નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કરેલા ચૂંટણી વાયદાને (election promise) લઈ આપેલા નિવેદન બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
શિયલ મીડિયા પર તબક્કાવાર પોસ્ટ (social media post) કરીને પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી વાયદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, કોંગ્રેસ પાર્ટીને હવે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખોટા વાયદા કરવા સરળ છે, પરંતુ તેને લાગુ કરવા મુશ્કેલ કે અશક્ય છે. દરેક પ્રચારમાં આ લોકો આવા વાયદા કરે છે, તેમને પણ ખબર હોય છે કે વાયદા ક્યારેય લાગુ થઈ શકશે નહીં. હવે તેઓ જનતા સામે ઉઘાડા પડી ગયા છે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
પીએમ મોદીએ લખ્યું- હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. ત્યાં વિકાસની દિશા અને આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. તેમની કહેવાતી ગેરંટીઓ અધૂરી છે, જે આ રાજ્યોની જનતા સાથે વિશ્વાસઘાત છે. આવી રાજનીતિથી ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓ પીડિત છે. તેમને ન માત્ર લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે પરંતુ ચાલુ સ્કીમ પણ નબળી પાડવામાં આવી રહી છે.
પીએમ મોદીએ કોંગ્રેસના વાયદા અને તેના કામકાજ પર સવાલ ઉઠાવતાં લખ્યું, કર્ણાટકમાં વિકાસ પર ધ્યાન આપવાને બદલે કોંગ્રેસ આતંરિક રાજકારણ અને લૂંટમાં વ્યસ્ત છે. એટલું જ નહીં ચાલુ યોજનાઓને પણ બંધ કરવા જઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં સરકારી કર્મચારીઓને સમય પર રોજગારી નથી મળી રહી તેલંગાણામાં ખેડૂતો દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. આ પહેલાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં કેટલાંક ભથ્થા આપવાનો વાયદો કર્યો હતો. જે પાંચ વર્ષ સુધી ક્યારેય લાગુ ન થયા. કોંગ્રેસના કામકાજના આવા અનેક ઉદાહરણ છે.
પીએમ મોદીએ લખ્યું, દેશની જનતાએ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવતાં ખોટા વાયદાથી સતર્ક રહેવું પડશે. આપણે તાજેતરમાં જોયું કે હરિયાણાની જનતા તેના ખોટા વાયદાને રિજેક્ટ કર્યા અને એક સ્થિર, પ્રગતિશીલ તથા કાર્યશીલ સરકારને પ્રાથમિકતા આપી હતી. કોંગ્રેસને મત આપવો એટલે કુશાસન, ખરાબ અર્થવ્યવસ્થા અને અભૂતપૂર્વ લૂંટને વોટ આપવા જેવું છે. ભારતની જનતા ખોટા વાયદા નહીં પણ વિકાસ અને પ્રગતિ ઈચ્છે છે.
ખડગે શું બોલ્યા હતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં તેમની જ સરકારે સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મફત બસ યોજનાની સમીક્ષા કરવાની વાત કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, પૂરા કરી શકાય તેવા જ વાયદા કરવા જોઈએ. ગેરંટીની જાહેરાત બજેટના આધાર પર કરવી જોઈએ. આ પહેલા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકાર શક્તિ ગેરંટી યોજનાની સમીક્ષા કરશે. આ યોજના અંતર્ગત રાજ્યમાં મહિલાઓને ફ્રી બસ મુસાફરીની સુવિધા મળે છે.