-જયેશ ચિતલિયા
તમારી પાસે પેન કાર્ડ છે? આધાર કાર્ડ છે? આ બન્નેે કાર્ડ વર્તમાન સમયના વ્યવહારિક જગતમાં દરેક માટે અનિવાર્ય છે. એ જ રીતે, નાણાકીય જગતમાં તમારું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરવા માગતા હો તો તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) હોવા પણ એટલા જ અગત્યના છે.
આ હકીકત આમ તો જાહેર છે, પરંતુ નાના-મધ્યમ વર્ગના બચતકાર-રોકાણકાર વર્ગ માટે આ વિષયનું રિમાઈન્ડર સતત જરૂરી છે.
‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ એવાં સૂત્ર તો લાંબા સમયથી પ્રચારમાં વપરાય છે. આ માર્ગે રોકાણ સતત એકધારું વધી રહ્યું છે, જેથી ઘણેખરે અંશે તેને સફળતા પણ મળી કહી શકાય.
જોકે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં જો કોઈ યોજનાને સૌથી વધુ સફળતા મળી રહી છે તો એ છે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી). આ પ્લાન સૌથી વધુ પોપ્યુલર થયા છે અને હાલ ઘેર-ઘેર SIP પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવી રહ્યું છે.
દેશમાં આજે SIP એકાઉન્ટસની સંખ્યા દસ કરોડને પાર કરી ગઈ છે. ગયા ઓકટોબરમાં નેટ ૨૪ લાખથી વધુ નવા SIP એકાઉન્ટસ રજિસ્ટર્ડ થયા છે. આમ ઓકટોબરમાં કુલ આવા એકાઉન્ટસની સંખ્યા ૬૯ લાખ ઉપર પહોંચી ગઈ છે, જે રોકાણકાર વર્ગનો આ માર્ગમાં વધતો વિશ્ર્વાસ દર્શાવે છે.
SIPની વૃધ્ધિનો ગ્રાફ જોવો રસપ્રદ છે, એપ્રિલ ૨૦૧૬માં રૂ.૩૧૦૦ કરોડના SIP જમા થતા હતા, જે માર્ચ ૨૦૨૦માં રૂ.૮૫૦૦ કરોડ સુધી પહોંચી ગયા હતા, કોવિડ બાદ આ રોકાણમાં જબ્બર ઉછાળો નોંધાયો અને સપ્ટેમ્બર ૨૦૨૧માં તે આંકડો પ્રથમવાર રૂ.૧૦૦૦૦ કરોડને પાર કરી ગયો અને એપ્રિલ ૨૦૨૪માં રૂ.૨૦૦૦૦ કરોડ અને હાલ ઓકટોબર ૨૦૨૪માં રૂ. ૨૫ હજાર કરોડ ઉપર પહોંચી ગયો છે.
અલબત્ત, દેશની વસતિને ધ્યાનમાં રાખતા આ સંખ્યા અને રકમ ઓછાં ગણાય, જેથી આગામી સમયમાં આ માટેનો અવકાશ અને પ્રવાહ વધશે એમ ચોકકસ માની શકાય.
મજાની વાત એ છે કે SIP મહિનામાં માત્ર રૂ. ૫૦૦ જેવી નાની રકમ સાથે પણ થઈ શકે છે. હવે તો અમુક ફંડ રૂ. ૧૦૦ ની જઈંઙ ઓફર કરવાની તૈયારીમાં છે. નિયમન સંસ્થા ‘સેબી’ પણ આને વધુ લોકો સુધી લઈ જવા માગે છે. તેજી-મંદી બંનેમાં લાભ હાલ SIPમાં રોકાણ કરવાનું અને વધારવાનું નકકર કારણ એ છે કે બજાર નવી-નવી ઊંચાઈએથી પાછું પહોંચી રહ્યું છે. સ્ટોકસના ભાવોમાં ઘટાડાથી ફંડસની યોજનાઓની એનએવી (નેટ એસેટ વેલ્યુ) પણ ઘટે છે.
એનએવી (નાવ) ઘટવાથી SIP ધારકોને યુનિટસ વધુ પ્રાપ્ત થાય છે. આમ એની સૌથી મુખ્ય અને મોટી વિશેષતા છે કે મંદીમાં પણ તે રોકાણકારોને લાભ જ કરાવે છે, તેજીમાં મુલ્યવૃધ્ધિ મારફત અને મંદીમાં યુનિટસ વૃધ્ધિ મારફત… તેથી જ ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ ની સાથે-સાથે SIP જયાદા સહી હૈ’ કહેવું જોઈએ.
