children wrongfully incarcerated successful  big  prisons successful  India (Representative Photo)

મુંબઈઃ અહીંની એક અદાલતે ૨૦૧૮ માં કેટલાક પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ પિતા-પુત્રની જોડીને એક વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે આવી ઘટનાઓ વધી રહી છે અને જાહેર સેવકો માટે તેમની ફરજ નિભાવવી મુશ્કેલ બની રહી છે.

એડિશનલ સેશન્સ જજ વી. એમ. સુંદલેએ ૧૪ ઓક્ટોબરે આપેલા ચુકાદામાં રુદ્રપાલ અગ્રવાલ (૬૦) અને તેના પુત્ર તુષાર (૨૯)ને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૩૫૩ (લોકસેવકને તેમની ફરજ બજાવવાથી રોકવા માટે ફોજદારી બળનો ઉપયોગ કરવો) અને ૩૩૨ (જાહેર સેવકને નુકસાન પહોંચાડવું) હેઠળ આચરવામાં આવેલા ગુના માટે દોષિત ઠેરવ્યા હતા.

ફરિયાદ મુજબ પંદરમી મે, ૨૦૧૮ના રોજ તેમના ભાઈ અશોક અગ્રવાલનો ડિસ્ટ્રેસ કોલ મળ્યા બાદ પોલીસ દક્ષિણ મુંબઈના કેમ્પ્સ કોર્નર ખાતે રૂદ્રપાલ અગ્રવાલના ઘરે ગઈ હતી ત્યાં પહોંચીને પોલીસે જોયું કે બંને ભાઈઓ અને તેમના પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો.

ટીમમાં સામેલ સબ-ઇન્સ્પેક્ટર વિનોદ કાંબલેએ કોર્ટ સમક્ષ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે તેમણે અને અન્ય કર્મચારીઓએ જોયું કે ઝઘડો વધી રહ્યો છે તેથી તેમણે બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓ અને અન્ય પરિવારના સભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો. તુષારે તેને થપ્પડ મારી હતી, જ્યારે અન્ય પરિવારના સભ્યોએ તેને અને અન્ય અધિકારીઓને ગાળો આપી હતી અને હુમલો કર્યો હતો.

કાંબલે ઉપરાંત, ફરિયાદ પક્ષે અન્ય આઠ સાક્ષીઓની જુબાની નોંધી હતી. અધિક સરકારી વકીલ રત્નાવલી પાટીલે દલીલ કરી હતી કે આરોપીઓએ ન માત્ર બાતમીદાર (કાંબલે) અને તેના સાથીદારોને તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં અવરોધ કર્યો હતો, પરંતુ તેમને ઇજાઓ પહોંચાડી હતી અને ફોજદારી ધાકધમકી પણ આપી હતી.

અદાલતે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી નિષ્કર્ષ પર આવી હતી કે આરોપીઓએ તેમના ઇરાદાને આગળ વધારવા માટે કાંબલે અને અન્ય પોલીસ અધિકારીઓને કાયદેસર રીતે તેમની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે અવરોધ ઉભો કર્યો હતો અને હુમલો કર્યો હતો.

ન્યાયાધીશે કહ્યું કે ફરિયાદ પક્ષે તેમનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો અને પિતા-પુત્રની જોડીને દોષિત ઠેરવ્યા હતા. તેઓને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે અવલોકન કર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ગુનાઓ વધી રહ્યા છે, જેના કારણે સરકારી કર્મચારીઓને તેમની ફરજો બજાવવામાં મુશ્કેલી પડી રહી છે. “તેમને સજાની જરૂર છે, જેથી વર્તમાન કેસ આવા અપરાધીઓને અટકાવવા માટે એક ઉદાહરણ તરીકે કામ કરી શકે,” કોર્ટે જણાવ્યું હતું.