મહેશ નાણાવટી
હાલમાં જે ‘ભુલભુલૈયા-થ્રી’ રિલીજ થઈ છે એના દિગ્દર્શક અનીસ બઝમીનો એક કિસ્સો છે. વાત એમ હતી કે એક કોમેડી ફિલ્મમાં ત્રણ-ત્રણ હીરો અને ત્રણ ત્રણ હીરોઈનો હતી, જેમાં એક સિનિયર મેલ ફિલ્મ સ્ટાર હતા, જેમને ‘ઈમ્પ્રોવાઈઝ’ કરવાનો નવો નવો શોખ ચડ્યો હતો.
Also read: ‘દમ મારો દમ’ ગીતના શૂટિંગ વખતે ખરેખર દમ માર્યો હતો ઝીનત અમાને
એ સ્ટારસાહેબનો એક નવાસવા એક્ટર સાથે એક સીન હતો. લેખિત સંવાદો અપાઈ ગયા હતા, છતાં પેલા સ્ટારસાહેબ રિહર્સલ કરતી વખતે નવા એક્ટરને શીખવાડી રહ્યા હતા કે ‘જ્યારે હું આમ બોલું, ત્યારે તું તેમ બોલજે, અને હું આમ કરું ત્યારે તું આ રીતે રિ-એક્શન આપજે… સીન જમ જાયેગા..બહુ મઝા આવશે.’
બિચારો નવોસવો એક્ટર ગભરાયા કરે કે માંડ માંડ મને રોલ મળ્યો છે, એમાં જો હું ડિરેક્ટર અનીસજીને પૂછ્યા વિના દોઢ ડ્હાપણ કરીશ તો મારે બે-ચાર ‘સાંભળવી’ પડશે. અનીસ બઝમી પાસે જઈને એણે ડરતાં ડરતાં ફરિયાદ કરી કે ‘પેલા મોટા સ્ટાર શૂટ વખતે મને આવું આવું કરવાનું કહે છે, હું શું કરું?’
અનીસજી કહે : ‘કૂલ.. ચિંતા ના કરીશ, એ સ્ટારે તને શીખવાડ્યું છે એવું જ કરજે, પછી હું જોઈ લઈશ.’
જ્યારે કેમેરા સામે સીનનું શૂટિંગ શરૂ થયું ત્યારે નવા એક્ટરે સ્ક્રિપ્ટ બહારનું બોલવાનું શરૂ કર્યું કે તરત આખા સેટ પર હાજર તમામ લોકોને સંભળાય એવા મોટા અવાજે અનીસજીએ ઘાંટો પાડ્યો:
‘કટ કટ કટ! અબે કિસ ગધે ને તુમ્હે ઐસા કરને કો બોલા હૈ?’
હવે પેલા મહાન સિનિયર સ્ટાર કયા મોઢે કહે કે એ ‘ગધેડો’ હું હતો?!
જૂના જમાનાના અદાકાર રાજકુમાર એમના ઘમંડી સ્વભાવ માટે જાણીતા હતા. એમનું પાણી શી રીતે ઊતર્યું એનો કિસ્સો તો ખરેખર ઊંચા લેવલનો છે. પ્રોડ્યુસર બીઆર ચોપરાની એ ફિલ્મ હતી ‘છત્તીસ ઘંટે’. એના દિગ્દર્શક હતા રાજ તિલક. ફિલ્મની સ્ટોરી એવી છે કે જેલમાંથી ભાગી છૂટેલા ત્રણ ખૂંખાર કેદી રાજકુમારના બંગલામાં ઘૂસી આવ્યા છે અને પોતાની માગણીઓ માટે રાજકુમારના પરિવારનો હોસ્ટેજ તરીકે ઉપયોગ કરે છે.
અહીં એક દૃશ્યમાં સુનીલ દત્તે સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ રાજકુમારની પીટાઈ કરવાની હતી, પણ રાજકુમાર સાહેબ ટણીમાં આવીને કહે ‘હમ એક થપ્પડ સે જ્યાદા માર નહીં ખાયેંગે,જાની… ! ’ ડિરેક્ટરે એમને સમજાવ્યા, પણ રાજકુમાર માને જ નહીં. છેવટે માત્ર એક જ થપ્પડ ખાધા પછી દૃશ્ય પૂરું કરવામાં આવ્યું.
જોકે ખરી મઝા એ પછી થઈ. શૂટિંગના ત્રણ ચાર દિવસ પછી ડિરેક્ટર રાજ તિલકે એક નવું દૃશ્ય સમજાવતાં રાજકુમારને કહ્યું કે, ‘અરે તમને દાંતમાં સખત દુ:ખાવો ઊપડ્યો છે. તમને આ ખૂંખાર લોકો નથી બહાર ડોક્ટર પાસે જવા દેતા, કે નથી બહારથી દવા લાવવા દેતા.. આવી હાલતમાં તમે જડબા ઉપર ગરમ પાણીમાં પલાળેલા ગાભા વડે શેક કરો છો… છતાં દુ:ખાવો મટતો નથી એટલે તમારી પત્ની (માલાસિંહા) તમને શેક કરી આપે છે. બસ, આટલા જ બે-ત્રણ શોટ છે.’
