મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સ વધીને એક વર્ષની ટોચ આસપાસ પહોંચવાની સાથે અમેરિકી ટ્રેઝરની યિલ્ડમાં પણ જળવાતી આગેકૂચ તેમ જ સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં સત્રના અંતે આગલા બંધથી વધુ સાત પૈસા ઘટીને ૮૪.૪૬ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
Also read: આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટની એયુએમ ₹ ૫૦,૪૯૫.૫૮ કરોડની સપાટીએ
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૩૯ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૪.૪૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૪૭ અને ઉપરમાં ૮૪.૩૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસા ઘટીને ૮૪.૪૬ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગઈકાલે અમેરિકાના ઑક્ટોબર મહિનાના ફુગાવામાં ૦.૩ ટકાનો વધારો થતાં ૩.૩ ટકાના સ્તરે રહ્યો હતો. અને ડૉલર ઈન્ડેક્સમાં ૧૦૭.૫૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી જણાઈ રહી હોવાથી સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ૮૫ સુધી નબળો પડે તેવી શક્યતા વ્યક્ત કરતા બીએનપી પારિબાસનાં ફંડામેન્ટલ કરન્સી ઍન્ડ કૉમૉડિટીઝ વિભાગના એસોસિયેટ વાઈસ પ્રેસિડૅન્ટ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું.
Also read: SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ અસર
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૧૦.૬૪ પૉઈન્ટનો અને ૨૬.૩૫ પૉઈન્ટનો ઘટાડો આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૦૨.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૩ ટકા વધીને ૧૦૬.૮૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૦૩ ટકા વધીને બેરલદીઠ ૭૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.