એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
વિક્રમ સંવત ૨૦૮૦ સમાપ્ત થઈ ગયું. ગુરૂવારે દિવાળી હોવાથી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હતો, શુક્રવારે પડતર દિવસ હતો ને શનિવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યું છે.
ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરે છે પણ હિન્દુ કેલેન્ડર બહુ પ્રચલિત નથી. આપણે વરસો સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા તેથી જાન્યુઆરીથી ડિસેમ્બરનું ૩૬૫ દિવસનું અંગ્રેજી કેલેન્ડર સૌને મોંઢે થઈ ગયું છે. નાના છોકરાને પણ પૂછો તો કઈ તારીખ છે ને ક્યો મહિનો છે એ યાદ હોય પણ વિક્રમ સંવત પ્રમાણે કઈ તિથિ છે એ ખબર હોતી નથી.
મજાની વાત એ છે કે, આપણા તિથિ પ્રમાણે આવતા તહેવારો પણ આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે યાદ રાખતા થઈ ગયા છીએ. દિવાળી કઈ તારીખે આવશે કે લાભ પાંચમ કઈ તારીખે છે એવો સવાલ એકબીજાને કરીએ છીએ પણ તિથિ પ્રમાણે યાદ નથી રાખી શકતા. સામાન્ય લોકોમાંથી મોટા ભાગનાંને તો વિક્રમ સંવત શું છે એ પણ ખબર નથી.
સામાન્ય લોકોનો તેમાં વાંક નથી કેમ કે સરકારથી માંડીને બધાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કામ કરે છે તેથી હિન્દુ કેલેન્ડર કોઈને યાદ જ નથી. ભારતીય કેલેન્ડર ચલણમાં તો છે પણ સામાન્ય લોકોને તેના વિશે ખબર નથી. ગુજરાતી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે વિક્રમ સંવતની થોડી સમજ મેળવી લઈએ. આપણી લુપ્ત થતી પરંપરાઓની જાળવણી અંગે છેલ્લાં કેટલાંક વરસોમાં જાગૃતિ વધી છે ત્યારે ભારતીય કેલેન્ડરના જતન માટેની જાગૃતિમાં કદાચ આ વાત કામ આવી જાય. આ જતન માટે પણ હિંદુ કેલેન્ડર કેમ પ્રચલિત કરવું એ સમજવું વધારે જરૂરી છે.
આપણે હિંદુ કેલેન્ડરના બદલે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરીએ છીએ. ગ્રેગોરિયન કેલેન્ડર એટલે ઈસવી સન પ્રમાણે ઉજવાતું વર્ષ એટલે કે અંગ્રેજી નવું વર્ષ. ગ્રેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણે ૧ જાન્યુઆરીએ નવું વર્ષ શરૂ થાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસથી શરૂ થતું આ ખ્રિસ્તી નવું વર્ષ ૩૧ ડિસેમ્બરે પૂરું થાય છે.
ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં હિંદુ કેલેન્ડર પ્રચલિત નથી એ વાત આંચકાજનક લાગશે પણ તેનાં કારણો સમજવા જેવાં છે. બ્રિટિશ સામ્રાજ્ય દુનિયાના સંખ્યાબંધ દેશોમાં ફેલાયેલું હતું તેથી દુનિયામાં ગ્રેગોરિયન કેલેન્ડર લગભગ તમામ દેશોમાં ચલણમાં છે. ભારતમાં પણ અંગ્રેજ શાસનના કારણે અંગ્રેજોનું કેલેન્ડર પ્રચલિત બન્યું અને લગભગ તમામ વ્યવહારો આ કેલેન્ડર પ્રમાણે જ થાય છે. આ કારણે ભારતમાં બહુમતી હિંદુઓની છે પણ ચલણમાં અંગ્રેજી કેલેન્ડર છે. હિંદુઓને પણ તિથિ યાદ નથી હોતી પણ તારીખ ચોક્કસ યાદ હોય છે.
જો કે મુખ્ય કારણ એ છે કે, ગ્રેગોરિયન કેલેન્ડરમાં બધું ફિક્સ છે. વરસમાં બાર મહિના હોય, દરેક મહિનામાં કેટલા દિવસ હોય, દર ચાર વર્ષે લીપ યર આવે એ બધું નક્કી જ છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી. તમે પચાસ વર્ષ પહેલાંની કોઈ તારીખે ક્યો વાર હતો એવું કોઈને પૂછો તો પણ ગણતરીની મિનિટોમાં જવાબ આપી દેવાય પણ આપણા હિંદુ કેલેન્ડરમાં કશું નક્કી નથી.
