અમદાવાદઃ તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકીય વિવાદો રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મનહર પટેલે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાએ કહ્યું હતું કે, સમય છે પાછા વળો ફાયદામાં રહેશો. કોંગ્રેસના નેતાએ આપેલ સલાહથી રાજકીય માહોલ ગરમાયો હતો.

કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો દબદબો

મળતી માહિતી અનુસાર, જેતપુર ભાજપના ડખા પર કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું હતું કે, ભાજપમાં જયેશ રાદડીયા પોતાના 2 ઉમેદવારોને ટીકીટ પણ અપાવી શક્તા નથી. મને યાદ છે અને હું સાક્ષી પણ છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોના કોરા મેન્ડેન્ટ મંગાવતા અને ખુદ ઉમેદવાર પસંદ કરતા હતા. કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાનો આ દબદબો હતો. આજે ભાજપના જયેશ રાદડિયા પોતાના 2 ઉમેદવારોને ટિકિટ પણ અપાવી શક્તા નથી અને સમાજ સામે ભાષણ કરો છો કે માયકાંગલાઓને નેતા ન બનાવો.

જેતપુરથી પણ હાથ ધોવાનો સમય આવી શકે

મનહર પટેલે વધુમાં કહ્યું હતું કે, 2019 માં પોરબંદરના લોકસભાના ઉમેદવારમાં જયેશ રાદડિયાનું ચાલ્યું ન હતું. આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં પણ ન ચાલ્યું. આ બંને કિસ્સામાં કમલમના રાજકીય સંકેત પડ્યા છે, અને આવનાર સમયમાં જેતપુર વિભાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે. મારી વાત સકારાત્મક લેશો અને સમય છે પાછા વળો ફાયદામાં રહેશો. મનહર પટેલનું આ નિવેદન જેતપુરમાં ટિકિટ ફાળવણી બાદ થયેલા વિવાદ બાદ બહાર આવ્યુ હતું.

પ્રશાંત કોરાટ જૂથનો વિવાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથનો વિવાદ વકર્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપવાનો મામલે બંને જુથ સામસામે આવી ગયા હતા. સુરેશ સખરેલીયા જયેશ રાદડિયાના નજીકના નેતા છે. પરંતુ સુરેશ સખરેલીયાની ટીકીટ પ્રશાંત કોરાટના કહેવાથી કપાઈ હોવાના આરોપો થઈ રહ્યા છે. સુરેશ સખરેલીયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા.

જામ કંડોરણા ખાતે આપ્યું હતું નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે જામ કંડોરણા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને કહ્યું હતું કે, મારૂં તીર સીધુ જ આવે વાંકુ ચુકુ ન હોય સીધું નિશાન ઉપર હોય. ત્યારે સુરેશ સખરેલીયાનું પત્તુ કાપવા ગાંધીનગરથી વિરોધીઓનું સીધું તીર આવ્યું છે. ગાંધીનગરથી છુટેલી તીર સીધું જયેશ રાદડિયા માટે હતું કે શું તેવી જેતપુરમાં ચર્ચા ઉઠી છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, અને અવનવી ચર્ચાઓ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને