતી. દેશના શેરબજારોમાં રેલીને કારણે ઘરેલું બચતો ઈક્વિટીસ તરફ વળવા લાગતા બેન્કોમાં થાપણ તરફના આકર્ષણમાં ઘટાડો થયો હતો.

થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચેનું અંતર ઘટી જવા પાછળનું એક કારણ ધિરાણ ઉપાડમાં મંદ ગતિ જણાવાઈ રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટમાં વધારા ઉપરાંત અનસિકયોર્ડ લોન્સ પર અંકૂશને કારણે પણ ધિરાણ વૃદ્ધિ મંદ પડી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. તાજેતરના દિવસોમાં બેન્કો દ્વારા થાપણ પરના વ્યાજ દર વધારાતા થાપણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.


Also read:વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ₹ ત્રણ લાખ કરોડ


ઘરેલુ બચતની ઈક્વિટીમાં ફાળવણી જે ૨૦૨૦માં ૧૫ ટકા હતી તે ૨૦૨૪માં વધી ૨૫ ટકા પહોંચી ગઈ હોવાનું તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. દરમિયાન એસએન્ડપીના એક રિપોર્ટમાં ૨૦૨૫માં ધિરાણ વૃદ્ધિ દર સાથે થાપણ વૃદ્ધિને જાળવવાનું બેન્કો માટે મુશકેલ રહેશે તેમ જણાવાયું છે. થાપણ પરના ઊંચા વ્યાજ દર બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ પર અસર કરશે તેવી શકયતા રહેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને