(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૭૪ અને ૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના જાન્યુઆરી અને ફેબ્રુઆરી વાયદામાં અનુક્રમે છ રિંગિટ અને ૧૦ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે એકંદરે કામકાજો પાંખા રહેતાં આયાતી તેલમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો અને આરબીડી પામોલિનમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં દિવાળીના તહેવારો પશ્ર્ચાત્ માગ અત્યંત તળિયે બેસી જવાથી સાર્વત્રિક સ્તરેથી વેપારો નિરસ હ્હ્યા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૫૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૭૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૩૦, સિંગતેલના રૂ. ૧૫૬૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૪૦ અને સરસવના રૂ. ૧૩૯૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ગુજરાતના મથકો પર સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૩૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૨૫માં થયા હતા.
જોકે, આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૩.૫૦ લાખ ગૂણી સોયાસીડની આવક હતી, જ્યારે રાજસ્થાનના મથકો પર સરસવની અંદાજે ૧.૧૫ લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૭૭૫થી ૬૮૦૦માં થયા હતા. આ સિવાય સરસવ એક્સ્પેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૯૫થી ૧૪૦૧માં અને કચ્ચી ઘાણીના રૂ. ૧૪૦૫થી ૧૪૧૧માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૪૯૫થી ૨૫૦૦માં થયાના અહેવાલ હતા.