સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
કળા એ એક રીતે જોતાં ઉડાનનું ક્ષેત્ર છે. વિજ્ઞાનમાં જે અશક્ય ગણાય તેવી વાતને પણ કળા દ્વારા સ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ શકે. હજી સુધી ચંદ્ર પર ઘર બનાવવાનો વિચાર વિજ્ઞાનને નથી આવ્યો અથવા જો આવ્યો હોય તો કેવું બની શકે તે વિશે હજી સુધી કોઈ રૂપરેખા સર્વસ્વીકૃત નથી થઈ, પરંતુ જો કળાકારને કહેવામાં આવે તો કાલે જ તમારું ચંદ્ર પર ઘર તૈયાર થઈ જાય અને તે પણ સામે ચાર આંબાના ઝાડ સાથે. આમ તો સ્થાપત્યની રચનામાં કળા અને વિજ્ઞાનનો સમન્વય હોય, પણ ક્યારેક એમ જણાય છે કે કેટલાક પ્રકારના સપનાને પ્રતિબિંબિત કરવા માટે વિજ્ઞાનની મર્યાદાઓનો અમલ નથી થતો.
સ્થાપત્યના ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો હાથમાં લેવાનો `ક્રેઝ’ વધતો જાય છે. વાસ્તવમાં શક્ય ન હોય તેવી ધારણાઓ પર પણ કામ કરાય છે. આ પ્રકારના વિચારને વાસ્તવમાં અસ્તિત્વમાં લાવવા શક્ય નથી હોતા, તે છતાં પણ કેટલાક સોફ્ટવેરની મદદથી તેને વર્ચ્યુઅલ બનાવાય છે. એક રીતે જોતાં આ એક સારી સંભાવના છે. જે સ્થપતિ પાસે ગ્રાહક માટેના સંપર્ક ન હોય તેમની માટે આ એક સારી તક છે. અહીં જગ્યા પણ કાલ્પનિક હોય, ગ્રાહક પણ કાલ્પનિક ઊભો કરવામાં આવે, ભંડોળ કે સંસાધનો પણ માની લીધેલાં હોય અને ઉપયોગિતાનો પ્રકાર પણ સ્થાપિત પોતે જ નક્કી કરે.
વળી આ પ્રકારનાં મકાનો એવી જગ્યાએ સૂચિત કરવામાં આવે છે કે જ્યાં કાયદાકીય બંધનો ન હોય. સ્થપતિ માટે આ મોકળું મેદાન છે. જે રમત રમવી હોય તે, જેમ રમવું હોય તેમ, જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી રમાય અને કોઈ નિર્ણાયક ન હોય. આ જ પ્રકારની વિચારધારાને પરિણામે અસ્તિત્વમાં આવેલું આ એક કાલ્પનિક લાંબુ સૂચિત આવાસ છે જેના આકાર અને પ્રમાણમાપને કારણે તેને દરિયા કિનારે બનાવવાનું સૂચન છે.
મેક્સિકોના સ્થપતિ એન્ટોની ગિબ્બોન દ્વારા અહીં એક કોન્ક્રિટની પટ્ટીને વળ ચડાવી તેની નીચેની જગ્યામાં આવાસ નિર્ધારિત કરાયું છે. આ પટ્ટી નીચે જે પ્રમાણમાપમાં જે જગ્યા મળતી હોય તે મુજબ ત્યાં ઉપયોગિતા ગોઠવાઈ છે. સ્થાન આયોજન માટે અહીં મકાનના બે ભાગ બનાવાયા છે. વચમાં પ્રવેશની એક તરફ બેઠક વ્યવસ્થા અને રસોડા જેવા સામાન્ય ઓરડાઓ છે, જ્યારે બીજી તરફ શયનકક્ષ બનાવાયા છે. વચ્ચેના સ્થાનમાં બહાર બેસીને કોઈ અભિનય કે કલા પ્રસ્તુતિ જોઈ શકાય તેવી વ્યવસ્થા છે. અહીં અગાસીમાં પણ સ્પા તેમ જ ગરમ પાણીના કુંડ સૂચિત કરાયા છે. આ બધી જરૂરિયાતો સ્થપતિએ પોતાની જાતે નિર્ધારિત કરી છે. જોકે આ બધી જરૂરિયાત પરથી એમ તો સમજી જ શકાય કે આ આવાસ કોઈ અતિ ધનાઢ્ય કુટુંબ માટે હશે. આંટી ચઢાવાયેલ પટ્ટી પછી સ્થાન-નિર્ધારણ માટે પારદર્શક કે અપારદર્શક દીવાલોનો ઉપયોગ કરાયો છે.
