ભુજ : ભુજના કુકમા ગામની ગ્રામ પંચાયતના આકારણી રજિસ્ટરમાં રહેણાંક મકાનની નોંધણી કરવા પેટે અરજદાર પાસેથી રૂપિયા બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયેલા કુકમા જૂથ ગ્રામ પંચાયતની મહિલા સરપંચના પુત્ર અને તલાટીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજની વિશેષ એસીબી કૉર્ટે ફગાવી દેતાં બંને આરોપીઓની કાયદાકીય મુશ્કેલીઓ વધી છે.
ગત ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પશ્ચિમ કચ્છની લાંચ રુશવત વિરોધી શાખાએ પોલીસ મથકમાં છટકું ગોઠવીને બંને આરોપીઓ વતી બે લાખની લાંચ લેતાં દાબેલીની લારી ચાલનારા નિરવ પરમારને ઝડપી પાડ્યો હતો. ફરિયાદીએ તેના મકાનની નોંધણી પંચાયતના આકારણી ચોપડે કરાવવવા માટે ૨૦ મે ૨૦૨૩ના લેખીત અરજી આપી હતી પરંતુ, તલાટી વાઘસિંહ તેજસિંહ વાઘેલા (ઉ.વ.૩૦, રહે. મૂળ લાખણી, બનાસકાંઠા) મકાનની ચોપડામાં ધરાર એન્ટ્રી કરતો નહોતો.
દોઢેક વરસ બાદ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ કુકમાની મહિલા સરપંચ રસીલા શિવલાલ રાઠોડના પુત્ર ઉત્તમ કે જે પોતે પણ ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયેલો છે તે ફરિયાદીને સામેથી મળ્યો હતો અને કામ થઈ જવાની ખાતરી આપીને ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેમાં બે લાખ નોંધ અગાઉ અને બે લાખ નોંધ થયા બાદ આપવા જણાવ્યું હતું.
ફરિયાદીએ એસીબીમાં જાણ કરીને આરોપીઓના કહેવા મુજબ તેણે બે લાખ રૂપિયા ગામના બસ સ્ટેન્ડ પાસે દાબેલીની લારી ચલાવતાં તેમના વચેટિયા નિરવ પરમારને આપ્યાં ત્યારે એસીબીએ નિરવ તથા વાઘસિંહને ઝડપી લીધાં હતાં. ઉત્તમ ભાગી ગયો હતો અને પાછળથી સામેથી હાજર થયો હતો.
લાંચનો આ કેસ ચાલી જતાં બચાવ પક્ષે કોર્ટરૂમમાં રજૂઆત કરી હતી કે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. વળી નિરવ પરમારને હાઈકૉર્ટે જામીન પર છોડી દીધો છે એટલે સમાનતાના સિધ્ધાંતના આધારે આ બંને જણ પણ જામીન પર છૂટવા હક્કદાર છે. જો કે, વિશેષ કૉર્ટના જજ શિલ્પાબેન કાનાબારે જણાવ્યું કે ગુનો સેશન્સ ટ્રાયેબલ છે અને દસ વર્ષની સજાને પાત્ર ગંભીર ગુનો છે.
Also read: સિપ્લાએ જેનેરિક દવાના ૧૮૦૦ બોક્સ અમેરિકાથી પાછા મગાવ્યાAlso read:
વડી અદાલતોએ દરેક કેસમાં પેરીટીના લૉને આંખો બંધ કરીને નહીં અનુસરવા સૂચના આપેલી છે. ગુનામાં તેમની ભૂમિકા જામીન મેળવનાર કરતાં જુદી છે. પ્રજાના સેવક છે તે મુદ્દો મહત્વનો છે અને એસીબી કોર્ટે બંનેના ગુનાને સમાજવિરોધી અને ગંભીર ગણાવી જામીન અરજી ફગાવી દેતાં હવે આરોપીઓ માટે હાઈકૉર્ટનો રસ્તો બાકી રહ્યો છે. ચાર્જશીટ પૂર્વે પણ જામીન અરજી કરેલી પરંતુ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કુકમામાં અગાઉ પણ મહિલા સરપંચ કંકુબેન વણકર તેના પતિ અમરત તથા મળતિયાઓ વતી લાંચ લેતાં ઝડપાઈ હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને