પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અહીં શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના પહેલા જ દિવસે કુલ 17 વિકેટ પડી અને આ રોમાંચક રમતમાં ભારતનો કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. એક તો તમામ 17 વિકેટ પેસ બોલર્સે લીધી એમાં ઑસ્ટ્રેલિયાના સૌથી સફળ બોલર જૉશ હૅઝલવૂડ (29 રનમાં ચાર વિકેટ)ની સરખામણીમાં બુમરાહ (17 રનમાં ચાર વિકેટ) ચડિયાતો સાબિત થયો હતો. ખરેખર તો 1952ની સાલ પછી પહેલી વાર એવું બન્યું છે જેમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મૅચના પહેલા દિવસે 17 વિકેટ પડી.
72 વર્ષ પહેલાં એટલે કે 1952માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટમાં પ્રારંભિક દિવસે 17 વિકેટ પડી હતી. ત્યાર પછીના 72 વર્ષમાં ક્યારેય પણ ઑસ્ટ્રેલિયાના કોઈ પણ મેદાન પર રમાયેલી ટેસ્ટમાં પહેલા દિવસે આટલી વિકેટ નહોતી પડી.
આ જોતાં કહી શકાય કે અઢી-ત્રણ દિવસમાં આ મૅચનું પરિણામ આવી શકે.
આ પણ વાંચો: પર્થમાં પહેલા જ દિવસે ફાસ્ટ બોલર્સનું રાજઃ 217 રનમાં પડી કુલ 17 વિકેટ…
પર્થના ઑપ્ટસ સ્ટેડિયમની પિચ પર ઘાસ હતું એમ છતાં બુમરાહે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હશે. ભારતની વિકેટ ટપોટપ પડવા લાગી અને આખી ટીમ 150 રનમાં સમેટાઈ ગઈ એટલે બુમરાહના નિર્ણય વિશે ઘણા નારાજ થયા હશે, પરંતુ ત્યાર પછી ખુદ બુમરાહે ચાર વિકેટનો જે તરખાટ મચાવ્યો અને ઑસ્ટ્રેલિયાની ટીમે રમતના અંત સુધીમાં 67 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી એ જોતાં ઘણાને બુમરાહનો નિર્ણય ભૂલભરેલો નહીં લાગ્યો હોય.
આ પણ વાંચો: સિરાજ-લાબુશેન વચ્ચે મેદાન પર ચકમક, કારણ ખૂબ રસપ્રદ છે…
ફાસ્ટ બોલર્સને આ પિચ પર બહુ સારા ઉછાળ મળ્યા અને સીમ બોલર્સને પણ સીમની ધાર્યા જેવી મૂવમેન્ટ મળી. અનુભવી બૅટર્સ સારું રમવામાં ફ્લૉપ ગયા અને નીતિશ કુમાર રેડ્ડી જેવો પહેલી જ ટેસ્ટ રમી રહેલો ઑલરાઉન્ડર 87 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને 59 બૉલમાં એક સિક્સર તથા છ ફોરની મદદથી (ટીમ ઇન્ડિયાના તમામ 11 બૅટર્સમાં હાઈએસ્ટ) 41 રન બનાવવામાં સફળ રહ્યો. રિષભ પંતે પણ 145 મિનિટ સુધી ઑસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કરીને 78 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે 37 રન બનાવ્યા.
આ બધુ જોતાં, પહેલો દિવસ એકંદરે ભારતના નામે રહ્યો એમ કહી શકાય.
ભારતની ઇનિંગ્સ પૂરી 50 ઓવર સુધી પણ ન ટકી શકી અને 49.4 ઓવરમાં 150 રનના સ્કોર પર આખો દાવ સમેટાઈ ગયો હતો. જોકે ઑસ્ટ્રેલિયનો ભારતીય ટીમથી પણ ખરાબ રમ્યા. પૅટ કમિન્સની ટીમે 27 ઓવરમાં 67 રનમાં સાત વિકેટ ગુમાવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને