રાજકોટઃ સૌરાષ્ટ્રએ ચાર દિવસીય રણજી ટ્રોફી મૅચમાં દિલ્હીને માત્ર બે દિવસમાં ખરાબ રીતે હરાવી દીધું છે. અહીં આજે નિરંજન શાહ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રએ 10 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજો રવીન્દ્ર જાડેજા અને રિષભ પંત આ મૅચમાં રમ્યા હતા અને જાડેજા સુપરસ્ટાર સાબિત થયો, જ્યારે પંત સદંતર ફ્લૉપ રહ્યો. તે પહેલા દાવમાં એક રન અને બીજા દાવમાં 17 રન બનાવી શક્યો હતો. ખરેખર તો આ મૅચમાં `બે જાડેજા’ દિલ્હીની ટીમને સૌથી વધુ ભારે પડ્યા હતા. 36 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવનાર રવીન્દ્ર જાડેજાએ આ મૅચમાં કુલ 12 વિકેટ (પહેલા દાવમાં 66 રનમાં પાંચ અને બીજા દાવમાં 38 રનમાં સાત વિકેટ) લીધી હતી અને 34 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કુલ પાંચ વિકેટ (63 રનમાં ત્રણ અને બાવીસ રનમાં બે વિકેટ) લીધી હતી.
Also read: રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ: મુંબઈ સામે બરોડાને કેવી રીતે ‘ફાયદા હી ફાયદા’?
સૌરાષ્ટ્રને આજે જીતવા માત્ર 12 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને જયદેવ ઉનડકટના નેતૃત્વ હેઠળની આ ટીમે 3.1 ઓવરમાં વિના વિકેટે 15 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ગુરુવારે દિલ્હીએ બૅટિંગ લીધા બાદ 188 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રએ જવાબમાં ઓપનર હાર્વિક દેસાઈના 93 રન તથા અર્પિત વસાવડાના 62 રનની મદદથી 271 રન બનાવીને 83 રનની સરસાઈ લીધી હતી. દિલ્હી બીજા દાવમાં સરસાઈ તો ઉતારી શક્યું, પરંતુ 94 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને ફક્ત 12 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને