ઠરાવ પસાર કરવાથી કલમ ૩૭૦ પાછી ના આવે

2 hours ago 1

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કલમ ૩૭૦નો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો અને ભાજપ સિવાયના બધા પક્ષોએ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની વાતો કરી હતી. ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને કાશ્મીરમાં બિન ભાજપી એવા નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકાર રચાઈ એ સાથે જ કલમ ૩૭૦ની નાબૂદીનો મુદ્દો ફરી ગાજ્યો છે કેમ કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાએ રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ આપતી કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપી વગેરે તો આ ઠરાવના સમર્થનમાં છે જ પણ અપક્ષ ધારાસભ્યો શેખ ખુર્શીદ અને શબ્બીર કુલે, પીસી ચીફ સજ્જાદ લોને પણ આ ઠરાવને ટેકો આપ્યો હતો.

વિધાનસભામાં આ ઠરાવ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સૂરીન્દર ચૌધરીએ રજૂ કર્યો હતો. ભાજપે વિરોધ કરીને ધમાલ મચાવી દેતાં વિધાનસભામાં આ મુદ્દે જોરદાર ઘમાસાણ થયું. આ ઠરાવનો ભાજપના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો, ભાજપના ધારાસભ્યોએ પ્રસ્તાવની નકલો ફાડી નાખી અને વેલ નજીક જઈને નારેબાજી પણ કરી પણ બહુમતી બિન-ભાજપ ધારાસભ્યોની છે તેથી અંતે ઠરાવ પસાર થઈ ગયો. ઠરાવ પસાર થઈ ગયા પછી ભાજપના ધારાસભ્યોએ બેન્ચ પર ચઢીને હોબાળો કર્યો. આ હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

પણ વિધાનસભા સ્પીકર અબ્દુલ રહીમ રાથરે પ્રસ્તાવ પર વોટિંગ કરાવીને પ્રસ્તાવ બહુમતથી પાસ કરી દેવાયાનું જાહેર કરી દીધું. જમ્મુ અને કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ પુન:સ્થાપિત કરવા માટેના ઠરાવમાં લખવામાં આવ્યું છે કે, વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટી મહત્ત્વપૂર્ણ છે. બંધારણીય કલમ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરે છે.

વિધાનસભા તેના એકપક્ષીય હટાવવા પર ચિંતા વ્યક્ત કરે છે. ભારત સરકારે રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને મુદ્દે જમ્મુ અને કાશ્મીરના પ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. તેના બંધારણીય પુન:સ્થાપન પર કામ કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા એ વાત પર ભાર મૂકે છે કે આ પુન:સ્થાપન રાષ્ટ્રીય એકતા અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છાઓ બંનેને ધ્યાનમાં રાખીને થવું જોઈએ.

ભાજપે વિધાનસભાની બહાર પણ આ મુદ્દો ગજવ્યો છે અને કાર્યકરોએ પોતાના કાર્યાલયમાં ભેગા થઈને જમ્મુ-કાશ્મીર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સૂરીન્દર ચૌધરીનાં પૂતળાં પણ બાળ્યાં હતાં. ભાજપે ડેપ્યુટી સીએમ સૂરીન્દર સિંહને ‘જમ્મુના જયચંદ’ ગણાવીને તેમને સૌથી વધારે ટાર્ગેટ કર્યા છે.

ભાજપનો આક્ષેપ છે કે, સ્પીકરે મંગળવાર ને પાંચ નવેમ્બરના રોજ મંત્રીઓની બેઠક બોલાવીને પોતે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને બંધારણની ઉપરવટ જઈને વર્ત્યા છે. ભાજપની આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી કેમ કે સ્પીકરની ચેમ્બરમાં શું થયું એ કોઈને ખબર નથી પણ ભાજપના ધારાસભ્યોના આક્ષેપો સામે સ્પીકર અબ્દુલ રહીમ રાથેર પણ આક્રમક મૂડમાં છે. રાથેરે પડકાર ફેંક્યો છે કે, તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવો. રાથેરને ખબર છે કે, ભાજપ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે તેમ નથી ને લાવે તો પણ એ દરખાસ્ત પસાર થઈ શકે તેમ નથી.

ખેર, એ મુદ્દો અલગ છે ને મૂળ મુદ્દો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ઠરાવથી શું થાય તેનો છે. ભાજપે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, નેશનલ કોન્ફરન્સ સરકાર જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કેમ કે કોઈપણ વિધાનસભા કલમ ૩૭૦ અને ૩૫અ પાછી લાવી શકે તેમ નથી.

ભાજપની વાત સો ટકા સાચી છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ હવે કોઈ પણ સજોગોમાં પાછી લાવી શકાય તેમ નથી. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી પર સંસદે મંજૂરીની મહોર મારી દીધી પછી સુપ્રીમ કોર્ટે પણ મંજૂરીની મહોર મારી દીધી છે. આ સંજોગોમાં કલમ ૩૭૦ની નાબૂદી પર બંધારણીય મંજૂરીની મહોર મારી ગઈ છે. હવે કોઈ ઉપરથી નીચે થઈ જાય તો પણ કલમ ૩૭૦ પાછી આવવાની નથી. આ વાત કોંગ્રેસ પણ સ્વીકારી ચૂકી છે ને કાશ્મીરના પ્રાદેશિક પક્ષો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ તેમનાથી આ મુદ્દો છોડાય તેમ નથી તેથી હોહા કર્યા કરે છે.

નેશનલ કોન્ફરન્સ સહિતના પ્રાદેશિક પક્ષો કલમ ૩૭૦ પાછી લાવવાની વાતો ભલે કરે પણ તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે કાશ્મીરમાં કોઈ કલમ ૩૭૦ પાછી લાવી શકવાનું નથી. એ લોકો એવી માગણી કરે તેમાં કશું ખોટું પણ નથી. ભારતના બંધારણના દાયરામાં રહીને કરાતી કોઈ પણ માગણી કરવાનો તેમને અધિકાર છે પણ કલમ ૩૭૦ પાછી લાવવાનું સંસદના હાથમાં છે ને આ દેશની સંસદમાં કદી ૩૭૦ પાછી લાવવાની તરફેણ કરનારા સાંસદોની બહુમતી થવાની નથી.

નેશનલ કોન્ફરન્સની સરકાર માટે પણ આ રાજકીય અસ્તિત્વનો મુદ્દો છે. નેશનલ કોન્ફરન્સે વિધાનસભાની ચૂંટણીમાં આ વચન આપ્યું હતું. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટે શપથ લીધા પછી સૌથી પહેલાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ શનિવારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેતાં હવે કેન્દ્રની કોર્ટમાં બોલ છે.

સત્તા મળ્યા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે ઓમરની સરકારે પહેલ કરી પણ કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાના મુદ્દે કશું ના કર્યું. વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાની સરકારે કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાનો ઠરાવ પસાર ના કર્યો તેને મહેબૂબા મુફતીની પીડીપીએ મુદ્દો બનાવી દીધો છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં બહુ જલદી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાઈ જશે એવું લાગે છે પણ કાશ્મીર માટે મોટો મુદ્દો કલમ ૩૭૦નો છે. હવે નેશનલ કોન્ફરન્સની સરકાર ૩૭૦મી કલમને મુદ્દે કોઈ નિર્ણય ના લે અને વિધાનસભામાં ઠરાવ પસાર ના કરે તો ટીકાને પાત્ર બને તેથી ઓમરની સરકારે વિધાનસભામાં ઠરાવ પસાર કરી દીધો પણ ઠરાવ પસાર કરવાથી કલમ ૩૭૦ પાછી નથી આવવાની.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article