લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝન રિલીઝ થઈ એ પછી લોકોના પ્રતિસાદ અને મીમ્સ થકી એ ચર્ચામાં હતી. ત્યાં થોડા સમય અગાઉ મેકર્સે ત્રીજી સિઝનમાં લોકોએ મિસ કરેલા પાત્ર મુન્ના ત્રિપાઠીને સૂત્રધારનું સુકાન આપીને ડિલિટેડ સીન્સ-કાઢી નાખેલાં દ્રશ્યોનો બોનસ એપિસોડ બનાવીને દર્શકો સમક્ષ રજૂ કર્યો અને ફરી પાછા ‘મિર્ઝાપુર’ના મેકર્સ ચોથી સિઝન આવે એ પહેલાં એક નવી જાહેરાત લઈને આવ્યા છે. એ નવી જાહેરાત એટલે ‘મિર્ઝાપુર- ધ ફિલ્મ!’
વેબ શો તરીકે સફળ ‘મિર્ઝાપુર’ ૨૦૨૬માં ફિલ્મ તરીકે રિલીઝ થવાની છે. વેબ શો અને ફિલ્મની મુખ્ય કાસ્ટ સરખી છે. વેબ શો અને ફિલ્મની વાર્તામાં શું ફેરફાર હશે એની હજુ કોઈ જ ચોખવટ નથી. છેક ૨૦૨૬માં રિલીઝ છે એટલે એવું માની શકાય કે અહીં વેબ શોને જ રૂપાંતરિત કરીને તેને ફિલ્મનું સ્વરૂપ આપ્યાનો કિસ્સો નહીં હોય, પણ આ જાહેરાતથી વેબ શો કે વેબ સિરીઝ પરથી સિનેમાના અનેકવિધ સ્વરૂપોમાં થયેલા ખેડાણના રસપ્રદ કિસ્સા પર એક નજર કરવાનું મન જરૂર થાય…
પહેલું ઉદાહરણ આપણે વાત કરી જ છે તો વેબ શોને જ ફિલ્મમાં રૂપાંતરિત કર્યાનું લઈએ. ૨૦૨૦માં ઓટીટી પ્લેટફોર્મ ક્વીબી પર ‘ડાય હાર્ટ’ નામની એક્શન કોમેડી વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ હતી અને ૨૦૨૩માં તેની બીજી સિઝન ધ રોકુ ચેનલ પર રિલીઝ થઈ હતી. પહેલી સીઝનને સારો પ્રતિસાદ મળ્યો એટલે શોના મેકર્સે તેના પરથી ફિલ્મ બનાવી. ના, નવી વાર્તા કે નવેસરથી શૂટિંગ કરીને નહીં. વેબ શોમાંથી જ તેને ફરીથી ફિચર ફિલ્મની લેન્થમાં એડિટ કરીને તેને એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફેબ્રુઆરી ૨૦૨૩માં રિલીઝ કરવામાં આવી હતી. બીજી સીઝન પણ લોકપ્રિય થઈ તો તેને પણ મે-૨૦૨૪માં ફિચર ફિલ્મ તરીકે રિલીઝ કરવામાં આવી.
સિનેમાના માધ્યમ અને પ્રકાર વધવાથી દર્શકોને મજા પડે અને મેકર્સને કમાણી થાય એ માટેના આવા અનેક પ્રયોગો થતા રહે છે. એટલે જ્યાં વેબ સિરીઝના આવવાથી વાર્તાવિશ્ર્વમાં વધુ કોન્ટેન્ટ દર્શકોને મળે છે તો એ જ કોન્ટેન્ટ જેમને ટૂંકા સ્વરૂપે જોવું હોય એમને ફિલ્મ તરીકે પણ જોવા મળી જાય છે. ‘ડાય હાર્ટ’ની ત્રીજી સીઝનની પણ જાહેરાત થઈ ચૂકી છે એટલે તેના પરથી પણ એડિટ થઈને ફિલ્મ બનવાની શક્યતા પૂરી.
