દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં MSME કરોડરજજુ સમાન : વડોદરામાં CM પટેલ

2 hours ago 1

વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રિય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ દરમિયાન તેમણે જણાવ્યુ છે કે, દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં એમએસએમઇ કરોડરજજુ સમાન છે. એમએસએમઇ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા સરકારનો સર્વગ્રાહી પ્રયાસ છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને કટીબધ્ધ બનવા તેમણે હાકલ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રોમાં ખુબ મોટુ પરિવર્તન આવ્યુ છે. ભારતમાં અનેક ક્ષેત્રોમાં નવા દ્વાર ખુલ્યા છે.વડાપ્રધાનએ ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે. કૃષિ, સેવા અને ઉદ્યોગ ત્રણેય સેકટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતની રાષ્ટ્રહિતની ભાવનાને પ્રોત્સાહન મળ્યુ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન છે, જે આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે. ઉદ્યોગ વિકાસ, રાષ્ટ્ર વિકાસ માટેના સામુહિક મંથન માટે લઘુ ઉદ્યોગ ભારતીનું આ સંમેલનનું આયોજન અભિનંદનીય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતની આયાત ઘટે અને નિકાસ વધે તે માટે દેશમાં એમએસએમઇ ઉદ્યોગ, ઇઝ ઓફ ડુંઇંગ બિઝનેસ અને તેના માટે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.તાજેતરમાં મેઇક ઇન ઇન્ડિયાને દસ વર્ષ પૂર્ણ થયા છે. દસવર્ષમાં ભારત મેન્યુફેકચરીંગ અને ઇનોવેશનનું પાવર હાઉસ બન્યુ છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. સ્પેસથી લઇ સેમીકંડકટર અને ઇલેકટ્રોનિક થી લઇને ઇલેકટ્રીક વાહન જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધવા સાથે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેકચરર પણ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કલસ્ટર આધારિત વિકાસ અને વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ નીતિને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. ભારતને કલા વિરાસતમાં મળેલી છે.આ કલા કસબને વિકસાવવા લઘુ ઉદ્યોગ ભારતી આવા કલસ્ટરોને ફરી બેઠા કરવા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે. લઘુ ઉદ્યોગ ભારતી અને તેની સાથે જોડાયેલા તમામ દેશની વિકાસયાત્રાના સૌ સહભાગી બની રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતુ.
તેમણે ઉમેર્યુ કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રબળ બની રહી છે. રાષ્ટ્રહિતની ભાવના સાથે દેશમાં ઉત્પાદન વધે, રોજગારીનું સર્જન થવા સાથે સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે તે માટે લઘુ ઉદ્યોગ ભારતી કામ કરી રહી છે. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતમાં અગિયાર હજારથી વધુ ફાઇલો સાથે તમામ જિલ્લાઓમાં કાર્યરત છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશિતાના પરિણામે આજે દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન મળ્યુ છે. તેના કારણે નવી ટેકનોલોજીનો સંચાર વધ્યો છે. દેશમાં સંશોધિત થયેલ ટેકનોલોજીને કઇ રીતે નાના અને મધ્યમ ઉદ્યોગ સાથે જોડી શકાય તે ખુબ જરૂરી છે. નૂતન ટેકનોલોજીના કારણે નાના ઉદ્યોગની ઉત્પાદકતામાં સકારાત્મક અસર પડે છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ દિશામાં વધુ કામ થાય તો નાના ઉદ્યોગોને ખુબ મોટા લાભ થશે.એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, આજે પ્રધાનમંત્રી નું લક્ષ્ય મેઇક ઇન ઇન્ડિયા, મેઇક ફોર ધ વ૯ર્ડ છે. આપણે હવે વિશ્વનું બજાર સર કરવાની દિશામાં આગળ વધવાનું છે. વિશ્વની હરિફાઇમાં ટકવા માટે પ્રધાનમંત્રીએ જીરો ઇફેકટ જીરો ડિફેકટનો મંત્ર આપ્યો છે. લઘુ ઉદ્યોગ ભારતી આ દિશામાં એમએસએમઇને વધુ ઇકો ફ્રેન્ડલી અને ગુણવતાયુકત ઉત્પાદન કઇ રીતે વધે તે માટે માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવે તે સમયની માંગ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશભરમાં અસરકારક નીતિઓના કારણે એમએસએમઇ ઉદ્યોગ માટે સુદ્દઢ ઇકો સીસ્ટમ ઉભી થઇ છે તેમ જણાવતા, તેમણે કહ્યુ કે, ગુજરાત મૂડી રોકાણ માટે દેશના મોસ્ટ ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતમાં સુદ્રઢ આંતર માળખાકીય સુવિધાઓ, પ્રોગ્રેસીવ પોલીસી અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પ્રતિબધ્ધતાના કારણે એમએસએમઇ સેકટર વેગવંતુ બન્યુ છે.
ગુજરાતમાં સેકટર આધારિત નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઉત્તમ માનવબળની ઉપલબ્ધતા, ઉત્તમ કાયદો વ્યવસ્થા પણ એમએસએમઇ સેકટરને વેગ આપી રહ્યા છે.

