એફઆઇઆઇની વેચવાલી અને હિંદુસ્તાન યુનિલીવરના કડાકા વચ્ચે નિરસ હવામાનમાં સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં સરક્યો

2 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અકધારી વેચવાલી સાથે હિંદુસ્તાન યુનિલીવરના નબળા પરિણામને કારણે ખરડાયેલા માનસ વચ્ચે સેન્સેક્સ ૧૬.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૦૨ ટકાના ઘસરકા સાથે ૮૦,૦૬૫ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૩૬.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૨૪,૩૯૯.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. શેરબજારમાં પ્રારંભિક તબક્કે થોડા સુધારા બાદ ઝડપી અફડાતફડી જોવા મળી હતી. એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીના કારણે બજારનું સંતુલન ખોરવાઈ રહ્યું છે, તો બીજી તરફ કોર્પોરેટ ક્ષેત્રના નિરસ અને નકારાત્મક નાણાકીય પરિણામ પણ બજારનું માનસ ખરડવાનું કામ કરી રહ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો ૨.૩૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૫૯૫ જાહેર થતાં હિન્દુસ્તાન યુનિલિવરમાં લગભગ છ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો.

આ ઉપરાંત સૌથી વધુ ઘટનારા શેરોમાં નેસ્લે, આઇટીસી, મારુતિ, એશિયન પેઇન્ટ, ઇન્ફોસિસ, ટીસીએસ, એલએન્ડટી અને એચસીએલ ટેકનોલોજીનો સમાવેશ હતો. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એદાણી પોર્ટ, એસબીઆઇ અને પાવર ગ્રીડનો સૌથી વધુ વધનારા શેરોમાં સમાવેશ હતો.

ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સનું પ્રીમિયમ લિસ્ટિંગ થયું હતું. ક્ધટેન્ટ ક્રિએશન અને પ્રોડકશન કંપની, ઇન્સ્પાયર ફિલ્મ્સે એક અગ્રણી હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ્સ (જીઇસી) સાથે નવા શો માટે નવાં ભાગીદારી કરાર કર્યા છે, જેનું પ્રોડક્શન નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકના અંતે શરૂ થવાનું છે, અને પ્રીમિયર નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં થવાની ધારણા છે. અશોક લેલેન્ડને ચેન્નઇ એમટીસીનો ૫૦૦ ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર મળ્યો છે.

સેલ્સફોર્સે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની દિશામાં આગળ વધવા માટે ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ સાથે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. સેલ્સફોર્સના આ નેક્સ્ટ જનરેશન જીટીએમ પ્લેટફોર્મના ઉપયોગથી ટીપીસીએલએ રોજના ૨૫૦ લેખે ચાર મહિનામાં ૩૦૦૦ ડીસ્ટ્રીબ્યુટરની નિમણુંક કરી છે. જાહેર ક્ષેત્રની યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે ૩૪.૪૩ ટકાના વધારા સાથે રૂ. ૪,૭૨૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે જૂન ક્વાર્ટરમાં ૨૮.૩ ટકા વધીને રૂ. ૩,૬૭૯ કરોડ હતો. ચોખ્ખી વ્યાજ આવક ૦.૮૭ ટકા ઘટીને રૂ. રૂ. ૯૦૪૭ કરોડ નોંધાઇ છે, જે ગયા વર્ષે સમાન ત્રિમાસિક સમયગાળામાં રૂ. ૯,૧૨૬ કરોડના સ્તરે હતી.

એનબીએફસી ઉષા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ગુરુવારે પ્રાથમિક જાહેર ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશી છે અને ભરણાં મારફત રૂ. ૯૮.૪૫ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. આ ૫૮.૬ લાખ શેરનું ફ્રેશ ઇક્વિટીનું ભરણું ૨૮મી ઓકટોબરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૬૦થી રૂ. ૧૬૮ છે. આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીના મૂડી આધાર, સામાન્ય કોર્પોરેટ હેતુ અને ઈશ્યુ ખર્ચમાં વધારો કરવા માટે કરવામાં આવશે. આઈટીસી, ઇન્ડ્સઇન્ડ બેન્ક, ગોદરેજ કંઝ્યુંમર, અદાણી ટોટલ, અદાણી વિલ્મર, અને એસીસી સહિતની કંપનીઓએ નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. એસ્કોર્ટ ક્યુબોટાના રેલ્વે ઇક્વિપમેન્ટ બિઝને હસ્તગત કરવાની ચર્ચા વચ્ચે સોના બીએલડબલ્યુના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે એસ્કોર્ટ ગબડ્યો હતો.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, બજાર અત્યારે જે મુખ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે તે વિદેશી ફંડોની જંગી, અભૂતપૂર્વ અને એકધારી વેચવાલી છે જે ૨૩મી ઓક્ટોબર સુધીમાં રૂ. ૯૩,૦૮૮ કરોડને સ્પર્શી ગઈ છે. એફઆઈઆઈના આઉટફ્લો માટે મૂળભૂત ટ્રીગર, ભારતમાં ઊંચા મૂલ્યાંકન અને ચીન અને હોંગકોંગ જેવા બજારોમાં પ્રમાણમાં સસ્તા અને આકર્ષક મૂલ્યાંકન છે.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે ભારતીય શેરબજારમાં રૂ. ૫,૬૮૪.૬૩ કરોડના ઇક્વિટી શેર ઓફલોડ કર્યા હતા, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)એ રૂ. ૬,૦૩૯.૯૦ કરોડની ઇક્વિટી શેર ખરીદ્યા હતી. બજારના સાધનો અનુસાર ડીઆઇઆઇની લેવાલીને કારણે બજારમાં મોટો કડાકો ટળી રહ્યો છે, પરંતુ તેને કારણે સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી છે. એનએસડીએલના ડેટા અનુસાર એફઆઇઆઇએ ૨૩મી ઓક્ટોબર સુધીમાં રૂ. ૯૩,૦૮૮ કરોડથી વધુ શેરો ભારતીય બજારમાં ઠાલવ્યા છે. બજારમાં અપટ્રેન્ડ, કોર્પોરેટ કમાણીની વૃદ્ધિના ડાઉનટ્રેન્ડ સાથે સુસંગત ના હોવાથી બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે, જે નજીકના ગાળાના બજાર માળખાને, સેલ ઓન રેલીમાં ફેરવે છે. એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટિવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે ટોક્યિોમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપિયન બજારો બપોરના સત્ર સુધીના અહેવાલો અનુસાર સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૯૯ ટકાના ઉછાળા સાથે ૭૬.૪૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ટેકનિકલ નિષ્ણાતે ચાર્ટને આધારે એવી આગાહી કરી છે, કે નિફ્ટી બેન્ચમાર્ક ટૂંકાથી મધ્યમ ગાળામાં વર્તમાન સ્તરોથી વધુ ૧,૦૦૦ પોઈન્ટ નીચી સપાટીએ ગબડીને ૨૩,૩૦૦ પોઇન્ટના સ્તરે જઈ શકે છે, કારણ કે બેન્ચમાર્કમાં તાજેતરના ઊંચા સ્તરથી બોલાયેલા ધબડકાને કારણે હાલતુરત સેન્ટિમેન્ટ મંદીવાળાની તરફેણમાં ફેરવાઈ ગયું છે.