ભારતમાં પણ શો કે સિરિયલ પરથી ફિલ્મ બની હોય તેવી ‘મિર્ઝાપુર’ એકમાત્ર ઘટના નથી. અત્યંત લોકપ્રિય ધારાવાહિક ‘ખીચડી’ને પણ તેની ખ્યાતિના જોરે ફિલ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું યાદ છે ને? ૨૦૧૦માં આતિશ કાપડિયા દિગ્દર્શિત ‘ખીચડી: ધ મૂવી’માં પારેખ પરિવારને જ કેન્દ્રમાં રાખીને વાર્તા ઘડવામાં આવી હતી અને એ ફિલ્મ સફળ પણ સાબિત થઈ હતી. આ સાથે એ હિન્દી સિનેમા ઇતિહાસની પહેલી એવી ફિલ્મ બની હતી કે જે સિરિયલ પરથી બની હોય. ૨૦૧૦માં એ પ્રયોગ સાચે જ અનોખો ગણાયો હતો. આ ઉપરાંત ‘છોટા ભીમ’ ટીવી ધારાવાહિક બાળકોમાં તેની લોકપ્રિયતાના આધારે ખાસ્સી જોવાય છે. એ જ કારણસર બાળકોને પસંદ પડે એ માટે સિરિયલ પરથી અનેક એનિમેટેડ ફિલ્મ્સ પણ આજ સુધીમાં બની ચૂકી છે. આ વર્ષે મે મહિનામાં તો તેના પરથી લાઈવ એક્શન ફિલ્મ ‘છોટા ભીમ એન્ડ ધ કર્સ ઓફ દમયાન’ પણ આવી ચૂકી છે.
વેબ શો કે સિરીઝ પરથી માત્ર ફિલ્મ્સ જ બને છે તેવું નથી. ૨૦૨૧માં સાઉથ કોરિયન ડ્રામા સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ આવી હતી. વિશ્ર્વભરમાં દર્શકોને એ સિરીઝ ખૂબ જ પસંદ પડી હતી. એ વાતને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે તેના પરથી ફિલ્મ નહીં, પણ અન્ય એક રિયાલિટી શો પણ બનાવવામાં આવ્યો- ‘સ્કિવડ ગેમ: ધ ચેલેન્જ’. રિયાલિટી ટીવી શોના ઇતિહાસમાં એક શોમાં સૌથી વધુ એટલે કે ૪૫૬ પ્લેયર્સની ભાગીદારીનો નવો રેકોર્ડ પણ એ સાથે બન્યો. એક શોના ફોર્મેટમાંથી બીજો શો બન્યો હોય તેનું આ એક રસપ્રદ ઉદાહરણ છે. રિયાલિટી ટીવી શો તો ‘નેટફ્લિક્સ’ પર પ્રથમ ક્રમાંકે રહ્યો હતો અને એ જ કારણે તેની પણ બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે અને મૂળ સિરીઝની તો આવતા મહિને જ બીજી સીઝન રિલીઝ થઈ રહી છે.
ટીવી કે વેબ શોનો પણ એક ખાસ દર્શકવર્ગ દાયકાઓથી રહ્યો છે અને એ પણ જાતજાતના જોનરને પસંદ કરતો રહ્યો છે.
આજે જે ‘ડીસી’ કે ‘એમસીયુ’ સુપરહીરો ફિલ્મ્સ આટલી સફળ જઈ રહી છે તેના મૂળ પણ ટીવીમાં છે. એમાંની મોટાભાગની ફિલ્મ્સ પહેલા ટીવી પર આવી ચૂકી છે એ ખબર છે? ‘૮૦-૯૦‘ના દાયકાના અમેરિકન ટીવી શોઝ પર જરા નજર કરો તો તેમાં બેટમેન, સ્પાઇડરમેન, એરબેન્ડર, એવેન્જર્સ વગેરે નામ દેખાશે..
લાસ્ટ શોટ
અતિ પ્રચલિત કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ પરથી ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ (૨૦૨૧) એનિમેટેડ સિરીઝ અને ‘ટપુ એન્ડ ધ બિગ ફેટ એલિયન વેડિંગ’ (૨૦૨૨) એનિમેટેડ ટીવી ફિલ્મ બની છે!