પર્થઃ દિલ્હીના બાવીસ વર્ષીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શુક્રવારે પહેલી વાર ભારત વતી રમવાની શરૂઆત કરી ત્યારે તે ખૂબ ભાવુક હતો અને આ ડ્રીમ-ડેબ્યૂ તેણે તેના પિતા પ્રદીપ રાણાને અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : ભારતના સરસાઈ સહિત 218 રન, વિજયી શ્રીગણેશનો પૂરો મોકો
આઇપીએલમાં 2024ની ચૅમ્પિયન ટીમ કોલકાતા વતી રમી ચૂકેલા હર્ષિતે પર્થની ટેસ્ટના પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ (11 રન), મિચલ સ્ટાર્ક (26 રન) તથા નૅથન લાયન (પાંચ રન)ની વિકેટ લીધી હતી અને કૅપ્ટન જસપ્રીત બુમરાહ (30 રનમાં પાંચ વિકેટ) તેમ જ હર્ષિતના આ સુપર પર્ફોર્મન્સની મદદથી જ ભારત કાંગારૂઓને 104 રન સુધી સીમિત રાખીને 46 રનની લીડ લઈ શક્યું હતું.
હર્ષિતે એક મુલાકાતમાં કહ્યું છે, હું ભારત વતી રમું એવું સપનું મેં અને મારા પપ્પાએ 13 વર્ષ પહેલાં જોયું હતું અને એ સપનું હવે સાચું પડ્યું છે. એટલે હું આ ડેબ્યૂ મારા ડૅડીને અર્પણ કરું છું. હેડ-કોચ ગૌતમ ગંભીર મને હંમેશાં કહેતા હતા કે તું ધીરજ રાખ, તારો સમય જરૂર આવશે જ અને એ સમય આવે ત્યારે દેશ વતી શ્રેષ્ઠ પર્ફોર્મ કરવા પૂરતો પ્રયત્ન કરજે. મારા ડૅડી પણ મને હંમેશાં કહેતા કે તું ક્યારથી ભારત વતી રમીશ એની ચિંતા ન કર, કારણકે ઈશ્વરે જે દિવસ નક્કી કર્યો હશે એ દિવસ મોડા વહેલો આવશે જ. એ બાબતમાં બહુ લાંબો વિચાર ન કર.’ હર્ષિત રાણાએ ક્રિકેટલક્ષી જાણીતી વેબસાઇટને મુલાકાતમાં એવું પણ જણાવ્યું કેભારત વતી રમવાનો (પર્થની ટેસ્ટમાં) એ દિવસ આવી ગયો એની પાછલી રાત્રે મને ઊંઘ જ નહોતી આવતી. મૅચ પહેલાં હું થોડો નર્વસ થઈ ગયો હતો અને મને ઇન્ડિયા કૅપ સોંપવામાં આવી ત્યારે મારે જે થોડી સ્પીચ આપવાની આવી ત્યારે હું રડી પડ્યો હતો અને મારી આંખોમાં હર્ષનાં આંસુ સમાતા નહોતા.
આ પણ વાંચો : IND vs AUS: ‘હું તારાથી ફાસ્ટ બોલિંગ કરું છું…’ મિચેલ સ્ટાર્કે હર્ષિત રાણા આવું કેમ કહ્યું?
હર્ષિતે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 10 મૅચમાં 43 વિકેટ તેમ જ આઇપીએલ સહિતની કુલ પચીસ ટી-20 મૅચોમાં 28 વિકેટ લીધી છે. તે 500થી વધુ રન પણ બનાવી ચૂક્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને