મુંબઇઃ મહારાષ્ટ્રના વસઈ વિધાનસભા ક્ષેત્રમાંથી નવા ચૂંટાયેલા વિધાન સભ્ય સ્નેહા નવીન દુબેની જીતના સમાચાર જ્યારે દેવરિયા જિલ્લાના જગન ચક ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. સ્નેહા નવીન દુબેના પતિ નવીન દુબે શિવસેના શિંદે જૂથના નેતા છે. સ્નેહા નવીન દુબેએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી વિજય મેળવ્યો છે. સ્નેહાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની જનતાએ મને ચૂંટણીમાં ઘણો સહકાર આપ્યો. અમે તમામ લોકોના આભારી છીએ. સ્નેહાના પતિ નવીન દુબેએ શિંદે જૂથમાં છે.
માંડીને વાત કરીએ તો ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના જગન ચક ગામમાં રહેતા શ્યામ સુંદર દુબે તેમના બે પુત્ર સાથે મુંબઇમાં શિક્ષણ ક્ષેત્રમા કામ કરે છે. તેમના પુત્ર નવીન દુબે સામાજિક કાર્યોમાં પણ રસ ધરાવે છે અને શિવસેના શિંદે જૂથના નેતા છે. લગભગ બે દાયકાથી તેઓ રાજકારણમાં સક્રિય છે નવીને મહારાષ્ટ્રમાં જ લગ્ન કર્યા છે. તેમના પત્ની સ્નેહા પણ સામાજિક કામમાં રસ ધરાવે છે. આદિવાસી સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતી વખતે તેમણે મુંબઈમાં વસઈ વિધાનસભા ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે.
સ્નેહાની જીતના સમાચાર મળતા જ તેમના જગન ચક ગામમાં ખુશી અને ઉત્સવનો માહોલ છવાઇ ગયો હતો. લોકોએ મિઠાઇ વહેંચીને ઉજવણી કરી હતી. ગામના લોકો કહે છે કે ઉત્તર પ્રદેશની પુત્રવધુએ મુંબઇમાં પણ અમારા ગામને રોશન કર્યું છે. સ્નેહા નવીન ભાજપના છે જ્યારે તેમના પતિ નવીન દુબે શિવસેના શિંદે જૂથના નેતા છે. નવીને પણ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપે તેમની પત્નીને ટિકિટ આપી હતી.
જગન ચક ગામના રહેવાસી નરસિંહ દુબે લગભગ 80 વર્ષ પહેલા કામધંધાર્થે મુંબઇ આવ્યા હતા અને મુંબઇને તેમની કર્મભૂમિ બનાવી લીધી હતી. તેમને પાંચ પુત્ર અને બે પુત્રી છે, જેમાંથી શ્યામ સુંદર દુબે શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે અને તેમણે સારું નેટવર્ક બનાવ્યું છે. શ્યામ સુંદરના મોટા પુત્ર નવીન સમાજસેવામાં વધુ રસ ધરાવે છે. તેમના પત્ની સ્નેહા પણ પતિની સાથે સાથે સમાજસેવાના કામોમાં રત છે. શ્યામ સુંદરના એક ભાઇ સુરેશ દુબેનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. અન્ય ભાઇઓમાં જયપ્રકાશ દુબે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે તેમના ચોથા ભાઈ ઓમપ્રકાશ દુબે મેડિકલ ક્ષેત્રે છે. નરેશ દુબે રિયલ એસ્ટેટનું કામ કરે છે. તેમનો આખો પરિવાર નાલાસોપારામાં રહે છે. બધામાં એકતા છે. તહેવાર દરમિયાન પરિવારના બધા લોકો ગામમાં જાય છે અને ઉજવણી કરે છે. શ્માસ સુંદર દુબેની પુત્રવધૂ સ્નેહાનો રાજકારણ સાથે જૂનો નાતો છે. તેમના પિતા વિવેક પંડિત 2009માં વસઈથી શિવસેના દ્વારા સમર્થિત અપક્ષ વિધાન સભ્ય બન્યા હતા. આમ સ્નેહાને આ સીટ વારસામાં મળી છે. જોકે, સ્નેહાએ પ્રથમ વાર ચૂંટણી લડ઼ી હતી અને મુંબઈની બહુજન વિકાસ આઘાડી પાર્ટીના જાણીતા નેતા હિતેન્દ્ર ઠાકુરને હરાવ્યા હતા. લોકોને તો ખ્યાલ જ હશે કે વસઇ-વિરાર બેલ્ટમાં હિતેન્દ્ર ઠાકુરનો ઘણો પ્રભાવ છે. એમને હરાવવા એ મોટી વાત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને