મહેસાણા : મહેસાણા(Mehsana)જિલ્લાના વિજાપુરમાં એક અજીબો ગરીબ ઘટના ઘટી છે. મુળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો યુવક ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો. જેની પરિવાર દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી. જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી બેસણું પણ કરી દીધું હતું. જોકે, બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા
અજાણ્યા મૃતદેહને ઓળખ કરાવી પરિવારને સોપ્યો
આ ઘટનાના ક્રમ મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતા એક પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહેતો હતો. 27મી ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી ક્યાંય ચાલી જતા પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરતા પરિવાર અમદાવાદ આવી મૃતદેહ જોઈ આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
બેસણા બાદ યુવક ઘરે આવતા પરિવાર વિસામણમાં મુકાયો
આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું. જોકે, 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોકી ઉઠયા હતા. સમગ્ર ઘટનામાં બ્રિજેશને જોતા પરિવાર દ્વારા અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિસામણમાં મુકાયો છે. ત્યારે સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
Also Read – Ahmedabad માં ઇસ્કોન પ્લેટેનિયમમાં મોડી રાત્રે ભીષણ આગ, એક મહિલાનું મોત
અંતિમ સંસ્કાર કર્યા એ લાશ કોની?
સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખવિધિ કરનાર પરિવારજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોની લાશ હતી તે પ્રશ્ન ઊભો થયો છે.