આવું મકાન સ્વાભાવિક રીતે લાંબુ બનવાથી આંતરિક અવરજવર થોડી કઠિન બની જાય. કુટુંબના સભ્યો વચ્ચે પરસ્પર સાથે રહેવાની ભાવના પણ ક્યાંક ઓછી થતી જણાય. જો મકાનની હદ નિર્ધારિત કરી કમ્પાઉન્ડ વોલ ન બનાવવામાં આવે તો ગોપનીયતાના પણ પ્રશ્ન રહે. દરિયા કિનારાની ભેજવાળી આબોહવાના પ્રશ્નો તો ખરા જ. આ પ્રકારના આકારનું પ્રમાણમાપ યોગ્ય ન હોય તો વિશાળકાય જળચર પ્રાણી જેવું લાગે, પરંતુ આ આકાર માત્ર લંબાઈમાં જ વધી શકે તેમ હોવાથી તેમાં રૌદ્રતા ઊભરવાની સંભાવના નથી.
આ એક રોમાંચિત રચના છે. એમ જણાય કે દરિયામાંથી નીકળેલ વિશાળ આકાર – છીપની આસપાસ આવાસની જગ્યાઓ ગોઠવી દેવાઈ છે. એકવાર એમ જાણે કે અહીંયા કોન્ક્રિટની પટ્ટીએ જ જાતે ગતિ પકડી છે અથવા તો કોન્ક્રિટની પટ્ટીને પવનથી આપમેળે વળ ચડી ગયો છે. કોઈને એમ પણ લાગે કે દરિયાનાં પાણીના પ્રવાહમાં પહેલેથી વળ ચડી ગયેલો આ પદાર્થ દરિયા કિનારે આવીને ટકી ગયો.
જોવામાં રસપ્રદ જણાય એવી આ રચના છે. સ્થાપત્યમાં આવાસની રચનાના ક્ષેત્રમાં જાણે આ એક નવું આયામ સ્થાપિત કરે છે. કોન્ક્રિટને પણ એક નવા જ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરાયો છે. કોન્ક્રિટમાંથી જે ચીલાચાલુ ધાબા ભરવાનો અભિગમ છે તેની સામે અહીં એક પ્રકારની મૃદુતા સ્થપાઈ છે. આ આકારમાં જ `લય’ સમાઈ ગયો છે; અને તેથી જ અહીં `હાર્મની’-સંવાદિતાની અનુભૂતિ થઈ શકે. એમ બની શકે કે આ આવાસને તેમાં રહેવા કરતાં તેને દૂરથી જોવાનું વધારે પસંદ કરવામાં આવે.
આ રચનામાં પરિપક્વતા જણાતી નથી, માત્ર કલ્પના પ્રતિબિંબિત થાય છે. આવાસને લગતી સૂક્ષ્મ બાબતોનું અહીં વિવરણ નથી, માત્ર એક રસપ્રદ શેલ્ટર – આવરણ ઊભું કરી દેવાયું છે. આ પ્રકારની સૂચિત રચનાઓમાં થતું હોય છે તેમ,આ વિચાર યોગ્ય રીતે પૂર્ણતામાં પ્રયોજાયો નથી. સ્થાપત્યમાં જ્યારે નવા વિચારો – નવા પ્રયોગોને અજમાવવામાં આવે ત્યારે આ પ્રયોગમાં ઊભા થતા પ્રશ્નો ચીવટતાથી ઉકેલવા પડે, પણ એમ નથી થતું. એક રોમાંચક મૂળ વિચારને જ કૉમ્પ્યુટરથી વાસ્તવિક લાગે તેવો બનાવી, તે વિચારનું જાણે માર્કેટિગ ચાલુ થઈ જાય છે. આ પ્રકારના પ્રયોગોને વાસ્તવિક સ્તર સુધી લઈ જવાની જરૂર છે.
પ્રયોગો ચોક્કસ થવા જોઈએ. આજની વ્યાપારીકરણની દુનિયામાં કયો નવો પ્રયોગ ક્યારે `ક્લિક’ થઈ જાય તે કહેવાય નહીં. પ્રયત્નો તો જરૂરી છે. ઉત્સાહી યુવાન સ્થપતિ આવા પ્રયોગો કરતા રહે તે જરૂરી છે. આવાસ માટે ચોક્કસ રીતે ન કહી શકાય, પરંતુ દરિયા કિનારે રેસ્ટોરન્ટ બનાવવાની હોય કે કોઈ ડિસ્પ્લે સેન્ટર બનાવવાનું હોય તો આ પ્રકારની રચનાનો ચોક્કસ ઉપયોગ થઈ શકે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને