જેદ્દાહ (સાઉદી અરેબિયા): આઇપીએલની માર્ચ, 2025ની સીઝન પહેલાંના મેગા પ્લેયર્સ-ઑક્શનમાં રવિવારે શરૂઆતથી સૌથી મોટા પ્રાઇસ-મનીના કેટલાક અભૂતપૂર્વ ધૂમધડાકા થયા ત્યાર બાદ આજે બીજા દિવસે શરૂઆત થોડી ઠંડી હતી, પરંતુ અમુક ખેલાડીઓને ખરીદવા પાછળ ટીમોએ કરોડો રૂપિયા જરૂર ખર્ચ કર્યા હતા.
આ પણ વાંચો : IND vs AUS 1st test: ચોથા દિવસે પહેલું સેશન ભારતને નામ, ટ્રેવિસ હેડે લડત બતાવી
પંજાબ કિંગ્સનું ફ્રૅન્ચાઇઝી સૌથી વધુ 110.00 કરોડ રૂપિયાનું ફંડ લઈને આ હરાજીમાં આવ્યું છે અને એણે રવિવારે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં, અર્શદીપ સિંહને 18 કરોડ રૂપિયામાં તેમ જ યુઝવેન્દ્ર ચહલને પણ 18 કરોડ રૂપિયામાં ખરીદીને સનસનાટી મચાવી દીધી ત્યાર બાદ આજે પંજાબે સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર માર્કો યેનસેનને સાત કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો.
તુષાર દેશપાંડે હવે ચેન્નઈ નહીં, પણ રાજસ્થાન વતી રમશે. રાજસ્થાને તેને 1.00 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 6.50 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.
સ્પિન-ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાને બેન્ગલૂરુએ 5.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળતા મેળવી છે.
નમન ધીરને મુંબઈ ઇન્ડિયન્સે 5.25 કરોડ રૂપિયામાં મેળવ્યો છે, જ્યારે રસિખ સલામને મેળવવા પાછળ બેન્ગલૂરુએ 6.00 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
નીતિશ રાણાને રાજસ્થાને 4.20 કરોડ રૂપિયામાં મેળવ્યો છે, પણ નવાઈની વાત એ છે કે હાલમાં ભારતીય ટીમ વતી સારું પર્ફોર્મ કરી રહેલા સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને ધાર્યા કરતાં ઓછી પ્રાઇસ-મની મળી છે. તેને ગુજરાતે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 3.20 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.
ગઈ બે સીઝનમાં પંજાબ વતી કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમનાર બૅટર આશુતોષ શર્માને પંજાબે હરાજીમાં મૂકી દીધો હતો અને આજે દિલ્હીએ તેને 3.80 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
અબ્દુલ સામદને લખનઊએ 4.20 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.
પેસ બોલર મોહિત શર્માને દિલ્હીએ 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
સાઉથ આફ્રિકાના ફૅફ ડુ પ્લેસીને દિલ્હીએ બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે બે કરોડ રૂપિયામાં મેળવ્યો છે, જ્યારે બીજા વિદેશી ખેલાડી રૉવમૅન પોવેલને કોલકતાએ 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં જ ખરીદી લીધો છે.
પંજાબે વધુ એક સારો ખેલાડી પોતાના કબજામાં કર્યો છે. એણે જૉશ ઇંગ્લિશને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં સફળતા મેળવી છે. પંજાબને યશ ઠાકુર 40 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.60 કરોડ રૂપિયામાં મળી શક્યો છે.
બીજી તરફ, ચેન્નઈને ઑલરાઉન્ડર સૅમ કરૅન બે કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે માત્ર 2.40 કરોડ રૂપિયામાં મળ્યો છે.
આ પણ વાંચો : વેન્કટેશ ઐયર 23.75 કરોડ રૂપિયાનો, કોલકાતાની ટીમમાં કર્યું કમબૅક…
કોલકાતાએ વૈભવ અરોરાને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 1.80 કરોડ રૂપિયામાં મેળવ્યો છે. એ જ પ્રમાણે, પંજાબે પેસ બોલર વિજયકુમાર વૈશાકને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.80 કરોડ રૂપિયામાં હાંસલ કર્યો છે.
આકાશ મઢવાલને રાજસ્થાન 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.20 કરોડ રૂપિયામાં મેળવી શક્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને