નવી દિલ્હી: દિલ્હીના ઉપ રાજ્યપાલે મુખ્ય પ્રધાન આતિશીના ભરપેટ વખાણ કર્યા છે. ઉપરાજ્યપાલ સક્સેનાએ એક ઈવેન્ટમાં આતિશીના વખાણ કરતા કહ્યું કે આજે હું ખુશ છું કે દિલ્હીના મુખ્ય પ્રધાન એક મહિલા છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તે તેના અગાઉના મુખ્ય પ્રધાન કરતા હજાર ગણા સારા છે. તેમણે નામ લીધા વિના જ કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચો: વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
કેજરીવાલનાં નામ લીધા વિના કટાક્ષ
ઉપરાજ્યપાલ વીકે સક્સેના ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વુમનના 7મા પદવીદાન સમારોહમાં ઉપસ્થતિ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે દિલ્હીના મુખ્ય પ્રધાન એક મહિલા છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તે તેના આગળના કરતા હજાર ગણા સારા છે.” નોંધનીય બાબત એ છે કે આ સમારોહમાં એલજીની સાથે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ હાજર હતા.
ગણાવી ચાર માર્ગદર્શિકાઓ
પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીનીઓને કહ્યું, ‘જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તમારી સામે ચાર માર્ગદર્શક બાબતો છે. પ્રથમ તમારી તમારી જાત પ્રત્યેની જવાબદારી છે, બીજી તમારા માતા-પિતા અને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી છે, જ્યારે ત્રીજી જવાબદારી છે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની, અને ચોથી જવાબદારી છે કે તમે તમારી જાતને એક સ્ત્રી તરીકે સાબિત કરો, જેણે લિંગ ભેદની દીવાલ તોડીને તમામ ક્ષેત્રોમાં અન્યોની બરાબરી કરી છે.
દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષનો દોર
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે નિયંત્રણ સહિતના ઘણા મુદ્દાઓ પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેજરીવાલે સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તેઓ જનતા પાસેથી ‘પ્રામાણિકતાનું પ્રમાણપત્ર’ માંગશે. ત્યારબાદ મુખ્ય પ્રધાન પદ પર આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને