લખનઊઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લાગેલી આગમાં થયેલા નવજાત શિશુના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ખાતરી આપી હતી કે ઉત્તર પ્રદેશ સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને સહાય પૂરી પાડવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે.
Also read: ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત
શુક્રવારે મોડી રાત્રે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં લાગેલી આગને કારણે 10 શિશુના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વડા પ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં, પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે , “હૃદયદ્રાવક! ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. આમાં જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે” પીએમ મોદીએ ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આગની દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોના પરિવારજનોને રૂ. 50,000 આપવાની જાહેરાત કરી છે. દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનામાં મૃત્યુ પામેલા નવજાત બાળકોના માતા-પિતાને 5 લાખ રૂપિયાની સહાય અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી ઘાયલ બાળકોના પરિવારને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. યોગીએ ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને ડીઆઈજીને 12 કલાકની અંદર આ ઘટના અંગે રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
હોસ્પિટલમાં આગની ઘટના બાદ ઝાંસી પહોંચેલા નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે વોર્ડની ક્ષમતા માત્ર 18 બાળકની હોવા છતાં વોર્ડમાં કુલ 49 બાળકો હતા. એની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું. જૂનમાં મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. આ ઘટના કેવી રીતે બની અને શા માટે બની, તેનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ તેના વિશે કંઈક કહી શકીશું…
Also read: Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, કેનરા બેંકે હવે ત્રણ કંપની પર કરી આ કાર્યવાહી
સત્તાવાળાઓએ આગનું કારણ નક્કી કરવા અને જવાબદારીનું મૂલ્યાંકન કરવા માટે બહુ-સ્તરીય તપાસ શરૂ કરી છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે શુક્રવારે બપોરે પણ મશીનરીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી, જેને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા નજરઅંદાજ કરવામાં આવી હતી.