(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિ વિષયક બેઠક પૂર્વે ફોરેકસ ટ્રેડરોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ખાસ કરીને ઈક્વિટી માર્કેટમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો તેમ જ સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં ડૉલર સામે રૂપિયો બે પૈસાના સુધારા સાથે ૮૪.૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૧૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૪.૧૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૧૩ અને ઉપરમાં ૮૪.૦૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૪.૦૯ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે અમેરિકાની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી અને ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે સત્ર દરમિયાન રૂપિયો ૮૪.૧૩ની નવી નીચી સપાટી સુધી પહોંચ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળતાં રૂપિયાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. તેમ છતાં હાલના વૈશ્ર્વિક પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૯૫થી ૮૪.૩૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. દરમિયાન ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૩૨૯.૭૯ કરોડની ચોખ્ખી વેચવાલીના અહેવાલ ઉપરાંત આજે વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૩ ટકા વધીને બેરલદીઠ ૭૫.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૯૪.૩૯ પૉઈન્ટનો અને ૨૧૭.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટીને ૧૦૩.૭૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.