મુંબઈઃ મહારષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતાં જાય છે અને ભાજપ તેમ જ સાથી પક્ષોની મહાયુતી ફરી સત્તાનું સૂકાન સંભાળશે, તે લગભગ નક્કી થઈ ગયું છે ત્યારે ભાજપના એક નેતાએ મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાનનું એક નિવેદન ભારે ચર્ચામાં છે. હાલમાં સત્તા સ્થાપવા માટે મહાયુતીને કોઈની જરૂર નથી. ભાજપ પોતે સૌથી મોટો અને મજબૂત પક્ષ સાબિત થયો છે જ્યારે શિંદેસેના અને અજિત પવારના પક્ષો પણ બેઠકો મેળવવામાં સફળ રહ્યા છે. હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે મહાયુતી 200થી વધારે બેઠક પોતાને નામ કરી શકે છે, જ્યારે સત્તા સ્થાપવા માત્ર 145 બેઠક પર વિજયની જરૂર છે. આથી અન્યપક્ષોને સાથે લેવાની ગરજ નથી, છતાં ભાજપના નેતા ચંદ્રકાન્ત પાટીલે જૂના મિત્રને સાદ પાડ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
સત્તા સ્થાપી રહ્યા છો ત્યારે જૂના મિત્ર ઉદ્ધવ ઠાકરેને સાથે લેશો કે કેમ તેમ પૂછવામાં આવતા ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે અમારે બીજા કોઈ પક્ષનો સહારો લેવાની જરૂર તો નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરેને સમજાય કે અમે જ તેમના કુદરતી મિત્ર છીએ અને ફરી ભાજપમાં જોડાવા માગે તો પક્ષના શ્રેષ્ઠીઓ તે મામલે નિર્ણય લઈ શકે છે. ઉદ્ધવ ઠકારે આ મામલે કંઈ બોલે છે કે કેમ તેના પર હવે સૌની નજર રહેશે.
Also read: દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે CM, ભાજપ અધ્યક્ષ તેમને મળવા આવ્યા
જોકે એક શક્યતા એ પણ રહે કે મુખ્ય પ્રધાનપદની જીદ જો અજિત પવાર લે અને તે છેડો ફાડે તો ઉદ્ધવસેના સાથે હોય તો ભાજપનું સૂકાન સલામત રહે. જે હોય તે મહારાષ્ટ્ર હવે નવા નવા રાજકીય સમીકરણોને આદિ થઈ ગયું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને