મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને એકબીજા પર ટીકા થઈ રહી છે અને રાજકીય બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મોટા નેતાઓની બેઠકોની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવી રહ્યો છે.
શિવસેના યુબીટી પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે પાંચમી નવેમ્બરથી તેમનો રાજકીય પ્રચાર પ્રવાસ શરૂ કરવાના છે. તેમની પ્રથમ ચૂંટણી પ્રચાર સભા રત્નાગીરી જિલ્લામાંથી થશે, જ્યાં એકનાથ શિંદેનો પ્રભાવ છે. ત્યારબાદ રાજ્યભરમાં તેમની 15 બેઠકો યોજાશે તેવા અહેવાલ છે. આવી જ રીતે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સભાની તારીખ નક્કી થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાત પાકી થઈ ગઈ છે અને વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર માટે નરેન્દ્ર મોદી આઠ નવેમ્બરે મહારાષ્ટ્ર આવી રહ્યા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
મહાગઠબંધનની પ્રથમ મોટી સભા આઠમીએ રાજ્યમાં યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર સભાઓનો ધમધમાટ થશે. નરેન્દ્ર મોદી તેમના પ્રવાસ દરમિયાન ઉત્તર મહારાષ્ટ્રમાં બે સભાઓ સંબોધશે.
તેમાંથી એક સભા નાશિકમાં અને બીજી ધુળેમાં યોજાશે, મોદીની આ બંને સભા રેકોર્ડ તોડશે, એમ ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું. મહાજને એમ પણ કહ્યું કે, નાશિકના મેદાનનું નામ મોદી ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે, ત્યાં લાખોની ભીડ એકઠી થશે.
ભાજપે મહારાષ્ટ્રના પ્રચાર તંત્રમાં કેન્દ્રીય પ્રધાનોઓને પણ ઉતાર્યા છે. તેથી કેન્દ્રના એવા નેતાઓ સાથે પણ બેઠકો યોજાશે જેઓ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ મહારાષ્ટ્રમાં વધુ સમય પસાર કરશે, નાશિકની જરા પણ ઉપેક્ષા નહીં કરે. આ સિવાય તેઓ ધુળે, નંદુરબાર પણ જશે. ગિરીશ મહાજને એવી માહિતી આપી હતી કે અહમદનગર સહિત પાંચ જિલ્લામાં મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
કાર્યક્રમ અનુસાર, આઠ નવેમ્બરે ધુળે, નાસિક, નવ નવેમ્બરે અકોલા, ચિમુર, તેરમી નવેમ્બરે સોલાપુર, કોલ્હાપુર અને 14મી નવેમ્બરે સંભાજી નગર, નવી મુંબઈ અને મુંબઈમાં મોદીની સભાઓ યોજાશે.
દિવાળી પછી ફટાકડા ફોડીશું
વિધાનસભ્ય એકનાથ ખડસેના ભાજપમાં પ્રવેશ અંગે વાત કરતા ગિરીશ મહાજને કહ્યું કે દિવાળી પછી ફટાકડા ફોડીશું, આમાં શું તકલીફ છે, ફટાકડા ફોડવાની ઉતાવળ ન કરો.