આપણું કેલેન્ડર પંચાંગ પ્રમાણે નક્કી થાય છે. હિંદુ કેલેન્ડરમાં મહિનામાં સુદ ને વદ એવાં બે પખવાડિયાં હોય છે ને પખવાડિયામાં પણ પંદર દિવસ જ હોય એવું નક્કી નથી હોતું. કોઈ પખવાડિયામાં પંદર દિવસ હોય તો કોઈમાં ચૌદ પણ હોય. પછી બીજા કોઈ પખવાડિયામાં સોળ કે સત્તર દિવસ પણ હોય. અંગ્રેજી મહિનામાં બીજી તારીખ પછી ત્રીજી તારીખ જ આવે જ્યારે હિંદુ કેલેન્ડરમાં બીજ પછી ત્રીજ આવે પણ ખરી ને ના પણ આવે. કોઈ તિથિ પખવાડિયામાં બે વાર આવે તો કોઈ સાવ જ ના આવે એવું પણ હોય. એક જ દિવસે બે તિથિ હોય એવું પણ બને.
વિક્રમ સંવતમાં પણ વરસમાં સામાન્ય રીતે બાર મહિના જ છે પણ કોઈ વરસમાં અધિક માસ અથવા તો પુરૂષોત્તમ માસ આવી જાય તો તેર મહિના પણ થઈ જાય. આ વધારાનો મહિનો પણ ક્યારે આવશે એ નક્કી ના હોય. કોઈ વાર શ્રાવણ મહિના પહેલાં આવે તો કોઈ વાર શ્રાવણ મહિના પછી આવે. કોઈ વાર બીજા કોઈ મહિનાની આગળપાછળ પણ આવી જાય. આ બધાં કારણોસર હિંદુ કેલેન્ડરની તિથિ યાદ રાખવી બહુ અઘરી છે.
બીજી એક અસમાનતા પણ ઉડીને આંખે વળગે એવી છે. ભારતમાં હિંદુઓમાં વિક્રમ સંવત પ્રચલિત છે પણ વિક્રમ સંવતનું વર્ષ ક્યારથી શરૂ થાય એ વિશે પણ એકરૂપતા નથી. ગુજરાતમાં દિવાળીએ વર્ષ પૂરું થાય છે અને બેસતા વર્ષના દિવસે નવું વર્ષ શરૂ થાય છે. આ કારણે આપણું નવું વરસ હમણાં શરૂ થયું પણ દેશના બીજા ભાગોમાં વિક્રમ સંવત ૨૦૮૧ પહેલાં જ શરૂ થઈ ગયું છે.
સમગ્ર ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચૈત્રી નવરાત્રિની સમાપ્તિથી નવું વર્ષ શરૂ થાય છે. ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ એકમથી નવું વર્ષ શરૂ થાય છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો તથા ગુજરાતમાં કારતક સુદ એકમથી શરૂ થાય છે. ભારતના કેટલાક વિસ્તારોમાં અષાઢ સુદ એકમથી પણ વિક્રમ સંવત શરૂ થાય છે. દેશના બહુમતી હિંદુઓ માટે ચૈત્ર સુદ એકમથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થાય છે પણ વિક્રમ સંવત શરૂ થવા માટે ત્રણ અલગ અલગ તિથિ છે.
આ સ્થિતિ છે તેનું કારણ એ છે કે, આપણે દિવસો અને વર્ષ ગણવા અલગ અલગ પદ્ધતિ અપનાવીએ છીએ. વિશ્ર્વમાં અલગ અલગ કેલેન્ડર્સમાં વર્ષની ગણત્રી કરવાની અલગ અલગ પદ્ધતિ છે. વિશ્ર્વમાં સૂર્યની ગતિ પ્રમાણે અને ચંદ્રની ગતિ પ્રમાણે એમ બે રીતે વર્ષ ગણાય છે. સૂર્યની ગતિ પ્રમાણે વર્ષ ગણાય તેના આધારે સોલર કેલેન્ડર અને ચંદ્રની ગતિ પ્રમાણે લ્યુનાર કેલેન્ડર બન્યું છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ઉત્તર દિશામાં ખસે છે તેથી આ ઘટના સમગ્ર વિશ્ર્વમાં સ્વીકૃત છે. અંગ્રેજી કેલેન્ડરમાં આ વાતને આધાર બનાવાયો છે પણ વિક્રમ સંવત લ્યુનિસોલર છે. મતલબ કે, ચંદ્રની કળા પ્રમાણે દિવસો ગણાય છે જ્યારે વર્ષની ગણતરી સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાના આધારે થાય છે. આ કારણે હિંદુ કેલેન્ડરમાં ચોક્કસ ફોર્મેટ નથી.
નવી પેઢીને જે સરળ હોય એ જીભે ચઢતું હોય છે તેથી અંગ્રેજી કેલેન્ડર તરત જીભે ચઢે છે અને વધારે લોકપ્રિય છે. હિંદુ કેલેન્ડરને લોકપ્રિય બનાવવું હોય તો આ પ્રકારની સરળતા
લાવવી પડે.