નોંધવું રહ્યું કે, ઇન્ડેક્સ પહેલાથી જ, તેના ૨૬,૨૭૭ના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં સાત ટકા અથવા ૧,૮૯૯ પોઈન્ટથી વધુ ઘટી ગયો છે. આ પ્રક્રિયામાં, એનએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સે ટૂંકા અને મધ્યમ ગાળાના સપોર્ટ લેવલ તોડી નાખ્યા છે અને હાલમાં તે ૨૪,૫૬૫ લેવલે મૂકવામાં આવેલી ૧૦૦ દિવસની મૂવિંગ એવરેજ (ડીએમએ)ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તેમના મતાનુસાર ચાર્ટ સૂચવે છે કે, જો ઇન્ડેક્સ ૨૪,૫૦૦ લેવલથી ઉપર ટકી શકવા અસમર્થ હોય, તો ટેકનિકલી તે ૨૩,૩૬૫ લેવલ પર મુકાયેલા તેના ૨૦૦ દિવસની મૂવિંગ એવરેજ પર સરકી શકે છે. બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૧૩૮.૭૪ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૮૦,૦૮૧.૯૮ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. નિફ્ટી ૩૬.૬૦ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૨૪,૪૩૫.૫૦ પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો.

ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ગત બુધવારના ૮૦,૦૮૧.૯૮ના બંધથી ૧૬.૮૨ પોઈન્ટ્સ (૦.૦૨ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૧.૫૨ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૩.૭૯ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૯,૯૨૧.૧૩ ખૂલીને ઊંચામાં ૮૦,૬૪૬.૩૧ સુધી અને નીચામાં ૭૯,૮૯૧.૬૮ સુધી જઈને અંતે પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૯ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૧ સ્ક્રિપ્સ ઘટી હતી.

એક્સચેન્જમાં ૪,૦૩૩ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૫૮૪ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૩૪૯ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૦૦ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૨૯ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

જ્યારે ૧૦૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૧૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૨ ટકા ઘટ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૦૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૪૯ ટકા ઘટ્યો હતો.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ બેન્કેક્સ ૦.૫૪ ટકા, યુટિલિટીઝ ૦.૪૮ ટકા, હેલ્થકેર ૦.૪૩ ટકા, પાવર ૦.૪૨ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૩૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૫ ટકા, કોમોડિટીઝ ૦.૧૨ ટકા, એનર્જી ૦.૧ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૨.૬૬ ટકા, રિયલ્ટી ૧.૨૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ૧.૦૨ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૬૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૫૯ ટકા, ટેક ૦.૫૨ ટકા, ઓટો ૦.૪ ટકા, મેટલ ૦.૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૧ ટકા અને સર્વિસીસ ૦.૦૫ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૬૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૫ ટકા, ટાઈટન ૧.૨૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૧૧ ટકા, અદાણી પોર્ટસ ૧.૦૨ ટકા, એનટીપીસી ૦.૮૬ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૩ ટકા, પાવર ગ્રીડ ૦.૭૧ ટકા, એક્સિસ બેન્ક ૦.૬૪ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૬૨ ટકા, સન ફાર્મા ૦.૬૦ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૫૩ ટકા વધ્યા હતા, જ્યારે હિંદુસ્તાન યુનિ લિવર ૫.૮૩ ટકા, નેસ્લે ૨.૮૮ ટકા, આઈટીસી ૧.૮૧ ટકા, મારુતિ ૧.૬૮ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૬૫ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૦.૪૬ ટકા, ઈન્ફોસિસ ટેકનોલોજી ૦.૪૫ ટકા, લાર્સન ૦.૩૫ ટકા, ભારતી એરટેલ ૦.૨૮ ટકા, કોટક બેન્ક ૦.૧૭ ટકા અને એચસીએલ ટેકનોલોજી ૦.૦૭ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૬૫.૬૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૯૪ સોદામાં ૮૧૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૧૭,૭૬,૫૧૩ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૧૩,૪૨,૩૫૦.૯૬ કરોડનું રહ્યું હતું. એફઆઈઆઈની રૂ. ૫,૦૬૨.૪૫ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્થાનિક સંસ્થાઓની રૂ.૩,૬૨૦.૪૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article