જે બચતકારો-રોકાણકારો SIPના સિદ્ધાંતને અને તેની વિશેષતા સમજી લે છે એ ખરાં અર્થમાં રોકાણમાં સફળ થાય છે અને સંપત્તિસર્જનની સાર્થકતા મેળવે છે.
એક નજર વિદેશી ફંડસના ટ્રેન્ડ તરફ…
અમેરિકામાં પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ ભારતીય રોકાણકારોનો વિદેશી કંપનીઓ અને મ્યુચ્યલ ફંડોમાં રોકાણ કરવામાં રસ વધવા લાગ્યો છે. હાલ કુલ ૭૬ આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સમાંથી ૪૧ સ્કિમ્સ નવા રોકાણ માટે ઉપલબ્ધ છે, તેમાંની મોટા ભાગની સ્કીમ્સમાં SIP મારફતે રોકાણ કરી શકાય છે.
જોકે આમાંના ઘણાં મ્યુચ્યુઅલ ફંડસ એક સાથે લમસમ સ્વરૂપે રોકાણ સ્વીકારવાનું ટાળે છે. રોકાણકારોને ચીનની વિકાસ ગાથાનો લાભ લેવાની સાથે સાથે યુએસ બજારમાં ટેક વેવનો પણ ફાયદો ઊઠાવવો છે. જોકે એમની પાસે બહુ જ મર્યાદિત વિકલ્પો ખુલ્લાં છે.
આમ તો ગ્લોબલ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડો મારફતે રોકાણ કરવું અસરકારક રહ્યું હોવા છતાં આ માર્ગ સામે હજી ચોક્કસ નિયમનકારી ધોરણો અવરોધ બની રહ્યા છે.
માર્કેટ માટે લાંબા ગાળાનો સંકેત
હાલ ઇન્ટરનેશનલ ફંડ ઓફ ફંડ્સ, સીધાં ઇક્વિટી રોકાણો અને ઇન્ટરનેશનલ ઇટીએફમાં મળીને થયેલા રોકાણોનું મૂલ્ય અંદાજે રૂ. ૭૦૦૦૦ થી ૭૫૦૦૦ની રેન્જમાં હોવાનો અંદાજ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની માંગણી છે કે રોકાણ માટેની મર્યાદામાં વધારો કરવો જોઇએ.
તેમણે સત્તાવાળાઓ સમક્ષ આ માટે રજૂઆત પણ કરી છે. આમ હાલ દેશમાં અને વિદેશોમાં સ્થાપિત મ્યુચ્યુઅલ ફંડસ તેમ જ ઈટીએફમાં રોકાણકારોનો રસ સતત વધી રહયો હોવાની બાબત એક વાતનો સંકેત આપે છે કે આ નાણાં મહદઅંશે શૅરબજારમાં આવતા હોવાથી લાંબે ગાળે તે તેજી માટે સહાયક બનશે.
ખાસ કરીને લાંબા ગાળાના રોકાણકારો આ માર્ગને પસંદ કરે છે. આને પરિણામે ફંડામેન્ટલ્સથી મજબૂત ગણાતા સ્ટોકસ માટે વૃદ્ધિનો અવકાશ વધી જાય છે. નાના ભારતીય રોકાણકારોએ યોગ્ય સલાહ લઈ આ માર્ગે આગળ વધવું જોઈએ. દેશનાં ફંડસ ઉપરાંત વિદેશી ફંડસમાં પણ રોકાણ કરવાનો અભિગમ રાખવો જોઈએ.
આ માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. લોકો અહીથી રૂપિયાની કરન્સી મારફત પણ ટોચની ગ્લોબલ-વિદેશી કંપનીઓમાં રોકાણ થઈ શકે એવા ફંડસની યોજનાઓ પસંદ કરી શકે છે. ‘મારાથી આમ નહી થઈ શકે, મને તો આમાં કંઇ સમજ પડતી નથી, મને આ વિશે કંઈ ખબર નથી’ એમ વિચારી બેસી રહેવાથી કામ નહીં થાય. થોડો અભ્યાસ અને સાચી સલાહ મેળવવાનું કર્મ તો કરવું જ રહ્યુ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને