મુંબઈ: જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આડેધડ ગોળીબાર કરી ત્રણ પ્રવાસીના જીવ લેનારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાન ચેતન સિંહ ચૌધરીનું તે સમયે મગજ ઠેકાણે નહોતું. તેનું વર્તન હંમેશ કરતાં અલગ જણાતું હતું, એવો દાવો આ કેસના ફરિયાદી અને નિવૃત્ત રેલવે પોલીસ કર્મચારીએ દિંડોશી સેશન્સ કોર્ટમાં કર્યો હતો.
જયપુરથી મુંબઈ આવનારી એક્સપ્રેસમાં ચેતન સિંહ ચૌધરીએ તેના ઉપરી સહિત ત્રણ પ્રવાસી પર ગોળીબાર કર્યો હતો. આ પ્રકરણનો ખટલો દિંડોશી સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યો છે. ઘટના બની ત્યારે ફરિયાદી પણ ચેતન સાથે ટ્રેનમાં હતો.
આરોપી ચેતનના વકીલ રાજેન્દ્ર પાટીલે ફરિયાદી એવા સાક્ષીની ઊલટતપાસ કરી હતી. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે દસથી બાર વખત આરોપી સાથે કામ કર્યું છે. ફરજ દરમિયાન આરોપીએ સહકર્મચારી અને ઉપરી અધિકારી સાથે વિવાદ કે ઝઘડો કર્યો હોય તેવું એક્સપ્રેસ ટ્રેનમાંની ઘટના અગાઉ તેણે ક્યારેય જોયું નથી, એવો દાવો ફરિયાદીએ કર્યો હતો.
ફરિયાદીએ કહ્યું હતું કે ઘટનાને દિવસે ચેતનની તબિયત સારી હતી કે નહીં, તે હું કહી શકતો નથી, પરંતુ તે દિવસે તેનું વર્તન હંમેશ મુજબનું નહોતું એ તેના ધ્યાનમાં આવ્યું હતું.
આ પણ વાંચો : Session કોર્ટે આરપીએફના બરતરફ કોન્સ્ટેબલ સામે આરોપો ઘડ્યા
ચેતન વતી તેના વકીલે જામીન અરજી કરી હતી. જામીન માટે ચેતને દાવો કર્યો હતો કે નાનપણથી અત્યાર સુધી તેને ક્યારેય કૌટુંબિક પ્રેમ મળ્યો ન હોવાથી તેની માનસિક સ્થિતિ બગડી હતી. તેની માનસિક સ્થિતિ અંધશ્રદ્ધાનો ભોગ બનીને સામૂહિક આત્મહત્યા કરનારા દિલ્હીના બુરાડી કુટુંબ જેવી હોવાનો દાવો ચેતને કર્યો હતો.
બીજી તરફ, ચેતનના કુટુંબીજનોએ પણ દાવો કર્યો હતો કે ઘટનાને દિવસે ચેતનનું વર્તન બદલાયેલું જણાતું હતું. ચેતન માનસિક રીતે બીમાર હતો અને તેની તેની સારવાર ચાલી રહી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને