ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે તો પણ બહુ છે

2 hours ago 2

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જોરદાર જીત મેળવીને પ્રમુખપદ પર ફરી કબજો કર્યો છે. ભારતીય મૂળનાં કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે એવું મનાતું હતું પણ કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પ સામે નબળાં સાબિત થયાં છે. અમેરિકામાં ઈલેક્ટોરલ વોટ દ્વારા પ્રમુખપદની ચૂંટણી થાય છે ને તેમાં ૨૭૦ ઈલેક્ટોરલ મતો જીતનારા પ્રમુખ બને છે. ડોનલ્ડ ટ્રમ્પે ૩૦૦ જેટલા ઈલેક્ટોરલ વોટ મેળવીને સપાટો બોલાવી દીધો અને કમલાને કારમી પછડાટ આપી છે.

કમલા હેરિસ માંડ માંડ ૨૫૦ ઈલેક્ટોરલ વોટનો આંકડો પાર કરી શક્યાં છે. ડોનલ્ડ ટ્રમ્પ જીત્યા એટલે તેમના રનિંગ મેટ એટલે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ પણ જીતી ગયા છે તેથી ડોનલ્ડ ટ્રમ્પ અને જે.ડી. વેન્સની જોડી હવે પછી અમેરિકામાં ચાર વર્ષ સુધી શાસન કરશે એ નક્કી છે.

ભારતીય મીડિયાએ ડોનલ્ડ ટ્રમ્પની જીતને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રની જીત ગણાવી છે. ટીવી ચેનલો મોદીની ખુશામતખોરી અને પબ્લિસિટી કરવાની કોઈ તક છોડતી નથી તેથી અત્યારે પણ તેમણે તક ઝડપી લીધી છે પણ ડોનલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે વાપસી ભારત માટે બહુ સારા સમાચાર નથી. તેનું કારણ એ કે, ડોનલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીના મિત્ર હોઈ શકે છે પણ ભારતના મિત્ર નથી.

ભારતમાં મીડિયાનો એક વર્ગ ટ્રમ્પનું આગમન ભારત માટે ફાયદાકારક સાબિત થશે એવું કહી રહ્યો છે. તેમની દલીલ છે કે, ડોનલ્ડ ડ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્રમ્પ સાથે સારા સંબંધો રહ્યા છે. વડા પ્રધાન મોદી ને ટ્રમ્પ જેટલી પણ વખત મળ્યા છે એટલી વખત ખૂબ ઉત્સાહથી મળ્યા છે અને ટ્રમ્પ અનેક વખત વડા પ્રધાન મોદીના વખાણ પણ કરી ચૂક્યા છે. ટ્રમ્પ મોદીને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે તેથી ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં જ ભારતની આઈટી કંપનીઓ માટે રસ્તા ખૂલવાની સંભાવના છે.

જે લોકો આવી વાતો કરી રહ્યા છે એ લોકો કદાચ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં શું કરેલું તેની વાતો જાણીજોઈને ગૂપચાવી રહ્યા છે અથવા તો એટલા અજ્ઞાની છે કે તેમને ટ્રમ્પે શું કરેલું એ જ ખબર નથી. ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં ભારતને કનડવામાં કોઈ કસર છોડી નહોતી. ટ્રમ્પે એચવન-બી વિઝા પર કાપ મૂકીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં પ્રવેશની તકો ઓછી કરી નાખેલી. આ ઉપરાંત આઈટી પ્રોફેશનલ્સને અપાતા મિનિમમ વેજ એટલે કે લઘુતમ પગારની મર્યાદામાં વધારો કરીને પણ ભારતીય કંપનીઓને ફટકો માર્યો હતો.

ટ્રમ્પે ભારતને સૌથી મોટો ફટકો ભારતને જનરલાઈઝ્ડ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર મૂકીને માર્યો હતો. ભારત જીપીએસમાં હતું ત્યાં સુધી તેના માલ પર અમેરિકામાં કસ્ટમ્સ ડ્યૂટી નહોતી લાગતી પણ જીપીએસમાંથી બહાર કરાયું તેના કારણે ભારતીય ઉત્પાદનો પર કસ્ટમ્સ ડ્યૂટી લાગવા માંડી. ભારતનો માલ મોંઘો થઈ જતાં નિકાસ બંધ થઈ ગયેલી. ટ્રમ્પના પગલાને કારણે ભારતને વરસે ૫૦ અબજ ડૉલરનો ફટકો પડી ગયેલો. ટ્રમ્પે આ બધું કર્યું ત્યારે પણ એ ભારતના મિત્ર હતા જ ને મોદીનાં વખાણ કરતા જ હતા છતાં ટ્રમ્પે ભારત વિરોધી પગલાં ભરેલાં.

