દુબઈઃ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની જે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે એનું સમયપત્રક નક્કી કરવા આઇસીસીની શુક્રવાર, 29મી નવેમ્બરે વર્ચ્યુઅલ મીટિંગ યોજાશે. ભારત આ સ્પર્ધામાં રમવા પોતાની ટીમ પાકિસ્તાન નથી મોકલવાનું એટલે ટાઇમટેબલ નક્કી કરવામાં વિલંબ થયો છે. બીસીસીઆઇનો દૃઢ આગ્રહ છે કે પાકિસ્તાને ગયા વર્ષના એશિયા કપની જેમ આ સ્પર્ધા પણ હાઇબ્રિડ મૉડેલ પર રાખવી જ જોઈશે એટલે ભારતની મૅચો પાકિસ્તાન સિવાયના અન્ય કોઈ દેશમાં રાખવી. જોકે પાકિસ્તાન બોર્ડ જીદ પકડીને બેઠું છે કે ભારતે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવી જ પડશે.
આ પણ વાંચો : ૨૦૨૫ ની આઇપીએલ માટે આ ટીમોના કૅપ્ટન નક્કી, અન્ય ટીમો માટે નામ ચર્ચાય છે…
જો આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડેલ પર રાખવા પાકિસ્તાન મજબૂર થશે તો ભારતની મૅચો યુએઇમાં (ખાસ કરીને દુબઈમાં) રમાશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પહેલી ડિસેમ્બરે આઇસીસીના ચૅરમૅનપદે સત્તારૂઢ થશે એના બે દિવસ પહેલાં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીના મુદ્દે આ બેઠક યોજવાનું છે.
જોકે અહીં સવાલ એ છે કે આઇસીસીના બોર્ડમાંથી વિદાય લઈ રહેલા ચૅરમૅન ગે્રગ બાર્કલે અને સીઇઓ જ્યોફ ઑર્લ્ડાઇસના કાર્યકાળ દરમ્યાન જ કેમ પાકિસ્તાનમાંની ચૅમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલવામાં ન આવ્યું? કેમ જય શાહ આઇસીસીનું અધ્યક્ષસ્થાન ગ્રહણ કરી રહ્યા છે છેક ત્યાં સુધી આ મુદ્દો કેમ લંબાવવામાં આવ્યો?
ભારત સરકારે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ભારતના ક્રિકેટર્સને પાકિસ્તાન નહીં જ મોકલવામાં આવે.
એવું મનાય છે કે જો પાકિસ્તાન હાઇબ્રિડ મૉડેલ સ્વીકારવા તૈયાર થાય તો એને નાણાકીય સવલત ઑફર કરવામાં આવશે. એવું મનાય છે કે પાકિસ્તાન બોર્ડને યજમાન તરીકેની ફી ઉપરાંત સાત કરોડ ડૉલર (આશરે 5.90 અબજ રૂપિયા) આપવામાં આવશે.
આ પણ વાંચો : આ માત્ર જીત નથી, જવાબ છેઃ વીરેન્દર સેહવાગ…
પાકિસ્તાને કરાચી, લાહોર અને રાવલપિંડીમાં સ્ટેડિયમોના રિનોવેશન પાછળ મસમોટો ખર્ચ કર્યો છે. 1996માં સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન થયું એ પછી પાકિસ્તાનમાં પહેલી જ વાર આઇસીસી ઇવેન્ટ યોજાવાની છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને