(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં નાણાં મંત્રાલયે સ્ટિમ્યુલસ પેકેજની વિગતો આપવા માટે આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે.
આ પરિષદમાં જાહેર અને ખાનગી વપરાશ વૃદ્ધિ માટેનાં પગલાં જાહેર કરવામાં આવે તેવા આશાવાદ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની અન્ય ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સતત ત્રણ સત્રમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ઘટાડાને બ્રેક લાગી હતી અને ટીન તથા નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા વધીને ટનદીઠ ૯૭૭૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં ખાસ કરીને ટીન અને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૮ વધીને રૂ. ૨૮૮૫ અને રૂ. ૧૪ વધીને રૂ. ૧૪૯૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં જે ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. ૮૬૮ અને રૂ. ૨૯૮, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૨૪૫, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૧૨ અને રૂ. ૫૭૩ તથા કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૮૦૧ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં એકંદરે માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૨૦ અને રૂ. એક ઘટીને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.