Kohli-Sarfraz paired again successful  Bangalore aft  9  years Pic....PTI

બેન્ગલૂરુ: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 356થી પાછળ રહ્યા બાદ ભારતની ટીમે વળતી લડત આપી હતી અને સરસાઈ ઘટાડીને 125 રનની કરી નાખી હતી અને એનો શ્રેય વિરાટ કોહલી તથા સરફરાઝ ખાનની જોડીને જાય છે જેમણે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. જો કોહલી શુક્રવારની રમતના છેલ્લા બૉલમાં સ્પિનર ગ્લેન ફિલિપ્સને વિકેટ ન આપી બેઠો હોત તો આ મૅચમાં પરાજયથી બચવા ભારતની સંભાવના વધુ મજબૂત થઈ ગઈ હોત.

જે કંઈ હોય, પણ કોહલી અને સરફરાઝ 2015ની સાલ બાદ (નવ વર્ષે) ફરી એકવાર જોડીમાં રમ્યા અને ભારતીય ટીમને મોટી મુસીબતમાંથી બચાવી.
કોહલી-સરફરાઝ ક્રીઝ પર જોડીમાં ભેગા થયા ત્યારે બે વિકેટ 95 રન હતો અને રમતના અંતે કોહલી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર ત્રણ વિકેટે 231 રન હતો.
2015માં સરફરાઝ માંડ 15 વર્ષનો હતો અને તે બેન્ગલૂરુના આ જ મેદાન પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વતી કોહલીની જોડીમાં રમ્યો હતો.

સરફરાઝે ત્યારે રાજસ્થાન સામેની મૅચમાં 21 બૉલમાં અણનમ 45 રન બનાવીને સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. આરસીબીએ ત્યારે સાત વિકેટે 200 રન બનાવ્યા હતા. જોકે પછીથી મૅચ ન રમાતાં એ મુકાબલો અનિર્ણીત રહ્યો હતો, પરંતુ એક રન પર વિકેટ ગુમાવનાર એ સમયના આરસીબીના સુકાની કોહલીએ ત્યારે ડ્રેસિંગ-રૂમમાં સરફરાઝને બે હાથ જોડીને અને નીચા નમીને માનપૂર્વક આવકાર્યો હતો.
શુક્રવારે કોહલી-સરફરાઝે 136 રનની ભાગીદારી દરમ્યાન ખાસ કરીને ત્રીજા સત્ર દરમ્યાન ઝડપથી રન બનાવ્યા હતા.