વડાપ્રધાનની ત્રીજી ટર્મમાં દેશ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ વર્ષે રૂ. 48 લાખ કરોડનું બજેટ જાહેર થયું છે. આ બજેટમાં એમએસએમઇને મજબુત કરીને રોજગાર સર્જન ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.
કેન્દ્રિય બજેટમાં એમએસએમઇ સેકટર માટે જાહેર કરવામાં આવેલ નીતિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે જણાવ્યુ કે, ભારત ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઇ રહ્યુ છે, ત્યારે નવા ક્ષેત્રોમાં ખાસ કરીને ઉભરતા ક્ષેત્રોમાં સંભાવનાઓ વધી રહી છે. જેને કારણે નવા ઉદ્યોગો, નવા સ્ટાર્ટ અપ માટેના અનેક માર્ગો ખુલશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજય સરકાર સેકટર આધારિત ઉદ્યોગોને બળ આપી રહી છે. લઘુ ઉદ્યોગ ભારતી એમએસએમઇને રાજય સરકારની નીતિઓથી માહિતગાર કરીને લઘુ ઉદ્યોગો સરકારની નીતિનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. એમએસએઇના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર હંમેશા આપની સાથે છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો. લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઓઝાએ જણાવ્યું કે દેશના જી.ડી.પી. માં એમ.એસ.એમ.ઇ. નું 35 ટકા જેટલું યોગદાન રહ્યું છે. આજે એમ.એસ.એમ.ઇ. થકી ગુજરાતે વિકાસનો માર્ગ અપનાવી લીધો છે. લઘુ ઉધોગ ભારતી સંગઠન અંતર્ગત ઉધોગ સાહસિકો વિકાસ પામી શકે તે માટે ૫૦ ઉધોગ સાહસિકો સાથે મળીને 1994 માં શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના 490જિલ્લાના ૫૫ હજાર કરતાં વધુ ઉધોગ સાહસિકોને જોડીને લઘુ ઉધોગ ભારતી એક વિશાળ વટવૃક્ષ બન્યું છે.

લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે લઘુ ઉદ્યોગ ભારતી બીજા સંગઠનો સાથે હરીફાઈ નહિ પરંતુ સમન્વય કરી એકબીજાનો વિકાસ કરતું સંગઠન છે. આ સંગઠનમાં મહિલાઓ પણ સશક્ત બને અને અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપે તે માટે ઉધોગ સાહસી મહિલાઓના ઉત્પાદ ને ‘સ્વયં સિદ્ધા’ પ્રદર્શન મેળા થકી બજાર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ગ્રામશિલ્પી કાર્યો પણ વેગવંતા બને તે માટે ઉધોગ સાહસિકોને મદદ કરી રહ્યું છે. સ્વાવલંબી અભિયાન થકી દરેક જિલ્લામાં તેમના સંગઠનના કાર્યાલય બને અને દરેક લઘુ ઉદ્યોગની સંગઠન સહાયતા કરી શકે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે વોટર ઓડિટમાં પણ ભારત સરકાર સાથે મળીને ખુબજ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારની સી.એસ.આઇ.આર. સંસ્થા સાથે કરાર કરીને લઘુ ઉદ્યોગ માટે જરૂરી ટેક્નોલોજીની આપલે પણ કરવામાં આવી છે જેના થકી દેશના અનેક ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article