ટ્રમ્પ ફરી એ જ રીતે વર્તશે ને ભારતનાં હિતોને ફટકો મારશે જ કેમ કે ટ્રમ્પ નગુણા માણસ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રમુખ બને એ માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. મોદીએ ૨૦૨૦ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પને ફરી જીતાડવા ખુલ્લેઆમ પ્રચાર કરેલો. ૨૦૧૯માં મોદી અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો. એ વખતે હ્યુસ્ટનમાં ભારતીય અમેરિકનોએ મોદીના અભિવાદન માટે યોજેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભા જેવા કાર્યક્રમમાં ટ્રમ્પે મોદીને માંડ દસેક મિનિટ બોલવા દીધા હતા અને પોતાનો ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે ભાષણબાજી કરીને ભરપૂર પ્રચાર કર્યો હતો. મોદીએ પણ ટ્રમ્પને મત આપવા અપીલ કરી હતી. એનઆરજી સ્ટેડિયમમાં ૫૦ હજાર ઈન્ડિયન-અમેરિકનની હાજરીમાં ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ થયેલા કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પે મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. મોદીએ ટ્રમ્પને જીતાડવાની અપીલ કરતાં ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’ના નારા લગાવ્યા હતા.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને એક વર્ષની વાર હતી પણ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ આ રેલીથી કર્યા હતા. આ કાર્યક્રમના ચાર મહિના પછી ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કરીને ફરી ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો. મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં લગભગ સવા લાખ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ મોદીએ ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’ના નારા લગાવીને ખુલ્લેઆમ ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો.

અમેરિકાની ચૂંટણીમાં ૫૦ લાખ ભારતીયો ટ્રમ્પને મત આપે એ માટે આ બંને કાર્યક્રમો યોજાયેલા. મોદીએ ટીકાઓનો સામનો કરીને ટ્રમ્પને જીતાડવા મહેનત કરેલી પણ સાવ નગુણા ટ્રમ્પે ૨૦૨૪માં ફરી ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. ભારતની નિકાસને મોટો ફટકો મારનારા ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ભારત સામે ઝેર ઓકવામાં કોઈ કસર નહોતી છોડી. પોતે ફરી સત્તામાં આવશે તો ભારતને સીધું કરી નાખશે એવી ધમકી આપીને ટ્રમ્પે સાબિત કરેલું કે, તેમના માટે દોસ્તી કે બીજું બધું મહત્ત્વનું નથી પણ રાજકીય સ્વાર્થ જ મહત્ત્વનો છે.

ટ્રમ્પ અમેરિકા ફસ્ટની નીતિમાં માને છે તેથી અમેરિકાની નોકરીઓ પર અને સંશાધનો પર અમેરિકનોનો પહેલો અધિકાર છે એવું માને છે. ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયામાં સૌથી મોટી તાકાત બનાવવાનાં સપનાં જુએ છે. અમેરિકાના મનમાની કરવાના દિવસો પાછા આવે એવી ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષા છે. ભારત આ મહત્ત્વાકાંક્ષા આડે મોટો અવરોધ છે કેમ કે ભારત હવે પોતે મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાનાં હિતોનો ટકરાવ થશે એ નક્કી છે ને ટ્રમ્પની માનસિકતા પોતાને માફક ના આવે એવું કશું સહન કરવાની નથી. ટ્રમ્પની માનસિકતા જોતાં ભારતે ટ્રમ્પ પાસેથી બહુ આશા રાખવા જેવી નથી. ટ્રમ્પ ભારતને ફાયદો કરાવે એવું કશું ન કરે પણ ભારતને નુકસાન થાય એવું કંઈ ના કરે તો પણ બહુ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article