Also read: ટીવી-વેબ શોઝ પરથી થઈ રહ્યા છે સિનેમામાં અવનવા પ્રયોગ
આટલું અમથું દૃશ્ય શૂટ કરતી વખતે ‘અરેરે લાઈટ ગઈ… કેમેરામાં કંઈ તકલીફ લાગે છે… લેન્સ બદલીને ફરી શોટ લેવો પડશે…’ વગેરે બહાનાં કરી કરીને આ ‘દુ:ખાવા’ના અનેક શોટ્સ લીધા. ચાલો, એ તો પત્યું, પણ પછી જ્યારે આખી ફિલ્મ બની ત્યારે પરદા -પર શું જોવા મળ્યું?
સુનીલ દત્તે એક જ લાફો માર્યો… પછી રાતના સમયે એક આખું દર્દભર્યું ગાયન ચાલી રહ્યું છે, જેમાં વારંવાર રાજકુમાર પોતાના જડબાં ઉપર શેક કરી રહ્યા છે! ઈવન માલાસિંહા પણ દુ:ખી થઈને શેક કરવામાં મદદ કરે છે… મતલબ કે સુનીલ દત્તની એક જ થપ્પડ કેટલી મજબૂત હતી?! લો,જાની લેતા જાવ!
આ પ્રકારનો એક કિસ્સો ગુજરાતી ટીવી સિરિયલનો છે. ૧૯૮૫થી ૧૯૯૦ના ગાળામાં અમદાવાદ દૂરદર્શન ઉપર ઘણી ગુજરાતી સિરિયલો આવવા લાગી હતી. આવી જ એક સિરિયલ માટે મુંબઈ નાટ્ય જગતના એક જાણીતા કલાકાર શૂટિંગ માટે અમદાવાદ આવતા-જતા. એમણે એકાદ બે હિન્દી ફિલ્મોમાં પણ રોલ કરેલા એટલે એ પોતાનો ‘કોલર’ અધ્ધર રાખીને ચાલે. આ જ કારણસર એ કલાકાર સિરિયલમાં પોતાનો રોલ મોટો, દમદાર અને મહત્ત્વનો થાય એટલા માટે લેખક તથા દિગ્દર્શકને જાતજાતનાં સૂચન આપ્યા કરતા.
આ કલાકારને સીધા કરવા માટે ડિરેક્ટરે સાવ અલગ જ પેંતરો કર્યો. એક દિવસ જ્યારે મુંબઈના એ કલાકાર શૂટિંગ માટે પહોંચ્યા ત્યારે ઓલરેડી એક દૃશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં દીવાલ ઉપર એમનો હાર ચડાવેલો ફોટો છે અને સામે ઊભેલી વ્યક્તિઓ કંઈક એવા પ્રકારના સંવાદો બોલી રહ્યા છે કે ‘કાશ… આજે તમે જીવતા હોત તો… અરેરે…’ વગેરે.
આ જોઈને પેલા મુંબઈના કલાકાર તો ચમક્યા. એ પહોંચ્યા ડિરેક્ટર પાસે ‘આ બધું શું છે? હું ક્યારે મરી જાઉં છું? સ્ટોરીમાં આવું ક્યારે ઉમેરાયું?’
જોકે ડિરેક્ટરે કંઈ જવાબ જ ન આપ્યો. એ કંઈ બીજા જ કામમાં બિઝી થઈ ગયા એટલે આ કલાકાર આસિસ્ટન્ટ ડિરેક્ટર પાસે ગયા: ‘યાર, આ શું શૂટ કર્યું?’ આસિસ્ટન્ટ કહે છે: ‘મને એક્ઝેક્ટ ખબર નથી, પણ ડિરેક્ટર સાહેબે કહ્યું છે કે આવો એક સીન અત્યારથી શૂટ કરીને રાખો પછી જ્યારે જરૂર પડશે ત્યારે સિરિયલમાં ઉમેરી દઈશું!’
Also read: કવર સ્ટોરી: કરોડોની ભુલભુલૈયામાં બોલિવૂડ સિંઘમ નથી હોં…!
બસ, એ પછી આ મુંબઈના કલાકાર એમની ટાંગ અડાડતા બંધ થઈ ગયા કે ‘સાલું, મને ક્યાંક મારી’ ના નાખે!
‘ઓમ દર-બ-દર’ નામની કલ્ટ મુવી બનાવનારા ડિરેક્ટર કમલ સ્વરૂપ કહેતા હોય છે કે ‘યે એક્ટરો’ કો કભી ફિલ્મ કી સ્ક્રિપ્ટ નહીં દેની ચાહિયે. પૂછો ‘ક્યું? ક્યું કિ વો સબ રોલ કરના ચાહતે હૈ.’
તમે પૂછો કે સબ રોલ મતલબ, દૂસરે એક્ટરોં કે રોલ? તો કહે :
નહીં, ડિરેક્ટર કા રોલ- કેમેરામેન કા રોલ- રાઈટર કા રોલ… સબ રોલ કરના હોતા હૈ ઈન્હેં!’
વાત કેટલી સાચી છે એમની…